• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યુનિયન બજેટ 2021 : કોરોનાકાળના પ્રથમ બજેટ અગાઉ ભારતનું અર્થતંત્ર કેટલું બેહાલ છે

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

પહેલી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે અને આ વખતનું બજેટ અભૂતપૂર્વ હશે તેવો માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે, ત્યારે અર્થતંત્રની વાસ્તવિક સ્થિતિ પર નજર નાખવી જરૂરી છે.

ડિસેમ્બર 2020માં આરબીઆઈએ એક બુલેટિનમાં જણાવાયું હતું કે સળંગ બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર સંકેચાશે, એટલે કે ટેકનિકલ રીતે ભારત મંદીમાં પ્રવેશ્યું છે.

રેટિંગ એજન્સી ICRAના માનવા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં જ આ ટેકનિકલ મંદી પૂરી થાય તેવી શક્યતા છે. આ બજેટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે દેશમાં કોરોનાથી 1.54 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે.

સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (સીએમઈઆઇ)ના આંકડા પ્રમાણે કોરોના દરમિયાન દેશમાં લગભગ દર ત્રીજા પ્રોફેશનલે પોતાની નોકરી ગુમાવી હતી. કોરોનાના કારણે કેટલા લોકો બેરોજગાર થયા તેના ચોક્કસ આંકડા સરકારે જાહેર નથી કર્યા, પરંતુ જુદાજુદા અંદાજ પ્રમાણે જૂન મહિના સુધીમાં લગભગ 12.2 કરોડથી વધારે ભારતીયોએ જોબ ગુમાવી હતી.


મધ્યમ અને નાના ઉદ્યોગોને સૌથી વધુ ફટકો

અમદાવાદમાં શર્ટ ઉત્પાદક કંપની આયમા ક્રિયેશન્સના સ્થાપક મીના કવિયા કહે છે કે કોરોના અને લૉકડાઉનના વર્ષમાં ટેક્સ્ટાઇલ્સ ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે અને સ્થિતિ હજુ સુધી નૉર્મલ થઈ નથી.

તેઓ કહે છે, "ગારમેન્ટ ઉદ્યોગ આવશ્યક સેવાઓમાં આવતો નથી. તેથી લૉકડાઉન દરમિયાન મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ હતી. મોટા ભાગના ઉત્પાદકોનાં પૅમેન્ટ ફસાઈ ગયાં હતાં. રિટેલ શૉપ બંધ થવાથી માગ ઘટી અને ઉત્પાદન ઠપ થયું. નિકાસ પર આધારિત ઘણા યુનિટ બંધ થઈ ગયા હતા. અગાઉ જે પૅમેન્ટ 90 દિવસે મળી જતું હતું તેનો સમયગાળો વધીને 120 દિવસ સુધી પહોંચી ગયો."

તેઓ કહે છે, "લૉકડાઉનના કારણે રોજગારીને ઘણી અસર થઈ હતી. પરપ્રાંતીય કામદારોને તક મળતા જ પોતાના વતન જતા રહ્યા અને પછી તેઓ પરત આવી ન શક્યા. તેના કારણે અમારે 20થી 25 ટકા ક્ષમતાએ કામ ચાલુ રાખવું પડ્યું."

બજેટ અગાઉ અત્યારે ઉદ્યોગની સ્થિતિ કેવી છે તેના વિશે પૂછવામાં આવતા મીના કવિયા જણાવે છે કે, "છેલ્લા દોઢેક માસથી રૉટેશનમાં કામ શરૂ થયું છે."

