
નવા વર્ષે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસની કમાન સંભાળશે, સોનિયા-રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે.
નવી દિલ્હી : કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવતીકાલે કોંગ્રેસ અધ્યક્ષપદની ઔપચારિક જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેના શપથગ્રહણ સમારોહમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. ખડગેએ શશી થરૂરને હરાવીને કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી જીતી હતી. હવે તેઓ પદ સંભાળશે.
શપથગ્રહણ સમારોહ માટે કોંગ્રેસ મુખ્યાલયમાં તૈયારીઓ ચાલી રહી છે. કાલે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી તેમના અનુગામી મલ્લિકાર્જુન ખડગેને પાર્ટીની કમાન સોંપશે. સુરક્ષા કર્મચારીઓ અને કાર્યકરો AICC હેડક્વાર્ટરમાં સમારોહની તૈયારીઓ કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષનું કાર્યાલય પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રી આ સમારોહમાં ખડગેને ઔપચારિક રીતે ચૂંટણી પ્રમાણપત્ર સોંપશે. 24 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસની કમાન ગાંધી પરિવારની બહારના વ્યક્તિના હાથમાં હશે. આ શપથ સમારોહમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા માટે ત્રણ દિવસનો વિરામ રાખ્યો છે. તેઓ દિવાળી અને પાર્ટીના અન્ય કાર્યક્રમો માટે દિલ્હી પહોંચ્યા હતા.
80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગે પાર્ટીનું નેતૃત્વ કરી કરવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ તરફથી સખત પડકારનો સામનો કરી રહી છે. જેણે ઘણા રાજ્યોમાંથી કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી છે. આ કાર્યક્રમ માટે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ દિલ્હી પહોંચી રહ્યા છે.