કોલેજિયમ મુદ્દે કાયદામંત્રીએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો, જાણો શું લખ્યુ?
કાયદામંત્રી કિરણ રીજીજુએ પત્રમાં લખ્યુ છે કે તેઓ ન્યાયાધીશોની પસંદગી માટે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનની પુનઃ રજૂઆતને સમર્થન આપતા નિમણૂકની કોલેજિયમ પ્રણાલીથી સંતુષ્ટ નથી.
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ કોલેજિયમ મુદ્દે સરકાર અને સુપ્રીમ કોર્ટ સામ સામે છે ત્યારે હવે કાયદામંત્રી કિરણ રીજીજુએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. કાયદામંત્રી કિરણ રીજીજુએ પત્રમાં લખ્યુ છે કે તેઓ ન્યાયાધીશોની પસંદગી માટે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનની પુનઃ રજૂઆતને સમર્થન આપતા નિમણૂકની કોલેજિયમ પ્રણાલીથી સંતુષ્ટ નથી.

સરકાર સતત કોલેજિયમને લઈને સવાલ ઉઠાવી રહી છે ત્યારે પત્રમાં કાયદામંત્રીએ કોલેજિયમમાં સરકારના પ્રતિનીધિને સામેલ કરવાની માંગ કરી. પત્ર અનુસાર, આનાથી ન્યાયાધીશોની નિમણૂક અંગે કોર્ટની નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને જનતા માટે જવાબદારીને પ્રોત્સાહન આપશે.
આ મુદ્દે ANI સાથે વાત કરતા કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજીજુએ જણાવ્યું કે, આ રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ અધિનિયમને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટના બંધારણીય બેંચના નિર્દેશ બાદ CJIને લખેલા અગાઉના પત્રોનુ ફોલો-અપ પગલું છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કૉલેજિયમ સિસ્ટમના MOPનું પુનર્ગઠન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ મુદ્દે સતત સરકાર તરફથી નિવેદનો આવી રહ્યા છે ત્યારે તેમણે ટ્વિટર પર લખ્યું કે, માનનીય CJIને લખેલા પત્રની સામગ્રી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના અવલોકનો અને નિર્દેશો સાથે બિલકુલ સુસંગત છે. આ મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ. ભારતનું બંધારણ સર્વોચ્ચ છે અને તેનાથી ઉપર કોઈ નથી.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કોલેજિયમ સિસ્ટમના મેમોરેન્ડમ ઑફ પ્રોસિજરના પુનર્ગઠનનો નિર્દેશ આપ્યો હતો. MOP એ એક દસ્તાવેજ છે, જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટેની પ્રક્રિયાને નિર્ધારિત કરે છે. વર્તમાન કોલેજિયમ સિસ્ટમ હેઠળ ભારતના મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલતના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો સાથે ન્યાયાધીશોની નિમણૂક અને ટ્રાન્સફરની ભલામણ કરે છે. સુપ્રીમ કોર્ટના વર્તમાન કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ, કેએમ જોસેફ, એમઆર શાહ, અજય રસ્તોગી અને સંજીવ ખન્ના છે.












Click it and Unblock the Notifications
