
યુપીના CM કોણ? 16 માર્ચના રોજ થશે જાહેરાત
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવનાર ભાજપ હવે મુખ્યમંત્રી પદ માટે કોના પર પસંદગી ઉતારશે એ પ્રશ્ન બધે ચર્ચાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રવિવારે દિલ્હીમાં રોડ શો કર્યા બાદ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. ત્યાર બાદ પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સંસદીય બોર્ડની બેઠકમાં અનિલ જૈન તથા કૈલાશ વિજયવર્ગીયને યુપીના ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા.
અહીં વાંચો - ગોવાઃ મનોહર પર્રિકરના નેતૃત્વમાં બનશે ભાજપ સરકાર
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, 16 માર્ચના રોજ ઉત્તર પ્રદેશ ભાજપના ધારાસભ્યોના દળની બેઠક યોજાશે અને એ જ બેઠકમાં ભાજપના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. જાણકારી અનુસારઆ બેઠક અમિત શાહના આવાસ ખાતે થઇ હતી, જેમાં વેંકૈયા નાયડૂ, રાજનાથ સિંહ, વિજય ગોયલ, મનોજ તિવારી, શ્યામલાલ વગેરે હાજર હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની રેસમાં કેશવ મૌર્યા, યોગી આદિત્યનાથ, મનોજ સિન્હા અને દિનેશ શર્માના નામ મોખરે છે.
હવે આમાંથી યુપીની મુખ્યમંત્રીની ખુરશી કોને મળશે એ તો 16 માર્ચના રોજ ખબર પડશે. ઉત્તર પ્રદેશની 404માંથી 325 બેઠકો ભાજપને મળી છે, જ્યારે ઉત્તરાખંડની 70માંથી 56 બેઠકો પર ભાજપને મળી છે.