આંધ્ર પ્રદેશના વિજયનગરમાં બે ટ્રેન વચ્ચે અકસ્માત, 10 યાત્રિઓના મોત, 32 ઘાયલ
આંધ્ર પ્રદેશના વિજયનગરમાં ભીષણ ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રેનની ટક્કર બાદ કેટલાય ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. ઘટનામાં કુલ 10 યાત્રિઓના મૃત્યુના અહેવાલ સામે આવ્યા છે જ્યારે કેટલાય પ્રવાસીઓ ઘાયલ હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી માટે ટીમ પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, કોઠાવલાસા 'મંડલ' (બ્લોક)માં કંટકપલ્લીની વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર (ટ્રેન નં. 08532) સાથે અથડાયા બાદ વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર (ટ્રેન નંબર 08504)ના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના અંગે, આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ તાત્કાલિક રાહત પગલાં લેવા અને વિજયનગરમ નજીકના જિલ્લાઓમાંથી શક્ય તેટલી વધુ એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવાનો નિર્દેશ આપ્યો છે.
વાસ્તવમાં વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર ટ્રેન ઓવરહેડ કેબલ કપાઈ જવાને કારણે ઊભી હતી. તે જ સમયે વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન એ જ ટ્રેક પર પાછળથી આવી અને તેને ટક્કર મારી. ટક્કર બાદ પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બોગીને ખરાબ રીતે નુકસાન થયું હતું.
આ ઘટના અંગે ડિવિઝનલ રેલ્વે મેનેજરે જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં પેસેન્જર ટ્રેનના ત્રણ કોચને નુકસાન થયું છે. ઘટનાની જાણકારી સ્થાનિક પ્રશાસન અને NDRFને આપવામાં આવી છે. અકસ્માત રાહત ટ્રેન પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
મોદીએ રેલ્વે મંત્રી સાથે કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટનાને લઈને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે અને ઘટના સાથે જોડાયેલી માહિતી મેળવી છે. વડા પ્રધાને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.












Click it and Unblock the Notifications
