Uttarkashi Tunnel Rescue : 17 દિવસની મહેનતે 41 જીંદગીઓને સફળતાપુર્વક બચાવી, દેશમાં ઉજવણીનો માહોલ
17 દિવસની લાંબી રાહ બાદ ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. તમામ મજુરોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે.
આ મજુરોને પ્રાથમિક સારવાર બાદ હવે ચિન્યાલીસૌરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ માટે પહેલાથી જ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, સમગ્ર રૂટને ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. એર એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓ નજર રાખી રહ્યા છે.
જણાવી દઈએ કે, 12 નવેમ્બરે દિવાળીની સવારથી આ મજુરો સુરંગમાં ફસાયા હતા. તેમને બહાર લાવવા માટે દિવસ-રાત યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી.
પીએમઓએ આ સમગ્ર બચાવ કામગીરીની કમાન સંભાળી હતી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારોએ મળીને સમગ્ર અભિયાન હાથ ધર્યું હતું.
આ 17 દિવસમાં ઘણા ઉતાર-ચઢાવ પણ જોવા મળ્યા. પરંતુ અંદર ફસાયેલા કામદારો અને બચાવ કાર્યમાં જોડાયેલા લોકોએ ધીરજ જાળવી અભિયાન ચાલુ રાખ્યુ. આ સાથે મિશન સિલ્ક્યારા મિશન પૂર્ણ થયું છે.
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી બચાવ કામગીરી પૂરી થવા સમયે ટનલની અંદર હાજર હતા. આ સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહ પણ સમગ્ર અભિયાન દરમિયાન ખડે પગે રહ્યા.
મુન્ના કુરેશી રેટ માઈનિંગ બાદ મજુરો પાસે પહોંચનાર પહેલા વ્યક્તિ હતા. તેમણે કહ્યું કે મે, છેલ્લો ખડક હટાવ્યો. હું તેમને જોઈ શકતો હતો. પછી હું બીજી બાજુ ગયો. તેમણે અમને ગળે લગાવીને ઉપર ઉઠાવ્યા બહાર કાઢવા બદલ આભાર માન્યો. અમે છેલ્લા 24 કલાક સતત કામ કર્યું. હું મારી ખુશી વ્યક્ત કરી શકતો નથી. મેં મારા દેશ માટે કર્યું. મારા આખા જીવનમાં ફસાયેલા કામદારોએ અમને જે સન્માન આપ્યું છે તે હું ભૂલી શકાય તેમ નથી.












Click it and Unblock the Notifications
