Toll Plaza Rules 2026: હાઈવે પર સફર થઈ તેજ! 1 એપ્રિલથી ટોલ પ્લાઝા થઈ જશે કેશલેસ, જાણો શું છે નવા નિયમ?
Toll Plaza Rules 2026: જો તમે અવારનવાર હાઈવે પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આગામી 1 એપ્રિલ 2026થી દેશભરના તમામ ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સરકાર હવે ટોલ ટેક્સ વસૂલવા માટે રોકડ (Cash) લેવડદેવડની સુવિધા સંપૂર્ણપણે બંધ કરવા જઈ રહી છે. હવેથી માત્ર FASTag અથવા UPI દ્વારા જ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવશે.

શા માટે લેવાયો આ નિર્ણય?
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ પ્લાઝા પર લાગતી વાહનોની લાંબી કતારો ઘટાડવાનો અને મુસાફરોનો સમય બચાવવાનો છે. હાલમાં FASTag હોવા છતાં ઘણા વાહનો રોકડમાં ચુકવણી કરે છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. હવે 'નો-સ્ટોપ ટોલિંગ સિસ્ટમ' દ્વારા વાહનોને રોકાયા વગર પસાર થવાની સુવિધા મળશે.
'કેશલેસ' સિસ્ટમથી શું થશે ફાયદો?
- સમયની બચત: ટોલ બૂથ પર ઉભા રહેવાની જરૂર નહીં પડે, જેથી મુસાફરી ઝડપી બનશે.
- ઈંધણની બચત: વારંવાર વાહન ચાલુ-બંધ કરવાથી થતી પેટ્રોલ-ડીઝલની બરબાદી અટકશે.
- પારદર્શિતા: તમામ ટ્રાન્ઝેક્શન ડિજિટલ હોવાથી ભ્રષ્ટાચાર કે ગેરરીતિની શક્યતા નહિવત રહેશે.
- છુટા પૈસાની માથાકૂટ ખતમ: ટોલ પર પરચુરણ કે છુટા પૈસા માટે થતી દલીલો અને સમયનો બચાવ થશે.
કેવી રીતે કામ કરશે નવી સિસ્ટમ?
જ્યારે તમારું વાહન ટોલ લેનમાંથી પસાર થશે, ત્યારે ત્યાં લાગેલા હાઈ-ટેક સ્કેનર તમારા વાહનના FASTagને માત્ર 1થી 5 સેકન્ડમાં સ્કેન કરી લેશે. ત્યારબાદ બેંક ખાતામાંથી આપોઆપ ટોલની રકમ કપાઈ જશે અને તમે રોકાયા વગર આગળ વધી શકશો. ભવિષ્યમાં સરકાર એવી ટેકનોલોજી લાવવા માંગે છે જ્યાં હાઈવે પર કોઈ બેરિયર કે ટોલ બૂથ જ નહીં હોય, સેન્સરની મદદથી ચાલુ ગાડીએ જ ટેક્સ કપાઈ જશે.
વાહનચાલકો માટે ખાસ સૂચના
નવા નિયમો લાગુ થયા બાદ જો કોઈ પાસે ડિજિટલ પેમેન્ટની સુવિધા નહીં હોય, તો તેને ભારે દંડ ભરવો પડી શકે છે અથવા વાહન પાછું વાળવું પડી શકે છે. તેથી 1 એપ્રિલ પહેલા નીચેની બાબતોનું ધ્યાન રાખો.
- તમારું FASTag એકાઉન્ટ એક્ટિવ છે કે નહીં તે તપાસી લો.
- FASTag વોલેટમાં પૂરતું બેલેન્સ જાળવી રાખો.
- જો FASTag ન હોય તો મોબાઈલમાં UPI (GPay, PhonePe) જેવી સુવિધા તૈયાર રાખો.
સરકારનું આ પગલું 'ડિજિટલ ઈન્ડિયા' અને 'સ્માર્ટ ટ્રાન્સપોર્ટ' તરફનું એક મોટું કદમ માનવામાં આવે છે, જે હાઈવે પરની મુસાફરીને વધુ સલામત અને ઝડપી બનાવશે.












Click it and Unblock the Notifications
