Corona Virus : લોકડાઉનના કારણે કોરોના સિવાયના દર્દીઓને મોટી મુશ્કેલી પડી, ICMR ના રિપોર્ટમાં ખુલાસો
કોરોનાથી બચવા સમગ્ર દેશમાં માર્ચ 2020 થી કેટલીક વખત સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જો કે કોરોના કેસને નિયંત્રિત કરવા માટે લોકડાઉન જરૂરી હતું, પરંતુ તેનાથી બિન-કોવિડ દર્દીઓને તેમની સારવાર અને આરોગ્ય સંભાળમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ. ICMR ના તાજેતરના અભ્યાસમાં આ ખુલાસો થયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે લોકડાઉનને કારણે બે-તૃતીયાંશ બિન-કોવિડ દર્દીઓની આરોગ્ય સંભાળમાં મોટો વિક્ષેપ પડ્યો છે.
ICMR ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોરોના સિવાયના અન્ય રોગોથી પીડાતા ભારતના બે તૃતીયાંશ દર્દીઓએ નિયમિત ચેક-અપ, રોગચાળા દરમિયાન હોસ્પિટલોમાં પ્રવેશ સાથે વિવિધ પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તારણોથી એ સામે આવ્યુ છે કે લગભગ આવા બે તૃતીયાંશ દર્દીઓમાંથી 69% તેમની રૂટીન તપાસ કરાવી શક્યા નથી. 67% દર્દીઓને ડે-કેર પ્રક્રિયાઓમાં પડકારોનો સામનો કરવો પડ્યો અને 61% લોકોને હોસ્પિટલમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી. ICMR સર્વેમાં જાણવા મળ્યું છે કે 59% લોકો એવા હતા કે તેમને ડોક્ટરની એપોઈન્ટમેન્ટ ન મળી. સૌથી મહત્વનું એ કે 56% લોકોને ઈમરજન્સી સારવારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત 47 લોકોને દવા અને 46% લોકોને આરોગ્ય સેવાઓમાં વિલંબનો સામનો કરવો પડ્યો.
37% લોકોએ સ્વીકાર્યું કે તેઓ લોકડાઉનને કારણે સારવાર સુધી ન પહોંચી શક્યા. 29% લોકોએ હોસ્પિટલમાં જવા માટે આર્થિક મુશ્કેલીને જવાબદાર ગણાવી. 16% લોકોએ કોવિડ-19 ના કારણે હોસ્પિટલ જવાનો ઈન્કાર કર્યો. જુની અને બીમારી ધરાવતા લોકોને લોકડાઉન દરમિયાન મોટી મુશ્કેલી ઉભી થઈ.
ICMR નો આ રિપોર્ટ મહામારી અને લોકડાઉનને કારણે આરોગ્ય સેવાઓ સુધી લોકોને પહોંચવામાં પડેલી મુશ્કેલીઓ પર પ્રકાશ પાડે છે. દેશમાં કોવિડ-19 ની પ્રથમ લહેર દરમિયાન ભારતમાં સંપૂર્ણ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં થયુ હતું. ત્યારથી લોકડાઉન ચાલુ છે અને વાયરસ ફેલાતાં વિવિધ પ્રતિબંધો અને છૂટછાટો આપવામાં આવી રહી છે.