For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાથી ભારતમાં સર્જાયેલી કટોકટીએ મોદીની ઇમેજ પર પ્રચંડ ફટકો માર્યો?

કોરોનાથી ભારતમાં સર્જાયેલી કટોકટીએ મોદીની ઇમેજ પર પ્રચંડ ફટકો માર્યો?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
વિશ્વભરનું મીડિયા ભારતની આ સ્થિતિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠરાવી રહ્યું છે

બ્રિટિશ અખબાર સન્ડે ટાઇમ્સે તાજેતરમાં એક હેડલાઇનમાં લખ્યું હતું, 'મોદી ભારતને લૉકડાઉનમાંથી બહાર કાઢીને કોવિડ સર્વનાશ તરફ લઈ ગયા.'

'ધ ઑસ્ટ્રેલિયન' અખબારે પોતાનો એક લેખ ફરીથી પ્રકાશિત કર્યો જેના સારાંશમાં લખ્યું હતું, "ટીકાકારોનું કહેવું છે કે અહંકાર, અંધરાષ્ટ્રવાદ અને બિનકાર્યક્ષમ બ્યૂરોક્રેસીએ એવું મહાસંકટ પેદા કર્યું છે જેમાં નાગરિકો તો પીસાઈ રહ્યા છે, પરંતુ ભારતના ટોળાપ્રેમી વડા પ્રધાન મગ્ન છે."

ભારતે આ લેખનો વળતો જવાબ પણ આપ્યો. પરંતુ એ વાતમાં કોઈ શંકા નથી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બહુ કાળજીપૂર્વક રચાયેલી છબિ ખરડાઈ છે.

હૉસ્પિટલોમાં પથારી અને ઓક્સિજનની રાહ જોતા લોકો તરફડીને દમ તોડી રહ્યા છે, તેમના પરિવારજનો સારવાર અપાવવા માટે તમામ સંસાધન ખર્ચ કરી રહ્યા છે. ડૉક્ટરની ઍપૉઇન્ટમૅન્ટથી લઈને ઓક્સિજન સિલિન્ડર મેળવવા સુધી ભારે જહેમત ઉઠાવવી પડે છે.

સ્મશાનોમાં ડઝનબંધ ચિતાઓ એકસાથે સળગી રહી છે, લોકો મોટી સંખ્યામાં મરી રહ્યા છે તેથી તેમના અંતિમસંસ્કાર માટે પાર્કિંગસ્થળોમાં પણ સ્મશાનગૃહ બનાવાઈ રહ્યાં છે.


વૈશ્વિક મીડિયાએ મોદીને જવાબદાર ગણાવ્યા

ભારતમાં કોરોના

વિશ્વભરનું મીડિયા ભારતની આ સ્થિતિ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠરાવી રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની જાતને એક કુશળ શાસક તરીકે રજૂ કર્યા છે, જે નાનામાં નાની ચીજોનું પણ ધ્યાન રાખે છે. પરંતુ અત્યારે ભારતમાં કોરોના દરરોજ નવા વિક્રમ સ્થાપી રહ્યો છે, મોદી બહુ ખરાબ રીતે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે.

રાજકીય વિશ્લેષક મિલન વૈષ્ણવ કહે છે, "કાર્યક્ષમતા જ તેમની ઓળખ હોય તો ઘણા બધા લોકો હવે તેમના પર સવાલ ઉઠાવી રહ્યા છે. એવું નથી કે સરકાર ક્યાંય દેખાઈ ન હતી, વાત એ છે કે સરકારે પરિસ્થિતિને વધારે ખરાબ કરી દીધી."

કોવિડ સંકટ દરમિયાન બહુ ખરાબ રીતે નિષ્ફળ જનારા નેતાઓમાં મોદી એકલા નથી. પરંતુ વૈષ્ણવ કહે છે કે તેમણે સૌથી વધારે સન્માન ગુમાવ્યું છે, કારણ કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અથવા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોની જેમ તેમણે કોવિડને સાવ નકારી નહોતું કાઢ્યું.

