દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરતી અરજી હાઈકોર્ટે ફગાવી, જાણો શું કહ્યું કોર્ટે?
દિલ્હી લીકર પોલીસી કેસમાં અરવિંદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કર્યા બાદ હાઈકોર્ટમાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ થઈ હતી. કોર્ટે આ માંગને ફગાવી દીધી છે.
અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી જાહેર હિતની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે કોર્ટ રાષ્ટ્રપતિ શાસનનો આદેશ આપી શકે નહીં.

કોર્ટે કહ્યું કે, રાષ્ટ્રપતિ શાસન અંગેનો નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નરની ભલામણ પર જ લઈ શકાયછે. કેજરીવાલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી આ અરજીને કોર્ટે ફગાવી દીધી છે.
સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તાના વકીલને પૂછ્યું કે શું પદ પર ચાલુ રહેવા સામે કોઈ કાયદાકીય પ્રતિબંધ છે? કોર્ટે કહ્યું કે આ મામલામાં ન્યાયિક હસ્તક્ષેપની જરૂર નથી. જો કોઈ બંધારણીય નિષ્ફળતા હશે તો તે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા જોવામાં આવશે.
રાષ્ટ્રપતિ તેમની ભલામણ પર જ રાષ્ટ્રપતિ શાસન અંગે નિર્ણય લેશે. આ રીતે કોર્ટે કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી અને તેના પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો.
હાઈકોર્ટે કહ્યું કે, અમે દિલ્હીમાં ચાલી રહેલી ઘટનાક્રમ પર લેફ્ટનન્ટ ગવર્નરનું નિવેદન અખબારોમાં વાંચ્યું છે. આ સમગ્ર મામલો તેમની નોંધમાં છે. તેમને આ બાબતે તપાસ કરવા દો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કોર્ટ રાષ્ટ્રપતિ શાસન લાદવાનો આદેશ આપી શકે નહીં. અમે અરજીમાં લાગેલા આરોપો પર કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી, પરંતુ આ મુદ્દો એવો નથી કે કોર્ટ તેના પર આદેશ આપે.
કેજરીવાલને પદ પરથી હટાવવાની માંગ કરતી અરજી સુરજીત કુમાર નામના વ્યક્તિ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુરજીતે કહ્યું હતું કે, અમે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પીઆઈએલ દાખલ કરી છે. અમે કહીએ છીએ કે તે જેલમાંથી સરકાર કેવી રીતે ચલાવી શકે. અમે તેમને પદ પરથી હટાવવાની માંગ કરી પરંતુ કોર્ટે કહ્યું કે માત્ર લેફ્ટનન્ટ ગવર્નર જ કાર્યવાહી કરશે.












Click it and Unblock the Notifications
