Weather: ઉત્તર ભારત કોલ્ડવેવથી ઠુઠવાયુ, પારો 3 ડિગ્રી ગગડ્યો, કાશ્મીરમાં હિમવર્ષા
સમગ્ર ઉત્તર ભારત હાલમાં કોલ્ડવેવથી ઠુઠવાઈ રહ્યુ છે. પહાડોમાં હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગે એલર્ટ આપ્યુ છે. જાણો હવામાન અપડેટ.
Weather: દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીમાં ઠુઠવાઈ રહ્યુ છે. દિલ્લીમાં રવિવારે તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ. દિલ્લીમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપી દીધુ છે. સવારે વિઝિબિલિટી માત્ર 50 મીટર જ રહી અને 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં 27 ડિસેમ્બર સુધી ગાઢ ધૂમ્મસ છવાઈ રહેવાની સંભાવના છે.

શ્રીનગરમાં તાપમાન માઈનસમાં ગયુ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલયી ક્ષેત્રમાં છૂટક હિમવર્ષા પણ થઈ શકે છે. વળી, અન્ય એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 29 ડિસેમ્બરની રાતે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં આવવાની સંભાવનાના કારણે આ ક્ષેત્રમાં છૂટોછવાયો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો શ્રીનગરમાં પારો -5.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. આ સિઝનની સૌથી ઠંડી રાત રહી છે.

પટનામાં શાળાઓ બંધ
કોલ્ડવેવને જોતા પટનામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 26 થી 31 ડિસેમ્બર સુધી 8 ધોરણ સુધીના બાળકોની શાળા બંધ રાખવામાં આવી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી અને રાજસ્થાનમાં લઘુત્તમ પારો 3-7 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયો હતો. મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે. દિલ્લીમાં આજે સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યુ છે કે આગામી 5 દિવસ ખૂબ જ ઠંડી પડી શકે છે.

ઉત્તર ભારતમાં છવાયુ ગાઢ ધૂમ્મસ
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ યુપી ઓડિશામાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પણ ગાઢ ધુમ્મસની શક્યતા વ્યક્ત કરી છે. પરંતુ ધીમે ધીમે ધુમ્મસ ઘટશે. આગામી 24 કલાકમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ કોલ્ડવેવની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે સોમવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

અમેરિકામાં હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત
અમેરિકામાં હિમવર્ષાના કારણે મૃત્યુઆંક 26 પર પહોંચી ગયો છે. તોફાનથી અમેરિકાનો મોટો હિસ્સો પ્રભાવિત થયો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર 43 ઈંચ જેટલો બરફ જમા થયો છે. અહીં વિમાનોનુ સંચાલન બંધ કરી દેવામાં આવ્યુ છે. અમેરિકામાં બરફના તોફાને ભારે તબાહી મચાવી છે. સર્વત્ર બરફની જાડી ચાદરને કારણે લોકોનુ જીવન મુશ્કેલ બની ગયુ છે.












Click it and Unblock the Notifications