તેમને ચેતવણીના વેળાસર સંકેત મળ્યા હતા, છતાં જે થઈ રહ્યું છે તેને રોકવામાં તેઓ સદંતર નિષ્ફળ રહ્યા છે.


માસ્ક પહેર્યા વગર ચૂંટણીપ્રચાર કર્યો

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન મોદીએ હરિદ્વારમાં કુંભમેળો યોજાવા દીધો, જેમાં લાખો લોકોએ ગંગા નદીમાં સ્નાન કર્યું હતું.

તેઓ પશ્ચિમ બંગાળમાં એક મહિના સુધી ચાલેલી ચૂંટણી યોજવા પર ભાર મૂકતા રહ્યા. આ રેલીઓમાં તેઓ માસ્ક પહેર્યા વગર ભાષણ આપતા હતા. તેમની રેલીમાં લાખોની મેદની એકઠી થતી હતી.

'ધ ઇકૉનૉમિસ્ટ'ના ભારતસ્થિત સંવાદદાતા ઍલેક્સ ટ્રાવેલી કહે છે, "દુનિયાના જે દેશમાં તાજેતરમાં જ લૉકડાઉન લગાવવું પડ્યું હોય ત્યાં બેદરકારી અને નિયમભંગનું આ પ્રદર્શન આશ્ચર્યજનક હતું."

આ કટોકટી મોદીની બ્રાન્ડ ઇમેજનું એક જ્વલંત સ્મારક પણ છે. હિંદુ બહુમતી ધરાવતા રાષ્ટ્રના એક મજબૂત, ચર્ચાસ્પદ નેતાએ જાન્યુઆરીમાં જ દાવોસમાં એક ભાષણમાં જણાવ્યું હતું કે ભારતે કોરોનાને હરાવ્યો છે.

સ્ટેટ યુનિવર્સિટી ઑફ ન્યૂયૉર્ક ખાતે પૉલિટિકલ સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર ક્રિસ્ટોફર ક્લેરી જણાવે છે, "વિદેશી વિવેચકો તેમના રાષ્ટ્રવાદી આવેગને હંમેશાં તેમની ટેકનોક્રૅટિક ક્ષમતા સાથે જોડીને જોતા હતા. પરંતુ કોવિડ મહામારીની આ લહેરમાં તેમની આ ક્ષમતા સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે."

https://www.youtube.com/watch?v=wzxuDCN7cVU

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં અચાનક નોટબંધીની જાહેરાત કરીને કરોડો ભારતીયોને લાઇનમાં ઊભા રાખી દીધા ત્યારે તેમની સક્ષમ શાસકની છબિને ફટકો પડ્યો હતો.

ગયા વર્ષે કોવિડ મહામારીને રોકવા માટે તેમણે રાતોરાત દેશવ્યાપી લૉકડાઉન જાહેર કર્યું હતું. પરંતુ આ દરમિયાન લાખો ભારતીયોએ પોતાની નોકરી ગુમાવવી પડી અને હજારો લોકો માર્યા ગયા. ભારતીય અર્થતંત્ર હજુ સુધી લૉકડાઉનની અસરમાંથી બહાર આવી શક્યું નથી.

રાતોરાત નોટબંધીની જાહેરાત હોય કે પછી લૉકડાઉન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બચાવમાં કહેતા આવ્યા છે કે તેમણે આ પગલું રાષ્ટ્રહિતમાં લીધું હતું.

પરંતુ ફોરેન પૉલિસીના એડિટર ઇન ચીફ રવિ અગ્રવાલનું માનવું છે કે તેઓ પોતાની આ નવી ભૂલમાંથી આસાનીથી બચી નહીં શકે.

અગ્રવાલ કહે છે, "તમે જીડીપીના આંકડાનું તો સ્પષ્ટીકરણ આપી શકો છો, પરંતુ કોઈના ભાઈનું મૃત્યુ થયું હોય તો તેને તર્ક સાથે સમજાવી ન શકો."