તેમના મતે બજેટમાં સરકારે બજારનું સેન્ટિમૅન્ટ સુધરે અને માગને ઉત્તેજન મળે તેવી જાહેરાતો કરવી જોઈએ. ખાસ કરીને કોર ઇન્ડસ્ટ્રીઝને પૅકેજ આપવાં પડશે જે રોજગાર વધારી શકે. કોવિડના સમયે જે રાહતો આપી હતી તેમાંથી શક્ય એટલી રાહતો ચાલુ રાખવી જોઈએ અને લોનની ચુકવણીમાં મૉરેટોરિયમની સુવિધા લંબાવવી જોઈએ તેવું તેઓ માને છે.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 15 કામદારો સાથે નાનકડું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ ચલાવતા મોહમ્મદ નરમાવાલા નાણાકીય સંકટમાંથી બહાર આવવા મથી રહ્યા છે.

લૉકડાઉન વખતે તેઓ ભીંસમાં આવી ગયા હતા. એક તરફ કારખાનું બંધ રાખવું પડ્યું હતું અને મજૂરો જતા ન રહે તે માટે તેમને પગાર આપવો પડતો હતો.

બીજી તરફ વીજળીનાં બિલ અને શેડનું ભાડું નિયમિત ભરવું પડતું હતું. આ દરમિયાન સપ્લાય કરેલા માલનાં પૅમેન્ટ પણ અટકી ગયાં હતાં.

હવે મોટા ભાગનું અર્થતંત્ર ખૂલી ગયું છે અને કોરોનાની રસી અપાવા લાગી છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ વાલ્વનું ઉત્પાદન કરતા મોહમ્મદ કહે છે કે "અમારા યુનિટમાં મોટા ભાગે કાસ્ટિંગનું કામ થાય છે જેની કાચી સામગ્રીના ભાવ આસમાને પહોંચ્યા છે. લૉકડાઉન અગાઉ જે મટીરિયલ અમને 72 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતું હતું તેનો ભાવ હવે 100 રૂપિયાને પાર કરી ગયો છે. અમારું માર્જિન ઘટી ગયું છે, પરંતુ જૂના કસ્ટમરને જૂના રેટથી માલ વેચવો પડે છે. આ ઉપરાંત ઘણા ગ્રાહકો સાથે વાર્ષિક કરાર થયા હોવાથી અમે ભાવ વધારી શકતા નથી."

આગામી બજેટમાં તેઓ મોટી અપેક્ષાઓ રાખતા નથી, પરંતુ તેઓ માને છે કે નિકલ અને ક્રોમ જેવા રો મટીરિયલ પરની ડ્યૂટી ઘટે તો કાસ્ટિંગ ઉદ્યોગને ફાયદો થઈ શકે છે.


ઉદ્યોગોમાં 'કહીં ખુશી કહીં ગમ'નો માહોલ

લૉકડાઉન ખૂલ્યા પછી જુદાંજુદાં સેક્ટરમાં જુદાજુદા પ્રકારની સ્થિતિ જોવા મળે છે તેથી સાવધાનીપૂર્વકનો આશાવાદ દેખાય છે.

અગ્રણી કૉર્પોરેટ સલાહકાર સુનીલ પારેખે જણાવ્યું કે, "અત્યારે કૅમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, ટેલિકૉમ, ટેકનોલૉજી, ઇ-કૉમર્સ, પાવર, એફએમસીજી (ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ), લૉજિસ્ટિક્સ વગેરે ક્ષેત્રમાં ધમધોકાર માગ છે. પરંતુ તેની સામે બીજા ઘણા ઉદ્યોગો કોરોનાકાળમાં ઠપ થઈ ગયા છે. આવા ઉદ્યોગોમાં હોટલ અને રેસ્ટોરાં, ટૂરિઝમ, ઇવન્ટ મૅનેજમૅન્ટ, માર્કેટિંગ, ઍરલાઇન્સ, રેલવે, રોડ ટ્રાન્સપૉર્ટ સામેલ છે. લોકોએ બહાર જવાનું, જમવાનું, ફરવાનું અને બિનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવાનું ઓછું કરી નાખ્યું છે. આ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં લોકોએ નોકરી ગુમાવી છે અથવા 25થી 60 ટકા સુધીનો પગારકાપ સહન કરીને નોકરી ટકાવી રાખી છે."

