Weather Update: દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, યુપી-બિહારમાં રેટ એલર્ટ
નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે યુપી-બિહારમાં ભારે વરસાદના અણસાર છે. બિહારના 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 12 જિલ્લાઓમાં જ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. બિહારનાજે 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે અને તેના નામ છે સુપૌલ, અરરિયા, કિશનગંજ, મધેપુરા, સહરસા, પૂર્ણિયા, કટિહાર, ભાગલપુર, બાંકા, જમુઈ, મુંગેર અને ખગડિયા. આ સ્થળોએ ભારે વરસાદ સાથે-સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો અડધો કોરેકોરો જતાં ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

યુપી-બિહારમાં રેડ એલર્ટ
બિહાર જ નહિ યુપીમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે આવતા 24 કલાક દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદના અણસાર છે અને અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, હિમાચલ પ્રદેશમાં પણ 15 ઓગસ્ટ સુધી વરસાદનો દોર ચાલુ રહેશે. અમુક સ્થળોએ ભારે વરસાદ જોવા મળી શકે છે.

ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદના અણસાર
ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદના અણસાર છે. વિભાગે અહીં લોકોને સાવચેત રહેવાની ચેતવણી જાહેર કરી છે. વળી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, તમિલનાડુ, કેરળ સહિત મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં 15 ઓગસ્ટ સુધી હળવો વરસાદ થઈ શકે છે.

આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના
આવતા 4 દિવસો દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે પૂર્વોત્તરના રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે દક્ષિણ ભારતમાં પણ વરસાદ થઈ રહ્યો છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને તેલંગાનામાં પણ વરસાદ થઈ રહ્યો છે. વિભાગે અહીં પણ બે દિવસ માટે એલર્ટ જાહેર કર્યુ છે.

સ્કાઈમેટે પણ આપી ચેતવણી
સ્કાઈમેટે કહ્યુ છે કે આવતા 24 કલાકમાં તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, રાયલસીમા, તેલંગાના, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત અને અંદમાન-નિકોબારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.