"હંમેશાં એવો વિશ્વાસ રહ્યો છે કે મોદી ભલે ભૂલ કરી દે, પરંતુ તેઓ તેમના વિશે વિચારે છે અને તેમના માટે જ કામ કરે છે. પરંતુ આ વખતે લોકોને મોદીના ઇરાદા અંગે શંકા છે. મોદીની ઇમેજમાં તિરાડ પડી છે. આ તિરાડ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મોદી નામનો કિલ્લો તૂટી રહ્યો છે."


મોદીની ઇમેજ કઈ રીતે રચાઈ, કઈ રીતે ખરડાઈ

વર્ષ 2012માં ટાઇમ મૅગેઝિને તેના કવર પર લખ્યું હતું, મોદીનો અર્થ છે બિઝનેસ

વર્ષ 2012માં 'ટાઇમ' મૅગેઝિને તેના કવર પર લખ્યું હતું, 'મોદીનો અર્થ છે બિઝનેસ.'

વર્ષ 2002માં એક ટ્રેનમાં લાગેલી આગમાં 60 હિંદુઓનાં મૃત્યુ પછી ગુજરાતમાં કોમી તોફાનો થયાં હતા, જેમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. તેમાંથી મોટા ભાગના લઘુમતી સમુદાયના લોકો હતા.

તે સમયે મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા અને તેમના પર તોફાનો થવા દેવાનો આરોપ મુકાયો હતો. મોદીએ પોતાની સામેના તમામ આરોપો ફગાવી દીધા અને તેમની છબિ જરાય ખરડાઈ ન હતી.

વર્ષ 2012 આવતા સુધીમાં ગુજરાતના મુખ્ય મંત્રી મોદી પોતાના સમર્થકો માટે પ્રભાવશાળી વહીવટ અને સુશાસનનું આદર્શ પ્રતીક બની ગયા હતા.

કેટલાક મીડિયા કવરેજમાં તેમને 'નિરંકુશ કુંવારા' અને 'ખરાબ પ્રતિનિધિ' પણ કહેવામાં આવ્યા. પરંતુ તેમને એક નવા ફેરફાર પણ ગણાવ્યા જેની આગેવાનીમાં ગુજરાતનો વિકાસ થયો અને બિઝનેસે પ્રગતિ કરી.

13 વર્ષ સુધી ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા પછી તેમણે જ્યારે વર્ષ 2014માં વડા પ્રધાનના પદ માટે દાવેદારી નોંધાવી ત્યારે તેને ભારતના અર્થતંત્રને પાટે ચઢાવવાની તક તરીકે જોવામાં આવ્યું.

ભાજપે ધ્રુવીકરણ કરનારા મોદીને ઉમેદવાર બનાવીને જોખમ ઉઠાવીને તેમની કુશળ શાસકની છબિ પર જુગાર ખેલ્યો.

વડા પ્રધાન મોદીનું જીવનચરિત્ર લખનાર પત્રકાર નીલંજન મુખોપાધ્યાય જણાવે છે, "ગુજરાતમાં શાસન કરવું પ્રમાણમાં સરળ હતું અને અમે તેના પ્રભાવમાં જ આવી ગયા."

નવા નવા રસ્તા, વીજળીની લાઈન, બ્યૂરોક્રેસીની ઘટતી દખલગીરી અને વધતા જતા ખાનગી રોકાણે ગુજરાતના મધ્યમવર્ગ અને અમીર મતદારોને આકર્ષિત કર્યા.

મુખોપાધ્યાયનું માનવું છે કે એક ઓછી વસતી ધરાવતા સમૃદ્ધ રાજ્યમાં આ સિદ્ધિ મેળવવી એ કોઈ મોટી વાત ન હતી. એક વાત એ પણ છે કે ગુજરાતના સામાજિક વિકાસ સૂચકાંકમાં કોઈ મોટો સુધારો નથી થયો.