જોકે વીજળીની માગ ઊંચકાઈ છે, લૉજિસ્ટિક્સ ક્ષેત્રે તેજી છે. કૃષિક્ષેત્રે દેશને સારો ટેકો આપ્યો છે જેથી ફર્ટિલાઇઝર્સથી લઇને ટ્રૅક્ટર અને એગ્રિપ્રોડક્ટ્સની માગ વધી છે, તેમ તેઓ કહે છે.

https://twitter.com/bbcnewsgujarati/status/1355789381659979781

આગામી બજેટની અપેક્ષાઓ વિશે સુનીલ પારેખના જણાવ્યા પ્રમાણે જે ઉદ્યોગોને સૌથી વધુ ફટકો પડ્યો છે તેના કામદારોને કોઈ પણ રાહત મળે તે માટે સરકારે પગલાં લેવાં જોઈએ. સૌથી પહેલા તો માગ પેદા કરવાની છે. અત્યારે ઉદ્યોગો પાસે ઉત્પાનક્ષમતા છે, પરંતુ લોકોની ખરીદશક્તિ ઘટી છે અથવા લોકો અનાવશ્યક ખરીદી કરવા નથી માંગતા.

કોરોના નિયંત્રણમાં આવ્યો હોય તેવું લાગે છે છતાં બેદરકારી રાખવી જોખમી પુરવાર થઈ શકે તેમ પારેખનું માનવું છે.

તેમણે જણાવ્યું કે, "ચીનમાં ફરીથી કોરોનાએ માથું ઊંચક્યું છે. યુરોપમાં કોરોનાનો સેકન્ડ વેવ આવ્યો છે અને યુકેએ જુલાઈ સુધી લૉકડાઉન લાગુ કરવું પડ્યું છે. નવો વાઇરસ મ્યુટેશન ધરાવે છે. ભારતીયો પણ બેદરકારી નહીં રાખે તો કોરોના ફરી ત્રાટકી શકે છે અને તે વધુ ખતરનાક હોઈ શકે છે."


અર્થશાસ્ત્રીઓમાં મતમતાંતર

અર્થતંત્રની હાલની પરિસ્થિતિ અને ભવિષ્યની ચાલ અંગે અર્થશાસ્ત્રીઓ જુદાજુદા મત ધરાવે છે. અમદાવાદસ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ (SPIESR)ના ઍસોસિયેટ પ્રોફેસર અને અર્થશાસ્ત્રી મુનિશ અલઘ માને છે કે "અહીંથી આગળ વધવા માટે અત્યારે શ્રેષ્ઠ સમય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં સારામાં સારી કૃષિ યુનિવર્સિટીઓ છે અને અહીં ઉદ્યોગને તથા ખેતીને એકબીજાના હરીફના બદલે પૂરક તરીકે જોવામાં આવે છે. તેથી ગુજરાતમાં ગ્રામીણક્ષેત્રે પરિવર્તનની સૌથી સારી તક છે."

તેમના મતે મૉડલ ફાર્મ, સિંચાઈ, ગ્રામીણ વાતાવરણ પર ધ્યાન આપીને અર્થતંત્રને આગળ લઈ જવું જોઈએ.

બીબીસી સાથે વાત કરતા ડૉ. મુનીશ અલઘે જણાવ્યું કે, "કંપનીઓ નૉલેજ ઇકૉનૉમીનો ઉપયોગ કરી રહી છે જેના કારણે રોજગારીની સ્થિતિમાં સુધારો થશે. જોકે, આ પરિવર્તન તત્કાળ નહીં આવે, પરંતુ તેમાં સમય લાગશે."

બીજી તરફ અર્થશાસ્ત્રી પ્રો. હેમંતકુમાર શાહ અર્થતંત્રની સ્થિતિને ડામાડોળ ગણાવે છે.

