For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ કલાકો દરમિયાન કલ્યાણસિંહે શું કર્યું કે 'હિંદુ હૃદયસમ્રાટ' બની ગયા

એ કલાકો દરમિયાન કલ્યાણસિંહે શું કર્યું કે 'હિંદુ હૃદયસમ્રાટ' બની ગયા

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
કલ્યાણસિંહ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કલ્યાણસિંહનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને લખનૌની એક હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 89 વર્ષની વયના હતા.

89 વર્ષીય કલ્યાણસિંહ 1991માં પ્રથમ વખત દેશના સૌથી મોટા રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા, પરંતુ બીજા જ વર્ષે બાબરી વિધ્વંસની ઘટના બાદ તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

તા. છઠ્ઠી ડિસેમ્બર, 1992ના દિવસે 'કટોકટીના કલાકો'એ કલ્યાણસિંહને ભાજપના નેતાઓના લાડકા બનાવી દીધા હતા.

અટલ બિહારી વાજપેયીને ઉત્તર પ્રદેશના રસ્તે દિલ્હી સુધી પહોંચાડવામાં પણ તેમની ચાવીરૂપ ભૂમિકા રહી હતી. યોગાનુયોગ તેમની જ ટીકા કરવા બદલ કલ્યાણસિંહને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

એ પછીનાં 10 વર્ષ દરમિયાન ભાજપ સાથે તેમના પ્રેમ અને તકરારના સંબંધ રહેવા પામ્યા હતા.


એ દિવસ, એ કલાકો

6 ડિસેમ્બર, 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડાઈ હતી, બાદમાં આખા દેશમાં હંગામો શરૂ થયો હતો

તા. છઠ્ઠી ડિસેમ્બરે બાબરી વિધ્વંસ સમયે શું બન્યું હતું, તેવા વિશે ડૉ. યોગેન્દ્ર નારાયણે તેમના પુસ્તક 'બૉર્ન ટુ સર્વ પાવર ગૅમ્સ ઇન બ્યૂરૉક્રસી'માં આ મુજબ લખ્યું છે :

કલ્યાણસિંહ લખનઉમાં કાલિદાસ માર્ગ પર બંગલા નંબર પાંચમાં રહેતા હતા. એ દિવસે યુપી સરકારના અન્ય બે પ્રધાન લાલજી ટંડન તથા ઓમ પ્રકાશ સિંહ તેમના નિવાસસ્થાને હતા, તેઓ ટીવી સામે બેઠા હતા.

યોગેન્દ્ર નારાયણ એ સમયે રાજ્યના મુખ્ય સચિવ હતા. તેઓ રૂમની બહાર બેઠા હતા. ત્યાં હાજર રહેલા તમામ લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું હતું.

અચાનક બધાએ જોયું કે કેટલાક કારસેવક બાબરી મસ્જિદના ગુંબજની ઉપર ચડી ગયા અને તેને તોડવા લાગ્યા હતા. ત્યાં પૂરતી સંખ્યામાં અર્ધલશ્કરીદળો હાજર હતા, પરંતુ કારસેવકોએ તેમની અને ઇમારતની વચ્ચે ઘેરો ઘાલી દીધો હતો, જેથી તેઓ આગળ ન વધી શકે.

https://www.youtube.com/watch?v=XL252Onz-o8

ડૉ. નારાયણ લખે છે, 'એ સમયે ઉત્તર પ્રદેશ પોલીસના મહાનિદેશક (ડાયરેક્ટર જનરલ) એસ. એમ. ત્રિપાઠી ભાગતાં-ભાગતાં ત્યાં પહોંચ્યા હતા. તેમણે તત્કાળ મુખ્ય મંત્રીને મળવા માટે મંજૂરી માગી. જ્યારે મેં આ સંદેશ અંદર મોકલાવ્યો ત્યારે કલ્યાણસિંહે ભોજન સમાપ્ત થવા સુધી રાહ જોવા કહ્યું.'

ડૉ. નારાયણના કહેવા પ્રમાણે, "થોડો સમય પછી ત્રિપાઠી અંદર ગયા, ત્યારે તેમણે કારસેવકોને દેખતા જ ઠાર મારવા માટેની મંજૂરી માગી, જેથી બાબરી મસ્જિદને તૂટતી બચાવી શકાય. કલ્યાણસિંહે મારી સામે તેમને પૂછ્યું કે શું ગોળી ચલાવવામાં આવશે તો અનેક કારસેવક મૃત્યુ પામશે?"

ત્રિપાઠીએ જવાબ આપ્યો, "હા, અનેક લોકો મૃત્યુ પામશે." એટલે કલ્યાણસિંહે તેમને કહ્યું, "હું તમને ગોળી ચલાવવાની મંજૂરી નહીં આપું. તમે લાઠીચાર્જ અને આંસુગૅસના સેલ વગેરે જેવાં માધ્યમો દ્વારા સ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરો."

