• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટોક્યો ઑલિમ્પિક : એ કારણો જેને લીધે ભારતની હૉકી ટીમ ટોક્યોમાં ઇતિહાસ ન રચી શકી

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

ટોક્યોમાં આજે રમાયેલી મૅચમાં વિશ્વવિજેતા બેલ્જિયમે ભારતીય ટીમને છેલ્લા ક્વાર્ટરમાં 5-2થી હરાવીને સતત બીજી વખત ઑલિમ્પિકની ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું.

હવે બેલ્જિયમ પાસે વિશ્વવિજેતાપદ જાળવી રાખવા ઉપરાંત ઑલિમ્પિક ચૅમ્પિયન બનવાની તક પણ છે.

બેલ્જિયમની ટીમ પાંચ વર્ષ પહેલાં રિયો ઑલિમ્પિકમાં પહેલી વાર ફાઇનલમાં પહોંચી હતી, પણ એ સમયે આર્જેન્ટિનાએ તેનું સપનું રોળી નાખ્યું હતું.

હવે તે ઑસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચેની મૅચના વિજેતા સામે ફાઇનલમાં રમીને ચૅમ્પિયન બનવાનો પ્રયાસ કરશે.

બેલ્જિયમ સામેની હારે ભારતની આશાને મોટો આંચકો આપ્યો છે. જોકે, ભારત પાસે હજુ પણ કાંસ્યચંદ્રક જીતવાની તક છે અને ભારત એ ચંદ્રક જીતશે તો એ ઑલિમ્પિક હૉકીમાં તેણે 41 વર્ષ બાદ જિતેલો ચંદ્રક હશે.

ભારતે છેલ્લે 1980ની મૉસ્કો ઑલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો.


છેલ્લા ક્વાર્ટરમાં પલટાયું બેલ્જિયમનું ભાગ્ય

ટોક્યો ઑલિમ્પિક

ભારતીય ટીમે આમ તો જોરદાર ટક્કર આપી હતી અને મૅચને પોતાની તરફેણમાં રાખવાનો ઇરાદો દેખાડ્યો હતો, પરંતુ બેલ્જિયમે છેલ્લા ક્વાર્ટરમાં ચૅમ્પિયનો જેવી રમત રમીને આ જીત હાંસલ કરી હતી.

તેમણે બીજા ક્વાર્ટરના અંતમાં સ્કોર બરોબર કર્યો બાદ ત્રીજા ક્વાર્ટરમાં મૅચ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં તેમને ખાસ સફળતા મળી ન હતી, પરંતુ ચોથા અને છેલ્લા ક્વાર્ટરમાં ભારત પર દબાણ જાળવી રાખવામાં બેલ્જિયમ સફળ થયું હતું.

તેણે છેલ્લા ક્વાર્ટરમાં ભારતને સંપૂર્ણપણે રક્ષણાત્મક રમત રમવામાં વ્યસ્ત રાખ્યું હતું અને ભારતને હુમલો કરવાની તક આપી ન હતી.

બેલ્જિયમે સૌપ્રથમ નવમા પૅનલ્ટી કૉર્નરને ગોલમાં પલટાવીને સ્કોર 3-2 કર્યો હતો. એ ગોલ હેન્ડ્રિક્સે કર્યો હતો, જે તેમનો તેરમો ઑલિમ્પિક ગોલ હતો.

તેની થોડી મિનિટ્સ પછી મળેલા વધુ એક પૅનલ્ટી સ્ટ્રૉક પર ગોલ હેન્ડ્રિક્સે ગોલ કરીને 4-2ના સ્કોર સાથે ભારતની હાર નિશ્ચિત કરી દીધી હતી.


ભારતે દબાવ્યું પૅનિક બટન

મૅચ પૂરી થવાને બે મિનિટ બાકી હતી ત્યારે ભારતે વધારાના એક ખેલાડીને મૅચમાં ઉતારીને પૅનિક બટન દબાવ્યું હતું અને શ્રીજેશ મૅચમાંથી બહાર થઈ ગયા હતા.

ભારતે આક્રમણ માટે આખી ટીમને મેદાનમાં ઉતારી દીધી હતી, પરંતુ તેનાથી તેને કોઈ લાભ થયો ન હતો, ઉપરથી બેલ્જિયમે તેનો લાભ લઈને પાંચમો ગોલ ફટકાર્યો હતો અને જીત સુનિશ્ચિત કરવામાં સફળ થયું હતું.


મૅચના પ્રારંભે સપાટો

ભારત અને બેલ્જિયમે મૅચની શરૂઆત બહુ ઝડપ સાથે કરી હતી. તેથી પહેલું ક્વાર્ટર અત્યંત રોમાંચક બની ગયું હતું. બેલ્જિયમે પહેલી જ મિનિટમાં પૅનલ્ટી કૉર્નરને ગોલમાં પલટાવીને સરસાઈ હાંસલ કરી લીધી હતી.

