ખેડૂતો સામે હરિયાણા સરકાર ઘુંટણીયે પડી, MSP સહિતની તમામ માંગ સ્વીકારાઈ
ખેડૂતો વિરોધી પાર્ટી હોવાના આરોપોનો સામનો કરી રહેલી બીજેપીને હરિયાણામાં ખેડૂતો સામે પાછી પાની કરવી પડી છે. હવે હરીયાણા સરકાર સામે MSP સહિતના મુદ્દાઓને લઈને લડી રહેલા ખેડૂતોનો વિજય થયો છે અને ખેડૂતોની માંગ સ્વીકારવા સરકાર મજબુર થઈ છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, હરિયાણાના કુરુક્ષેત્રમાં દિલ્હી-ચંદીગઢ હાઈવે પર જામ કરીને ધરણા પર બેઠેલા ખેડૂતોની માંગ હરિયાણા સરકારે સ્વીકારી લીધી છે.

ખેડૂતો તરફથી આ મુદ્દે કહેવાયુ છે કે, અમારી માંગ સરકારે સ્વીકારી છે. આજે સાબિત થયું છે કે એકતામાં તાકાત છે. આ અંતિમ વિજય નથી. અંતિમ વિજય ત્યારે જ થશે જ્યારે સરકાર સમગ્ર દેશમાં એમએસપીની માંગ સ્વીકારશે.
મીડિયા સાથે વાત કરતા રાકેશ ટિકૈતે કહ્યું કે, અમે ધરણા સમાપ્ત કરી રહ્યા છીએ. બંધ રસ્તા આજે ખોલાશે. અમે વિરોધ એટલા માટે કરી રહ્યા હતા કે અમારો પાક MSP પર ખરીદાય. અમે MSP માટે દેશભરમાં લડત ચાલુ રાખીશું. અમારા નેતાઓને પણ ટૂંક સમયમાં મુક્ત કરાશે અને કેસ પાછા ખેંચાશે.
તેમણે કહ્યું કે, અમે એક અઠવાડિયા સુધી સંઘર્ષ કર્યો અને આજે તમારા બધાના સહકારથી સરકારે અમારી માંગણી સ્વીકારી છે. અમે કોઈની સામે ઝૂકવાના નથી, અમે અમારો હક માગ્યો છે.
રાકેશ ટિકૈતે આગળ કહ્યું કે, અમારા પર દબાણ હતું, ખેડૂત આંદોલનને લઈને ઘણા ટ્વિટર એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા. આખા દેશની સંપત્તિ માત્ર એક વ્યક્તિને વેચવામાં આવી રહી છે. અમારે ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી, અમે ચૂંટણી નહીં લડીએ.
ખેડૂત નેતા કરમસિંહ મથાણાએ જણાવ્યું કે, એમએસપીનો મુખ્ય મુદ્દો હજુ ઉકેલાયો નથી, પરંતુ સરકાર સાથેની અમારી બેઠક સફળ રહી. અમે એક સપ્તાહ સુધી સંઘર્ષ કર્યો અને આજે સરકારે અમારી માંગણીનો સહકાર આપીને સ્વીકાર કર્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે, ખેડૂતો ટેકાના ભાવે સુરજમુખીની ખરીદી માટે સરકારનો વિરોધ કરી રહ્યા હતા. ખેડૂતોએ પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા કુરુક્ષેત્રના પીપલી પાસે હાઈવે બ્લોક કર્યો હતો.












Click it and Unblock the Notifications
