મણિપુરમાં ફરીથી હિંસા ભડકી, સુરક્ષા દળો પર ફાયરીંગ કરી પોલીસ શસ્ત્ર ભંડારમાં આગ લગાવી
બીજેપી શાશિત રાજ્ય મણિપુરમાં સતત હિંસા જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્યની બીજેપી સરકાર હિંસા સામે લાચાર જોવા મળી રહી છે. હવે ફરીથી રાજ્યમાં હિંસા ભડકી છે અને ટોળાએ પોલીસ શસ્ત્રાગારમાં આગ લગાવી હોવાના અહેવાલ છે.
સામે આવી રહેલા અહેવાલો અનુસાર, મણિપુરમાં ટોળાએ પોલીસ શસ્ત્રાગાર પર હુમલો કર્યો છે અને પોલીસ પર ફાયરિંગના પણ સમાચાર છે. સુરક્ષા સાથે જોડાયેલા સૂત્રો અનુસાર, ગઈ રાતે મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કવાકટા અને ચુરાચાંદપુર જિલ્લાના કંગવાઈથી સ્વચાલિત હથિયારોથી ફાયરીંગ કરાયુ હોવાના અહેવાલ છે.

સમાચારો અનુસાર, ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ શસ્ત્રાગારમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી છે. સૂત્રો અનુસાર, એડવાન્સ હોસ્પિટલ નજીક પેલેસ કમ્પાઉન્ડમાં આગચંપીનો પ્રયાસ કરવામાં આવ્યો. ગઈકાલે સાંજે આશરે હજાર લોકોનું ટોળું ભેગુ થયુ હતુ અને આગ લગાવવાનો અને તોડફોડનો પ્રયાસ કર્યો. RAF એ ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને રબરની ગોળીઓ ચલાવતા બે લોકો ઘાયલ થયા છે.
સૂત્રો અનુસાર, પોલીસને મણિપુર યુનિવર્સિટી પાસે ભીડ એકઠી થવાઈ હોવાની માહિતી મળી હતી. અહીં મોડી રાત્રે ટોળાએ સ્થાનિક ધારાસભ્યના નિવાસસ્થાનમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આરએએફે ભીડને વિખેરી નાંખી હતી.
આ સિવાય અન્ય એક ઘટનામાં ટોળાએ રાત્રે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ઈરિંગબામ પોલીસ સ્ટેશનના શસ્ત્રાગારમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી. સૂત્રો અનુસાર, 200 થી 300 લોકોના ટોળાએ સિંજેમાઈમાં મોડીરાત્રે બીજેપી કાર્યાલયને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
ગુરુવારે મણિપુરમાં કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજનના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટના પણ સામે આવી છે. આ આગમાં કેન્દ્રીય મંત્રીનું ઘર સંપૂર્ણ રીતે ખાખ થઈ ગયું છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી આરકે રંજન સિંહે કહ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તેઓ સમજી શકતા નથી કે તેમને શા માટે નિશાન બનાવવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