પરંતુ ભારતે તેના દબાણમાં આવ્યા વિના જોરદાર વાપસી કરી હતી અને સાતમી તથા આઠમી મિનિટમાં બે ગોલ ફટકારીને 2-1ની સરસાઈ સાથે પોતાનો ઇરાદો દર્શાવી દીધો હતો.

બેલ્જિયમના લુયપર્ટે કરેલા ગોલના જવાબમાં પહેલાં ભારતના હરમનપ્રીતે બીજા પૅનલ્ટી કૉર્નરમાં ઝડપી ડ્રેગ ફ્લિકથી ગોલ કરીને સ્કોર બરાબર કર્યો હતો.

બેલ્જિયમ હજુ તે આંચકામાંથી બહાર આવ્યું ન હતું ત્યાં બીજી જ મિનિટમાં ભારતે જમણી દિશામાંથી આક્રમણ કરીને સર્કલમાં એક સારો ક્રૉસ પાસ આપ્યો હતો અને ગોલપોસ્ટની સામે જ ઊભેલા મનદીપસિંહે બૉલને દિશા આપીને ભારતને 2-1થી આગળ કરી દીધું હતું.


એક સમયે હતો ભારતનો દબદબો

પોતે વિશ્વવિજેતા ટીમ સામે રમી રહ્યું હોવાનું દબાણ ભારતીય ટીમ પર ક્યારેય જોવા મળ્યું ન હતું. ભારતે શરૂઆતથી જ નેચરલ ગેમ રમ્યું હતું.

વાસ્તવમાં ગેમ પર નિયંત્રણ જાળવી રાખીને ભારતે બેલ્જિયમને રક્ષણાત્મક રમત રમવા મજબૂર કર્યું હતું. એ સમયે એવું લાગતું હતું કે ભારત મૅચ જીતવા માટે રમી રહ્યું છે.

એ સમયે ભારતીય ટીમે આક્રમણની વ્યૂહરચના અપનાવી હતી અને તેની આ વ્યૂહરચના ઘણી સફળ થતી હોવાનું લાગતું હતું.

આખરી સમયમાં પોતાના પરનું દબાણ દૂર કરવા માટે બેલ્જિયમની ટીમ લાંબા શૉટ્સ વડે બૉલને પોતાના જોખમી ક્ષેત્રની બહાર મોકલતી જોવા મળી હતી.


બેલ્જિયમે બદલી વ્યૂહરચના

ભારતીય ડિફેન્સમાં તિરાડ પાડવાનું મુશ્કેલ હોવાનું જણાયા બાદ બેલ્જિયમે શરૂઆતમાં આક્રમણ સામે ફ્લેન્કના ઉપયોગની વ્યૂહરચનાને બદલી હતી અને આગળ વધવા માટે સેન્ટરમાં બૉલ લાવીને ભારતીય ડિફેન્સને ભેદવાની વ્યૂહરચના અપનાવી હતી.

એ વ્યૂહરચના આગળ જતાં સફળ પણ થઈ હતી.

બેલ્જિયમે શરૂઆતથી આક્રમક વલણ અપનાવીને ભારત પર દબાણ બનાવવાની વ્યૂહરચના અપનાવી હતી અને પહેલી બે મિનિટમાં ભારત પર દબાણ બનાવ્યું હતું, પણ એ આક્રમણથી મળેલા પૅનલ્ટી કૉર્નર્સને બેલ્જિયમ ગોલમાં પરિવર્તિત કરી શક્યું ન હતું.

ભારતના વળતા હુમલામાં મનદીપની ગોલ ફટકારવાની તક એળે ગયા બાદ પાંચમા પૅનલ્ટી કૉર્નરને ગોલમાં પલટીને સ્કોરને 2-2 કરવામાં બેલ્જિયમ સફળ થયું હતું. એ ગોલ તેના નિષ્ણાત ડ્રેગ ફ્લિકર હેન્ડ્રિક્સે કર્યો હતો.

બેલ્જિયમે સ્કોર સમાન કર્યો પછી ભારતે ફરીથી ગેમ પર નિયંત્રણ મેળવીને આક્રમણનો સિલસિલો શરૂ કર્યો હતો.

ભારતને ગોલ ફટકારવાની કેટલીક તકો મળી હતી, પણ ખરા અર્થમાં એ ક્વાર્ટરમાં ભારતીય ટીમ થોડા દબાણ હેઠળ રમતી હોય એવું લાગતું હતું.

