લોકસભાના વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવ્યુ મહિલા અનામત બિલ, કાલે થશે ચર્ચા
Women's Reservation Bill: લોકસભાના વિશેષ સત્રના બીજા દિવસે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું. આ બિલને નારી શક્તિ વંદન એક્ટ બિલ નામ આપવામાં આવ્યું છે. આ બિલ રજૂ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. હવે આવતીકાલે આ બિલ પર ચર્ચા થશે.
આ બિલમાં મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં 33 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત હવે લોકસભાની 181 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.

આ પહેલા પીએમ મોદીએ લોકસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ બિલનો ઉદ્દેશ્ય લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારીનો વિસ્તાર કરવાનો છે. નારી શક્તિ વંદન કાયદા દ્વારા આપણી લોકશાહી વધુ મજબૂત બનશે. હું નારી શક્તિ વંદન કાયદા માટે દેશની માતાઓ, બહેનો અને પુત્રીઓને અભિનંદન આપવા માંગુ છું.
પીએમ મોદીએ કહ્યું કે મહિલા અનામત બિલ પર ઘણી ચર્ચા અને વિચારણા થઈ છે. અટલ બિહારી વાજપેયીના શાસનકાળમાં ઘણી વખત મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ બિલ પસાર કરવા માટે પૂરતી બહુમતી ન હતી અને તેથી આ સપનું અધૂરું રહી ગયું હતું.
પીએમ મોદીએ કહ્યું કે ભગવાને કદાચ મને આવા ઘણા કામો માટે પસંદ કર્યો છે. ગઈકાલે જ કેબિનેટમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહી છે. આજે અમારી સરકાર બંને ગૃહોમાં મહિલાઓની ભાગીદારી પર એક નવું બિલ લાવી રહી છે.
પીએમ મોદીએ ગૃહમાં કહ્યું કે આજે સંવત્સરી પણ મનાવવામાં આવે છે, તે એક અદ્ભુત પરંપરા છે. આજે એ દિવસ છે જ્યારે આપણે 'મિચ્છામિ દુક્કડમ' કહીએ છીએ, તે આપણને એવી કોઈ વ્યક્તિની માફી માંગવાની તક આપે છે જેને આપણે જાણતા-અજાણતા દુઃખી કર્યા હોય. હું સંસદના તમામ સભ્યો અને દેશની જનતાને 'મિચ્છામિ દુક્કડમ' કહેવા માંગુ છું.












Click it and Unblock the Notifications