તેઓ કહે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં 6થી 7 ટકા સુધી જીડીપી વૃદ્ધિદર ઘટશે. અત્યારે ઉત્પાદન ઘટ્યું છે તે હકીકત છે. બેરોજગારીનો દર પણ 6થી 7 ટકા છે અને હજુ વધી શકે છે તેથી લોકોની ખરીદશક્તિ ઘટશે. બેરોજગારીના આંકડામાં પણ અસંગઠિત ક્ષેત્રનો તો સમાવેશ જ નથી થયો અને લૉકડાઉનમાં બેરોજગાર થયેલા સૌથી વધારે લોકો અસંગઠિત ક્ષેત્રના હતા. તેમની સંખ્યા લગભગ પાંચ કરોડ જેટલી છે.

પ્રો. શાહ જણાવે છે, "અસંગઠિત ક્ષેત્રના બેરોજગારોને સામાજિક સલામતીની સુવિધા આપવી વધુ જરૂરી છે. કોરોનાના કારણે 10 કરોડ ભારતીયો ગરીબી રેખાથી નીચે ધકેલાયા છે."

https://twitter.com/bbcnewsgujarati/status/1355162753003089924

સરકારની પ્રાથમિકતાઓ અને દાવા સામે સવાલ ઉઠાવતા પ્રો. શાહે જણાવ્યું કે, નિકાસ વધારવાની વાતો થાય છે પરંતુ યુએસ અને યુરોપમાં ઘણી જગ્યાએ લૉકડાઉન છે ત્યારે નિકાસ કઈ રીતે વધશે? હકીકતમાં નિકાસદર ઘટ્યો છે અને આયાત વધી છે. સરકારે ખાદ્યપદાર્થોની સંગ્રહખોરીની છૂટ આપી તેથી અનાજ, કઠોળ, મરીમસાલા મોંઘાં થયાં છે. જથ્થાબંધ અને ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવાના દર 6.5 ટકાથી ઉપર છે. 2016માં આરબીઆઈએ ફુગાવો 2થી 4 ટકા વચ્ચે રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું પરંતુ અત્યારે ફુગાવો અનિયંત્રિત છે.

પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવથી પરિવહન મોંઘું થાય છે અને ફુગાવો વધતો જાય છે. તેના કારણે મોંઘવારીનું એક 'અનિષ્ટ ચક્ર' (vicious circle) પેદા થાય છે જેમાં ચીજો મોંઘી થવાથી કુપોષણ અને ભૂખમરો વધે છે.

સરકાર આવી સ્થિતિમાં શું કરી શકે? હેમંતકુમાર શાહ માને છે કે સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રદ કરે તો ચાલશે, મોટો ખર્ચ થાય તેવા પ્રોજેક્ટ પડતા મૂકે તો ચાલશે, પરંતુ ભૂખમરા અને બેકારીની ઉપેક્ષા કરશે તો નહીં ચાલે.

તેઓ કહે છે, સરકારે શિક્ષણ, આરોગ્ય, ગરીબી અને બેકારી - આ ચાર મુદ્દા પર જ ધ્યાન આપવું જોઈએ. સરકારે મનરેગા હેઠળ ગ્રામીણ કામદારોને વર્ષમાં 100 દિવસ રોજગારી આપવાની વાત કરી છે, પરંતુ હકીકતમાં માંડ 40થી 45 દિવસની રોજગારી મળે છે. મનરેગા પાછળ 40,000 કરોડનો ખર્ચ વધારવો પડશે. આરોગ્ય પાછળ જીડીપીના 7 ટકા ખર્ચ કરવાની વાત 2017માં કરી હતી પણ વાસ્તવમાં પાંચ ટકાથી પણ ઓછો ખર્ચ થાય છે. શિક્ષણ પાછળ કેન્દ્ર સરકાર બહુ ઓછો ખર્ચ કરે છે જે વધારીને જીડીપીના ત્રણ ટકાથી વધુ કરવો જોઈએ.


