સોમવારે વહેલી સવારે મુંબઇથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઇટ નંબર 9W339ને સુરક્ષા કારણોથી અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવી છે. પીટીઆઇ દ્વારા આ જાણકારી મળી છે. મુંબઇથી આ ફ્લાઇટ વહેલી સવારે 2:55એ ઉપડી હતી. અને તે સવારે 3:45 એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. સુરક્ષા કારણોથી આમ કરવામાં આવ્યું હતું તેવું આ મુસાફરીનો ભાગ બનેલા યાત્રીઓ દ્વારા જાણવા મળ્યું છે. સુત્રોથી પ્રાપ્ત થતી જાણકારી મુજબ જેટની એરહોસ્ટેસને વોશરૂમમાંથી ફ્લાઇટ હાઇજેક થશે અને વિસ્ફોટક પદાર્થ ફ્લાઇટમાં છે તેવો પત્ર મળતા આ ફ્લાઇટને દિલ્હી જવાના બદલે અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી. અને તમામ પેસેન્જરને નીચે ઉતારી ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જો કે જેટ એરવેજ તરફથી આ અંગે કોઇ અધિકૃત નિવેદન સવાર સુધીમાં નથી આપવામાં આવ્યું. અને તમામ યાત્રીઓ હેમખેમ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ગયા હતા. પણ આ ઘટનાએ થોડીક વાર માટે જેટ એરવેજના કર્મચારીઓની ચિંતા વધારી દીધી હતી. હાલ અમદાવાદ ખાતે પ્લેન અને તમામ વસ્તુઓની તપાસ કરવામાં આવી છે. અને સાથે જ વોશરૂમમાં આ ધમકી ભર્યો પત્ર કોણે મૂક્યો તે અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ પણ શરૂ કરવામાં આવ્યો છે.