નવી સંસદના લોકાર્પણમાં અડવાણીને આમંત્રણ અપાયુ છે કે નહીં?-શિવસેના
રવિવારે દેશની નવી સંસદનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. એક તરફ રાષ્ટ્રપતિને બાયપાસ કરીને પીએમ મોદી ખુદ લોકસભાનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ તાનાશાહી અને લોકશાહી વિરોધી હોવાનો આરોપ લગાવી રહી છે. હવે ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને ટોણો માર્યો છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ સંકુલને પોતાની જાગીર માને છે. તેમને લાગે છે કે તેમણે તેનું નિર્માણ કર્યું છે.

મુખપત્ર સામનામાં શિવસેનાએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને પીએમ મોદીને ટોણો મારતા સવાલ કર્યો કે, શું બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી 28 મેના કાર્યક્રમમાં આવવાના છે કેમ?
શિવસેનાએ મુખપત્રમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ દેશના વડા છે અને ભારતના પ્રથમ નાગરિક છે. આ પદનું અપમાન ન કરવું જોઈએ. મોદીની નીતિ છે કે નવું સંસદ ભવન મેં બનાવ્યું છે અને તે મારી જાગીર છે. તેથી જ મારું નામ બોર્ડમાં હશે. આ લોકશાહી માટે ખતરનાક છે.
સામનામાં આગળ કહેવાયુ છે કે, નવી સંસદ કોઈ પક્ષની નહીં પરંતુ દેશની છે અને બીજેપી નેતાઓ લોકશાહીની વાત કરી રહ્યા છે જે મજાક છે. અહીં સવાલ કરાયો છે કે, શું અડવાણી, જેના કારણે ભાજપના અચ્છે દિન છે તેમને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે કે કેમ?
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, કોંગ્રેસ અને શિવસેના સહિતની 20 વિપક્ષી પાર્ટીઓએ રવિવારે યોજાનાર સંસદ ભવનના લોકાર્પણ સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે પરંતુ વિપક્ષો ઈચ્છે છે કે રાષ્ટ્રપતિ ઉદઘાટન કરે.












Click it and Unblock the Notifications