રોજગારી વધારવા પ્રોત્સાહક જાહેરાતોની અપેક્ષા

ભારતમાં રોજગારીના ક્ષેત્રે રિયલ એસ્ટેટને મહત્ત્વનું સેક્ટર ગણવામાં આવે છે, કારણ કે દેશમાં ખેતી પછી સૌથી વધુ લોકોને રોજગારી બાંધકામ ક્ષેત્રમાં મળે છે. દેશના જીડીપીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનો હિસ્સો લગભગ સાત ટકા જેટલો છે. લૉકડાઉન વખતે દેશનાં મોટાં ભાગનાં મહાનગરોમાંથી મજૂરો પોતાના વતન જતા રહ્યા હોવાથી બાંધકામ ઉદ્યોગ સાવ ઠપ થઈ ગયો હતો જેમાં હવે ગતિ આવી છે.

લૉકડાઉનના કારણે કરોડો લોકોની આવકને ફટકો પડ્યો હોવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે સોદા પણ અટકી ગયા હતા.

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ મોનિલ પરીખે જણાવ્યું કે, "કોરોના ટોચ પર હતો ત્યારે લોનની ચુકવણીમાં મૉરેટોરિયમ અપાયું હતું અને વ્યાજદરમાં રાહત અપાઈ હતી. મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં 50 ટકા ઘટાડો કરાયો હતો જે રિયલ્ટી ઉદ્યોગ માટે ફાયદાકારક રહ્યો છે, પરંતુ કેન્દ્રીયસ્તરે હજુ મોટા સુધારા થયા નથી."

આગામી બજેટની અપેક્ષા વિશે તેઓ કહે છે કે રેન્ટલ હાઉસિંગ પર હાલમાં જે ટૅક્સ લાગે છે તેમાં રાહત મળે તો રેસિડેન્શિયલ સેક્ટરને ટેકો મળી શકે.

અત્યારે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને બૅન્કો કે પીઈ (પ્રાઇવેટ ઇક્વિટી) દ્વારા ફંડ મળતું નથી. સરકારે ઍફોર્ડેબલ હાઉસિંગને ઉદ્યોગનો દરજ્જો આપ્યો પરંતુ સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રને આ દરજ્જો મળે તો ફાયદો થાય.

https://twitter.com/bbcnewsgujarati/status/1355089576696696836

ઍફોર્ડેબલ શ્રેણીના મકાન ખરીદનારને વ્યાજમાં બે લાખ રૂપિયાની ટૅક્સરાહત મળે છે તે વધારીને પાંચ લાખની કરવી જોઈએ, કારણ કે મકાનના ભાવ ઊંચા છે.

અગાઉ 80 ચોરસ મીટર સુધીના મકાનને ઍફોર્ડેબલ શ્રેણીમાં ગણતા હતા તેને વધારીને 90 મીટર કરવામાં આવ્યા. મકાનની સાઇઝ વધવાથી તેની કિંમત પણ વધી હોય તેથી વ્યાજમાં વધારે રાહત મળવી જોઈએ.

લૉકડાઉન પછી અત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રની સ્થિતિ કેવી છે તેવા સવાલના જવાબમાં મોનિલ પરીખ જણાવે છે કે રિટેલ અને કૉમર્શિયલ સ્પેસની સ્થિતિ ખરાબ છે. જોકે, ઍફોર્ડેબલ હાઉસિંગમાં માગ છે અને જમીનોના સોદા થાય છે.


અર્થતંત્ર માટે સૌથી ખરાબ સમય વીતી ગયો?

સીએ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદના ભૂતપૂર્વ ચૅરમૅન જૈનિક વકીલ અર્થતંત્ર અંગે અત્યંત આશાવાદી છે.

તેઓ માને છે કે અર્થતંત્ર માટે સૌથી ખરાબ સમય વીતી ગયો છે અને નવું નાણાકીય વર્ષ ઘણું સારું રહેશે.

