Weather Update: દિલ્લીથી કેરળ સુધી વરસાદનો કહેર યથાવત, યમુનાનુ જળસ્તર ફરીથી વધ્યુ, આ રાજ્યોમાં રેડ એલર્ટ
Weather Update: દેશમાં થઈ રહેલા સતત ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ બનેલી છે. દિલ્લીમાં યમુનાનુ જળસ્તર જોખમના નિશાનથી ઉપર વહી રહ્યુ છે. દિલ્લીમાં જૂના રેલવે બ્રીજ પર યમુનાનુ જળ સ્તર જોખમના નિશાન 205.33થી ઉપર છે.
સોમવારે સવારે 7 વાગે તે 206.56 મીટર પહોંચી ગયુ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાના કારણે યમુનાના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.

મહારાષ્ટ્ર, હિમાચલ, ગુજરાતમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, ઉત્તરાખંડમાં આજે પણ ભારે વરસાદની સંભાવના છે. કેરળ અને કર્ણાટકમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. કેરળમાં ઘણી જગ્યાએ ભારે વરસાદની સંભાવનાના પગલે સ્કૂલો-કૉલેજો બંધ રાખવામાં આવી છે.
દિલ્લીમાં અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે હિંડન નદીમાંથી પાણીના પ્રવાહમાં વધારો થવાને કારણે ઉત્તર પ્રદેશના નોઈડામાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પાંચ ગામોના લગભગ 200 લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં દિલ્હીની સરહદે આવેલા ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં નદી 205 મીટરના ખતરાના નિશાનથી નીચે વહી રહી છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. રાયગઢ જિલ્લામાં આદોશી ગામ પાસે મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર રવિવારે રાતે લેન્ડસ્લાઈડ થઈ હતી. જેના કારણે મુંબઈ તરફ જતો વાહનવ્યવહાર અટકી ગયો. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ રસ્તા સાફ કરવા માટે લગભગ 25 ડમ્પરો તૈનાત કરવામાં આવ્યા છે અને પોલીસ તેમજ અન્ય એજન્સીઓના કર્મચારીઓ સ્થળ પર હાજર છે. મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ભારે વરસાદને કારણે છેલ્લા 10 દિવસમાં 19 લોકોના મોત થયા છે. આ સાથે 4,500 થી વધુ ઘરો ધરાશાયી થયા છે અને 54,000 હેક્ટરના પાકને પણ નુકસાન થયું છે.
પંજાબમાં પણ પૂરની સ્થિતિ યથાવત છે, ભારે વરસાદને કારણે ઘગ્ગર અને સતલજની સ્થિતિ સર્જાઈ છે. ઘગ્ગરનું પાણી પટિયાલાના ગામોમાં ઘુસી જતાં ઘણું નુકસાન થયું છે. ભગપુર અને દડવા નજીકના ગામોમાં પાક ડૂબી ગયો છે. બીજી તરફ આનંદપુર સાહિબના હરીવાલ ગામમાં સતલજ પર બનેલો ધુસી ડેમ તૂટવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે અને આવતીકાલે વરસાદનુ જોર યથાવત રહેવાની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારેથી અતિ વરસાદની આગાહી છે. રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ છે. નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ ઓરેન્જ એલર્ટ બાદ સત્તાવાળાઓએ કન્નુર, કોઝિકોડ અને વાયનાડ જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે સોમવાર માટે રજા જાહેર કરી છે. હવામાન વિભાગે રવિવારે કન્નુર, કોઝિકોડ, વાયનાડ અને કાસરકોડ માટે નારંગી ચેતવણી જાહેર કરી હતી જ્યારે અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડુક્કી, પલક્કડ, થ્રિસુર અને મલપ્પુરમ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું.












Click it and Unblock the Notifications