મુખોપાધ્યાય કહે છે, "આપણે બધા મોદીના પ્રભાવમાં આવી ગયા હતા. મેં પણ આ ભૂલ કરી હતી. એક વખત મોદીએ કહ્યું હતું કે અમે રેડ કાર્પેટ પાથરીએ છીએ. અમારે ત્યાં રેડ ટેપ નથી. જે વિદેશી મદદ અત્યારે આવી રહી છે તેના માટે રેડ કાર્પેટ ક્યાં છે?"

https://www.youtube.com/watch?v=ARKSi3lfk5g

રિપોર્ટ મુજબ ભારતને વિદેશમાંથી મળતી મદદ કસ્ટમમાં અટવાયેલી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે વર્તમાન સંકટે મોદીના સુરક્ષા કવચની નબળાઈ ખુલ્લી કરી છે.

તેઓ કેન્દ્રમાંથી જ દેશનું શાસન ચલાવતા હતા તેના કારણે ગયા વર્ષ સુધી તેમના પર ભરોસો હતો. પરંતુ અત્યારે સંકટના સમયે તેમણે બધી જવાબદારી રાજ્યો પર નાખી દીધી છે.

મોદીએ બીજા દેશોને રસી આપવાની ઉદાર રણનીતિ અપનાવી જેના હેઠળ ભારતે ડઝનબંધ દેશોને રસી મોકલી.

પરંતુ હવે આ નીતિ બેદરકારીમાં લેવાયેલું પગલું હોય તેમ લાગે છે, કારણ કે ભારતે પોતાના સૌથી મોટા રસીઉત્પાદકને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનો ભંગ કરવાની ફરજ પાડી છે. આ ઉત્પાદકને બહારના દેશોએ રસી ઉત્પાદન માટે ફંડ આપ્યું હતું.

મોદીના ટેકેદારો તેમના કટ્ટર બહુમતીવાદને સમર્થન આપે છે. પરંતુ વિશ્લેષકોનું કહેવું છે કે આ કારણથી મોદી અત્યારની કટોકટીની સ્થિતિમાં વિપક્ષ સાથે પણ વાત નથી કરી શકતા.

રવિ અગ્રવાલ કહે છે, "વડા પ્રધાન મોદી દરેક ચીજ પર પોતાની તસવીર લગાવે છે. હવે કંઈક ખોટું થાય ત્યારે તેઓ તેની જવાબદારીમાંથી છટકી ન શકે. તમે બધી તરફથી ફાયદામાં ન રહી શકો."

https://www.youtube.com/watch?v=p3fiIiZFLB8

વડા પ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીયસ્તરે પણ પ્રભાવશાળી ઇમેજ બનાવી હતી.

એક અખબારે પોતાના શીર્ષકમાં લખ્યું હતું કે ભારતની બહાર તેઓ પોતાના સર્વશ્રેષ્ઠ સ્વરૂપમાં હોય છે. તેમણે મેડિસન સ્કવેર ગાર્ડનમાં લાખોની ભીડ એકઠી કરાવી હતી અને ટૅક્સાસમાં યોજાયેલા 'હાઉડી મોદી ઇવન્ટ'માં તો તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની પાછળ ઊભેલા દેખાતા હતા.

રવિ અગ્રવાલ જણાવે છે, "તેમણે પોતાની છબિને એવી આક્રમકતા સાથે તૈયાર કરી હતી કે તેઓ તાજેતરના દાયકામાં ભારતમાં સૌથી વધુ જોવા મળતા નેતા બની ગયા હતા."

તેમનો મજબૂત રાષ્ટ્રવાદ ભારત અને વિદેશમાં તેમના સમર્થકોનો જુસ્સો વધારતો હતો.

તેમના નેતૃત્વમાં ભારતને એક ઉભરતા સુપરપાવર તરીકે જોવાનું શરૂ થયું હતું.