બીબીસી સાથેની વાતચીતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જૈનિક વકીલે જણાવ્યું કે ડિસેમ્બર 2020માં જીએસટીનું કલેક્શન 11.6 ટકાના ઊંચા દરે વધીને 1.15 લાખ કરોડ રૂપિયા થયું હતું. અત્યાર સુધીનો આ એક રેકૉર્ડ છે. લૉકડાઉનના નિયમો હળવા થવાથી અર્થતંત્ર ધમધમતું થયું અને કોરોનાના દૈનિક કેસ ઘટ્યા તે મુખ્ય કારણ છે. અર્થતંત્રને ટેકો આપવા માટે સરકારે 21 લાખ કરોડનાં પૅકેજ જાહેર કર્યાં. ખાસ કરીને એમએસએમઈને ટેકો આપવામાં આવ્યો હતો.

તેઓ માને છે કે દુનિયાના ઘણા દેશો ચીનના વલણથી કંટાળીને ભારત તરફ વળી રહ્યા છે જે ભારત માટે ફાયદાકારક રહેશે. અત્યારે ચીન પછી રોકાણકારો માટે ભારત સૌથી વધુ પસંદગીનું બજાર છે. તેથી શેરબજારમાં લિક્વિડિટી પુષ્કળ પ્રમાણમાં છે. એફડીઆઈ અને એફઆઈઆઈ માટે ભારતને પસંદ કરવામાં આવે છે. આરબીઆઈએ ફેબ્રુઆરી 2019 પછી ચાવીરૂપ વ્યાજના દર સતત ઘટાડ્યા છે અને હાલમાં દર ચાર ટકાથી પણ નીચે છે. આ ઉપરાંત ક્રૂડ સસ્તું થવાથી આયાત બિલ ઘટ્યું છે.

તેઓ કહે છે કે 2020માં કોરોનાની ગંભીર સ્થિતિ અને લૉકડાઉન વચ્ચે પણ એક કરોડ નવા ડિમેટ એકાઉન્ટ ખૂલ્યાં હતાં જે લોકોનો અર્થતંત્ર પરનો ભરોસો દર્શાવે છે.

આગામી બજેટમાં ઉદ્યોગજગતની અપેક્ષાઓ વિશે તેઓ કહે છે કે માગને ઉત્તેજન આપે તેવા પગલાં લેવાયાં છે અને હજુ પણ વધુ પગલાંની જરૂર છે. પગારદાર વર્ગના હાથમાં વધુ રૂપિયા રહે તેવી જાહેરાતો ગયા બજેટમાં થઈ હતી તે અસરકારક હતી. હજુ પણ પગારદાર લોકોના હાથમાં વધુ રૂપિયા આવે તેવા ટૅક્સ સુધારા થવા જોઈએ.


અર્થતંત્રમાં ઘટાડા છતાં શૅરબજાર શા માટે ઉછળ્યું છે?

છેલ્લા ત્રણ સત્રના સળંગ ઘટાડાને બાદ કરવામાં આવે તો શૅરબજારમાં સતત તેજીની ચાલ જોવા મળી છે. 21 જાન્યુઆરીએ સેન્સેક્સે પહેલી વખત 50,000ની મનોસંવેદી સપાટી પાર કરી હતી. માર્ચમાં લૉકડાઉન લાગુ થયું ત્યારે બજારમાં એટલો ગભરાટ હતો કે સેન્સેક્સ ઘટીને 25,638 સુધી પહોંચ્યો હતો ત્યારબાદ બજાર લગભગ બમણા સ્તરે પહોંચી ગયું છે.

બજાર અત્યારની આર્થિક સ્થિતિનું નિશ્ચિત રીતે પ્રતિબિંબ નથી પાડતું, પરંતુ આગામી છ-આઠ મહિનામાં સ્થિતિ સુધરી શકે તેવા અણસાર છે.

