Vice President Election : PM મોદીએ સૌથી પહેલા મતદાન કર્યું, NDA-INDIA વચ્ચે સીધો મુકાબલો
Vice President Election : આજે દેશમાં એક મહત્વપૂર્ણ રાજકીય પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ભારતના ૧૫માં ઉપ-રાષ્ટ્રપતિ પદ માટે સંસદ ભવનમાં મતદાન ચાલી રહ્યું છે, જેમાં તમામ સાંસદો ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા પોતાનો મત આપીને મતદાનની શરૂઆત કરી.
આ ચૂંટણીને માત્ર બે ઉમેદવારો વચ્ચેનો મુકાબલો જ નહીં પરંતુ શાસક એનડીએ અને વિપક્ષી ગઠબંધન વચ્ચેના વૈચારિક યુદ્ધ તરીકે પણ જોવામાં આવે છે.

એનડીએએ આ પદ માટે તમિલનાડુ ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણનને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ઈન્ડિયાએ વરિષ્ઠ વકીલ બી. સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે.
રાજ્યસભાના મહાસચિવ પી સી. મોદી આ ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર છે. તેમના જણાવ્યા મુજબ, મતદાન સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સંસદ ભવનના કક્ષ નંબર F-101 માં થશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મત ગણતરી અને પરિણામો જાહેર કરવામાં આવશે.
સંસદમાં સંખ્યાબળ એનડીએના પક્ષમાં મજબૂત હોવાથી તેમના ઉમેદવારની જીત નિશ્ચિત મનાઈ રહી છે. જો કે, વિપક્ષ આ ચૂંટણીને માત્ર પદ માટેની લડાઈ નહીં, પરંતુ વિચારધારાની લડાઈ ગણાવી રહ્યું છે.
આ દરમિયાન કેટલાક પ્રાદેશિક પક્ષો બીજુ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને શિરોમણી અકાલી દળ (SAD) એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
તેમનું કહેવું છે કે તેઓ રાજ્યના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને ન તો એનડીએ કે ન તો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઇન્ડિયા ગઠબંધનનો ભાગ બનવા માંગે છે.












Click it and Unblock the Notifications