રવિ અગ્રવાલ કહે છે, "પરંતુ હવે ભારતીયોને એ જાણીને નિરાશા થઈ છે કે કોવિડ મહામારીમાં બાંગ્લાદેશ, થાઇલૅન્ડ અને વિયેતનામે પણ ભારત કરતાં સારું પ્રદર્શન કર્યું છે."

"વિદેશમાં વસતા ભારતીયો પણ શરમજનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. પોતાના જે દેશને તેઓ ઊભરતી મહાસત્તા તરીકે જોઈ રહ્યા હતા તેને હવે મીડિયા રિપોર્ટ્સમાં આ રીતે દેખાડવામાં આવે છે."


શું મોદી ફરીથી પોતાની છબિ સુધારી શકશે?

https://www.youtube.com/watch?v=sxSYIHZUfqw

વૈષ્ણવ કહે છે, "અત્યાર સુધી મોદીએ પોતાની જાતને એક અસાધારણ નેતા તરીકે રજૂ કરી છે જે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ બહાર આવી શકે છે. મોદી અત્યાર સુધીમાં ઘણી અસામાન્ય પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા છે. તેથી કમસે કમ હું તેમને અત્યારે આઉટ જાહેર નહીં કરું."

સરકાર પણ ડૅમેજ કંટ્રોલ મોડમાં આવી ગઈ છે. મીડિયામાં છપાતા નકારાત્મક અહેવાલો અંગે સરકાર પ્રતિક્રિયા આપી રહી છે. વિપક્ષી નેતાઓ સાથે સાર્વજનિક દલીલો કરે છે અને ટ્વિટર પર પોતાની ટીકા કરનારાઓ પ્રત્યે આક્રમક છે.

સરકારે પોતાના બચાવમાં કહ્યું છે કે વિદેશી ષડ્યંત્રના ભાગરૂપે ભારતની છબિ ખરડવા પ્રયાસ થઈ રહ્યો છે.

સરકારે ટ્વિટરને પોતાને પસંદ ન હોય તેવી પોસ્ટ દૂર કરવા કહ્યું છે.

સરકારે વડા પ્રધાન મોદીના નેતૃત્વનો બચાવ કરવા બદલ ટ્વિટરને ટ્વિટર પર જ ધન્યવાદ પાઠવ્યા હતા. પરંતુ મોદી સ્વયં ક્યાંય દેખાતા નથી. માત્ર 20 એપ્રિલે તેમણે એક લવચિક ભાષણ આપ્યું હતું.

ટ્રાવેલી કહે છે, "મહામારી શરૂ થઈ ત્યારે મોદી જાણતા હતા કે તેમણે ભારતના લોકો અને દુનિયાની સમક્ષ કેવું દેખાવું છે. "

"તેઓ પોતાની જાતને ભારતના લોકોને આ સંકટમાંથી બહાર કાઢનાર સેનાપતિ તરીકે રજૂ કરતા હતા. પરંતુ હવે તેમની પાસે આવું કંઈ બાકી રહ્યું નથી. તેમને માફી માગવામાં કે મદદ માગવામાં કોઈ રસ નથી."

વડા પ્રધાન બન્યા પછી મોદીએ બહુ ઓછા ઇન્ટરવ્યૂ આપ્યા છે. તેમણે ક્યારેય પત્રકારપરિષદ પણ સંબોધી નથી. કોવિડ મહામારી દરમિયાન પણ તેમણે મુલાકાત નથી આપી.

મુખોપાધ્યાય કહે છે કે, "તેઓ નથી ઇચ્છતા કે કોઈ તેમને સવાલો પૂછે."

પરંતુ હવે ભારતના લોકો પાસે માત્ર સવાલો જ રહ્યા છે.

ગરીબો, ગભરાયેલો મધ્યમવર્ગ અને સારવાર માટે ભટકતા અમીરો તથા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓને પણ નથી સમજાતું કે વડા પ્રધાને આવું શા માટે થવા દીધું. બધા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ જવાબ આપવાવાળું કોઈ નથી.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=p3fiIiZFLB8

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The crisis created in India by Corona has dealt a huge blow to Modi's image?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X