કોરોનાના કારણે ભારતનુ અર્થતંત્ર ડગમગી ગયું હતું તો આટલો ઉછાળ કેમ આવ્યો?

નિષ્ણાતોના મતે આ એક વૈશ્વિક વલણ છે જે અમેરિકા, દક્ષિણ કોરિયા સહિત વિશ્વનાં અન્ય અર્થતંત્રોમાં પણ જોવા મળે છે.

એચડીએફસી સિક્યૉરિટીઝ ખાતે રિટેલ રિસર્ચના વડા દેવર્ષ વકીલે જણાવ્યું કે, "માર્કેટની સાઇકલ અને અર્થતંત્રની સાઇકલ એકબીજાથી અલગ ચાલે છે. અર્થતંત્રની સ્થિતિ કરતા શૅરબજાર 6થી 12 મહિના આગળ ચાલતું હોય છે. કોરોનાના કારણે બજારમાં તીવ્ર ઘટાડો આવ્યો, પરંતુ ત્યારપછી અર્થતંત્રને સુધારવા વિશ્વભરની સરકારોએ જે જાહેરાતો કરી તેની સારી અસર પડી છે. સમગ્ર વિશ્વમાં અત્યારે 60 ટકા દેશોમાં પૉલિસી રેટ એક ટકાથી નીચે છે. તેના કારણે લિક્વિડિટી વધી છે જે ભારતીય બજારમાં ઠલવાઈ છે."

તેઓ કહે છે કે વધારે પડતી તરલતાના કારણે જ બજાર અનેકગણા મલ્ટિપલ પર ટ્રેડ થાય છે. આ ઉપરાંત જૂન સુધી ભારતમાં વ્યાજના દર વધે તેમ લાગતું નથી. અમેરિકામાં ફુગાવાનો દર બે ટકાથી ઉપર જાય તો પણ વ્યાજના દર હમણા ન વધારવાનું નક્કી કરાયું છે, આવી સ્થિતિમાં નિફ્ટીમાં હજુ 20થી 25 ટકા વધારો શક્ય છે.

દેવર્ષ વકીલે જણાવ્યું કે, ભવિષ્યના ગ્રૉથને અત્યારથી ગણતરીમાં લઇને બજાર વધી રહ્યું છે. ટૂંકા ગાળામાં બજેટની અપેક્ષાથી અત્યારે કરેક્શન આવ્યું છે. છેલ્લા 36 બજેટના અભ્યાસ પરથી કહી શકાય કે બજેટ પછી બજારમાં ઘટાડો શક્ય છે. તે સમયે રોકાણકારોએ ગભરાવાના બદલે ક્વૉલિટી સ્ટૉક્સની ખરીદી કરવી જોઈએ.

જોકે બજારમાં કેટલું જોખમ લેવું તેનો આધાર વ્યક્તિગત ક્ષમતા પર રહેલો છે. જો કોઈએ વ્યાજે રૂપિયા લઈને રોકાણ કર્યું હોય અથવા ડેરિવેટિવ્ઝમાં જોખમી સોદા કર્યા હોય તો તેમણે નફો બુક કરીને નીકળી જવું જોઈએ. બાકીનાએ રોકાણ ચાલુ રાખવું જોઈએ.

માર્ચમાં બજારમાં કડાકો આવ્યો તેના વિશે દેવર્ષ વકીલ જણાવે છે કે, 2008ની મંદીની સરખામણીમાં આ વખતે નાના રોકાણકારોએ ઘણી પરિપક્વતા દર્શાવી હતી. સામાન્ય રીતે લોકો ગભરાટ વખતે શૅર નીચા ભાવે વેચી નાખે છે અથવા મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી બંધ કરાવી દે છે. તેના બદલે આ વખતે મોટા ભાગનું વેચાણ એફઆઈઆઈ દ્વારા થયું હતું જ્યારે નાના રોકાણકારોએ ખરીદી જારી રાખી હતી. અત્યારે પણ મ્યુચ્યુઅલ ફંડના એસઆઈપીમાં 7500થી 7800 કરોડ રૂપિયાનું રોકાણ ચાલુ છે. આ ઉપરાંત રિટેલ ટ્રેડિંગ એકાઉન્ટ પણ વિક્રમજનક સંખ્યામાં ખૂલ્યા છે.

