કોંગ્રેસી નેતાનો દાવો- 'IPS હેમંત કરકરેને કસાબે નહી, RSS સાથે જોડાયેલા પોલીસે માર્યા હતા'
મુંબઈ આતંકી હુમલો 26/11 ને લઈ કોંગ્રેસી નેતા વિજય વડેત્તિવારે ગંભીર દાવો કર્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેત્તિવારે કહ્યું કે, 'આઇપીએસ ઑફિસર હેમંત કરકરેનું મૃત્યુ અજમલ કસાબ કે કોઈ આતંકવાદીની ગોળી વાગવાથી નહોતું થયું. તેમને એક પોલીસ અધિકારીએ જ ગોળી મારી હતી જેઓ RSS સાથે જોડાયેલા હતા.'

આ ઉપરાંત વિજય વડેત્તિવારે ભાજપના ઉમેદવાર અને વકીલ ઉજ્જવલ નિકમ પર આરોપ લગાવતા કહ્યું કે, તેમણે ગદ્દારની જેમ દેશવાસીઓથી આ સત્ય છૂપાવ્યું. તેમણે કહ્યું કે, આ વાત છૂપાવનારા દેશદ્રોહી છે. ઉજ્જવલ એ સમયે આ મામલામાં સરકારી વકીલ હતા.
વિજય વડેત્તિવારે કહ્યું- તપાસમાં મહત્વની જાણકારી સામે આવી
વિજય વડેત્તિવારે એક વીડિયો નિવેદનમાં કહ્યું કે, "તપાસ દરમિયાન આ જાણકારી સામે આવી છે. જો કે એ સમયે તેને ઉજ્જવલ નિકમે દબાવી દીધો હતો, જે એક ગદ્દાર છે. મારો સવાલ એ છે કે ભાજપ એક ગદ્દારને કેમ બચાવી રહી છે અને આવા વ્યક્તિને લોકસભાનો ઉમેદવાર કેમ બનાવી રહી છે? આવું કરી ભાજપ ગદ્દારોને બચાવી રહી છે."
ઉજ્જવલ નિકમ અને ફડવણીસે પલટવાર કર્યો
વિજય વડેત્તિવારના આ નિવેદન પર ઉજ્જવલ નિકમ અને ડેપ્યૂટી સીએમ દેવેન્દ્ર ફડવણીસે આકરી પ્રતિક્રિયા આપી છે. ડેપ્યૂટી સીએમ દેવેન્દ્ર ફડવણીસ અને ઉજ્જવલ નિકમે વિજય વડેત્તિવારના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કોંગ્રેસ પર કસાબ સમર્થક હોવાનો આરોપ લગાવ્યો.
ઉજ્જવલ નિકમે કહ્યું કે, "કેવું બેદરકાર નિવેદન કરવામાં આવી રહ્યું છે. મારી ઈમાનદારી પર શંકા ઉત્પન્ન કરે તેવા પાયાવિહોણા નિવેદનોથી હું દુઃખી છું. આ ચૂંટણીલક્ષી રાજનીતિના સ્તરને સ્પષ્ટ દેખાડે છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે રાજનેતા આટલા નીચલા સ્તરે રાજનીતિ કરશે. લાભ માટે રાજનીતિ? વિજય વડેત્તિવાર મારું નહીં, બલકે 166 દિવંગત આત્માઓ અને 26/11 હુમલામાં ઘાયલ થયેલા તમામ લોકોનું અપમાન કરી રહ્યા છે. કોંગ્રેસ કસાબને નિર્દોષ માને છે."
તેમણે આગળ કહ્યું કે, "પાકિસ્તાને પણ ભારત પર થયેલ હુમલામાં કસાબ દોષી હોવાનું માની લીધું છે." નોંધનીય છે કે 26/11 હુમલો કરનાર આતંકવાદી કસાબ જીવતો પકડાયો હતો, દોષી સાબિત થયા બાદ તેને ફાંસીને માંચડે ચડાવી દેવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