એ દબાણને કારણે તેમની નેચરલ ગેમ જોવા મળી હતી. ભારતને એ ક્વાર્ટરમાં તેનો પાંચમો પૅનલ્ટી કૉર્નર મળ્યો હતો, પરંતુ હરમનપ્રીતનો ડ્રેગ ફ્લિક ગોલપોસ્ટની ડાબી બાજુથી બહાર ચાલ્યો ગયો હતો.


ત્રીજું ક્વાર્ટર રહ્યું સમતોલ

આ ક્વાર્ટરમાં ભારતે આક્રમક વલણ અપનાવીને સરસાઈ મેળવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા અને તેને આઠમી મિનિટે મળેલા છઠ્ઠા પૅનલ્ટી કૉર્નરમાં ગોલ ફટકારવાની તક પણ મળી હતી.

એ પૅનલ્ટી કૉર્નર વિશે રેફરલ લઈને બેલ્જિયમે તેને ગુમાવ્યો હતો. ભારત તો પહેલાં જ રેફરલ ગુમાવી ચૂક્યું હતું, પણ હરમનપ્રીત એ પૅનલ્ટી કૉર્નરને ગોલમાં પરિવર્તિત કરવામાં સફળ થયા ન હતા, કારણ કે તેમના ડ્રેગ ફ્લિક સામે બેલ્જિયમના ડિફેન્સે શાનદાર બચાવ કર્યો હતો.

આ ક્વાર્ટરમાં ભારતીય ડિફેન્સનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું હતું. ખાસ કરીને અમિત રોહિદાસે સારી સૂઝ દેખાડીને અનેક હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા.

બેલ્જિયમે બીજા ક્વાર્ટરની માફક ત્રીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટોમાં આક્રમણ કરીને પૅનલ્ટી કૉર્નર મેળવવાના પ્રયાસ કર્યા હતા, પણ ચુસ્ત ભારતીય ડિફેન્સ એકદમ મક્કમ રહ્યું હતું અને તેણે બેલ્જિયમના ઇરાદાને સફળ થવા દીધા ન હતા.


બેલ્જિયમે મેળવી સરસાઈ

છેલ્લા ક્વાર્ટરની ચોથી મિનિટમાં સરસાઈ મેળવવામાં બેલ્જિયમ સફળ થયું હતું.

એ દરમિયાન તેને સતત ત્રણ પૅનલ્ટી કૉર્નર મળ્યા હતા અને એ સિરીઝના છેલ્લા પૅનલ્ટી કૉર્નરમાં હેન્ડ્રિક્સે, તેને રોકવા આગળ વધી રહેલા અમિત રોહિદાસને થાપ આપવા પોતાનો ઍંગલ બદલ્યો હતો અને ડ્રેગ ફ્લિક વડે રાજેશને પણ થાપ આપીને ગોલ ફટકાર્યો હતો.

તે ગોલથી બેલ્જિયમને 3-2થી સરસાઈ મળી હતી. ત્યાં સુધીમાં ગેમ પરની બેલ્જિયમની પકડ સ્પષ્ટ જોવા મળી રહી હતી.

આખરે વધુ બે ગોલ ફટકારીને બેલ્જિયમ 5-2ના સ્કોર સાથે જીત મેળવવામાં સફળ થયું હતું.


બેલ્જિયમનો બેમિસાલ દાયકો

વિશ્વવિજેતા બેલ્જિયમ ઑલિમ્પિક હૉકીમાં તો છેક 1920ની એન્ટવર્પ ઑલિમ્પિકથી ભાગ લઈ રહ્યું છે અને એ વખતે તેણે કાંસ્યચંદ્રક પણ જીત્યો હતો, પરંતુ એ પછી બેલ્જિયમને ક્યારેય હૉકીની દિગ્ગજ ટીમ ગણવામાં આવી ન હતી.

બેલ્જિયમે વર્ષ 2000થી હૉકીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટા પ્રમાણમાં નાણાં ખર્ચવાનું શરૂ કર્યું હતું અને તેનું પરિણામ થોડાં વર્ષોમાં જ દેખાવા લાગ્યું હતું.

2016ની રિયો ઑલિમ્પિકમાં ફાઇનલ સુધી પહોંચીને બેલ્જિયમે પડકાર સર્જ્યો હતો અને રજતચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

એ પછી બેલ્જિયમ હૉકી વિશ્વમાં એક શક્તિ સ્વરૂપે ઊભર્યું હતું અને તેણે વિશ્વવિજેતા તથા યુરોપિયન ચૅમ્પિયન બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.https://www.youtube.com/watch?v=oe5xxhFOYq8

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Tokyo Olympics: Reasons why the Indian hockey team could not make history in Tokyo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X