દેવર્ષ વકીલ જણાવે છે કે, ચાલુ વર્ષમાં સરકારે કોવિડના કારણે આરોગ્ય સુવિધાઓ પાછળ ભારે ખર્ચ કરવો પડ્યો છે અને સરકારની આવકને અસર થઈ છે. તેથી આગામી બજેટમાં ઊંચી આવક ધરાવતા વર્ગ પર કોવિડ ટૅક્સ નાખવામાં આવે તેવી શક્યતા છે.

કૉર્પોરેટ સલાહકાર સુનીલ પારેખના મતે બજારની હાલની તેજી માત્ર અને માત્ર તરલતાના કારણે છે. અત્યારે બૅન્કો, નાણાકીય સંસ્થાઓ, વીમા કંપનીઓ પાસે પુષ્કળ નાણાં છે. કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટની માગ ઘટી છે તેથી તેઓ શૅરબજારમાં મૂડી રોકી રહી છે. વ્યાજના દર એટલા નીચા છે કે રૂપિયાની બચત કરવાનો કોઈ ફાયદો નથી. તેથી લોકો શૅરબજારમાં મૂડી ઠાલવી રહ્યા છે. સરકારે માગને ઉત્તેજન આપવા વિવિધ પેકેજમાં જંગી નાણાં રિલીઝ કર્યાં છે પરંતુ તેની જગ્યાએ ફુગાવો વધી ગયો છે તેથી અર્થતંત્ર માટે પડકારજનક સ્થિતિ છે.

નિકાસને પ્રોત્સાહન આપે તેવી નીતિની ડાયમંડ ઉદ્યોગને અપેક્ષા

જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના ગુજરાત રિજનના ચૅરમૅન દિનેશ નાવડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "ડાયમંડ ઉદ્યોગે કટ અને પૉલિશ્ડ હીરા પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટી 7.5%થી ઘટાડીને 2.5% કરવાની તથા રંગીન સેમિપ્રિસિયસ સ્ટોન્સ પર મૂળભૂત કસ્ટમ ડ્યૂટી 7.5%થી ઘટાડીને 2.5% કરવા માગણી કરી છે. આ ઉપરાંત સરકારે હીરા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા રફ રંગીન રત્નો પરની 0.5%ની મૂળભૂત કસ્ટમ્સ ડ્યૂટી દૂર કરવી જોઈએ."

તેમણે સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી 12.5 ટકાથી ઘટાડીને 4 ટકા કરવા તથા સ્પેશિયલ નૉટિફાઇડ ઝોનમાં વિદેશી માઇનિંગ કંપનીઓ દ્વારા રફ ડાયમંડના વેચાણને 0.16%ના દરે આવકવેરાની ચુકવણી સાથે મંજૂરી આપવા માગણી કરી છે.

તેમણે કહ્યું કે "ઈ-કૉમર્સ સપ્લાય અંગે ફાઇનાન્સ ઍક્ટ, 2020માં કલમ 165A દાખલ કરવાને પગલે 2%ની ઇક્વેલાઈઝેશન લેવી વિશે અસ્પષ્ટતા છે. તેથી વિદેશી સપ્લાયર્સ ઈ-હરાજી દ્વારા ભારતીય નિકાસકારોને રફ ડાયમંડ સપ્લાય કરતા નથી. આ અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે."


https://www.youtube.com/watch?v=edVhleGc88g

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Union Budget 2021: How bad is India's economy before Corona's first budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X