આ સાંભળીને ત્રિપાઠી તેમની કચેરીએ પરત ફર્યા. જેવી બાબરી મસ્જિદની છેલ્લી ઈંટ તૂટી કે કલ્યાણસિંહે પોતાનું રાઇટિંગ પૅડ મંગાવ્યું અને પોતાના હાથે રાજીનામું લખ્યું અને તેને લઈને જાતે રાજ્યપાલને મળવા માટે નીકળી ગયા.


સંઘ પરિવાર પર આરોપ

કલ્યાણસિંહ સાથે યોગેન્દ્ર નારાયણ

વર્ષ 2003માં બીબીસીના કાર્યક્રમ 'આપકી બાત બીબીસી કે સાથ'માં કલ્યાણસિંહે બાબરી વિધ્વંસ મામલે પોતાનો બચાવ કર્યો હતો અને સંઘ પરિવારની પર દોષનો ટોપલો ઢોળ્યો હતો.

એ ઇન્ટરવ્યૂ દરમિયાન કલ્યાણસિંહે કહ્યું, "હું સ્પષ્ટપણે કહી દેવા માગું છે કે ઢાંચાને તોડી પાડવામાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે મારો કોઈ હાથ ન હતો. આમ છતાં તા. છઠ્ઠી ડિસેમ્બર 1992ના દિવસે જે કંઈ થયું તેની નૈતિક જવાબદારી સ્વીકારી અને મુખ્ય મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું."

"જો તેના આધારે કોર્ટ મારી સામે કોઈ કાર્યવાહી કરે તો હું તેના માટે તૈયાર છું. આ મારું વલણ છે અને હું તેના પરથી પાછો નહીં હઠું."

"જ્યાં સુધી આ કાવતરાનો સવાલ છે, મને સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં આવ્યો હતો. ચાહે તે વિશ્વ હિંદુ પરિષદ હોય, બજરંગદળ કે ભાજપ- સંપૂર્ણ સંઘ પરિવારે વિશ્વાસભંગ કર્યો છે."

"તેમણે કાવતરું કર્યું હતું અને મને સદંતર અંધારામાં રાખ્યો હતો. એ કાવતરું કેટલું ગુપ્ત રાખવામાં આવ્યું હશે તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કો સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા શ્રી તેજશંકરે જણાવ્યું હતું કે એ દિવસે સવારે સાડા અગ્યાર વાગ્યા સુધી બધું સામાન્ય હતું અને અડધી કલાકમાં ગુંબજ તોડી પડાયો હતો."

તેમણે કહ્યું હતું, "વિજયરાજે સિંધિયા તથા સ્વામી ચિન્મયાનંદે મને લેખિતમાં ખાતરી આપી હતી કે ઢાંચાને કોઈ નુકસાન પહોંચાડવામાં નહીં આવે, જેના આધારે મેં સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ દાખલ કર્યું હતું."

એ ઇન્ટરવ્યૂમાં ગોળીબારનો આદેશ નહીં આપવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા કલ્ણાણસિંહે કહ્યું હતું, "લાખો કારસેવક ત્યાં હાજર હતા. જો ગોળીબારના આદેશ આપવામાં આવ્યા હોત તો હજારો કારસેવક ગોળીબારમાં મૃત્યુ પામ્યાં હોત અને નાસભાગમાં અનેક જીવ ગયા હોત. જેના પછી દેશમાં મોટા પાયે હુલ્લડ ફાટી નીકળ્યાં હોત."

"આથી મેં એ નિર્ણય લીધો હતો, એ દિવસની ફાઇલોમાં પણ મારા આ લખાણ છે."

"મને લાગે છે કે મારા નિર્ણયને કારણે દેશમાં મોટા પાયે રક્તપાત થતા અટકી ગયો. તેમ છતાં જો તમને લાગતું હોય કે હું દોષિત છું તો મને તે સ્વીકાર્ય છે. સાંજે સવા પાંચ વાગ્યે મેં રાજીનામું આપી દીધું હતું અને કેન્દ્ર સરકારે કાર્યભાર સંભાળી લીધો."

"આમ છતાં પણ પછી બે દિવસ સુધી નિર્માણકાર્ય ચાલતું રહ્યું. કેન્દ્ર સરકારે ગોળીબારના આદેશ ન આપ્યા, એનો મતલબ એ કે મેં જે નિર્ણય લીધો હતો, તેનું અનુસરણ કેન્દ્ર સરકારે પણ કર્યું."


મોદીવિરોધી નિવેદન

નરેન્દ્ર મોદી, અમિત શાહ

બીબીસી સાથેના ઉપરોક્ત ઇન્ટરવ્યૂમાં તેમણે નરેન્દ્ર મોદીની પણ ભારે ટીકા કરી હતી અને કહ્યું હતું, "અડવાણીની હિંદુવાદની વ્યાખ્યા પર ન જાવ. ગુજરાતમાં બે હજાર કરતાં વધુ નિર્દોષોની હત્યા કરી દેવામાં આવી હતી."

"સગર્ભા મહિલાઓના ગર્ભ ચીરી નાખવામાં આવ્યા હતા અને તેમને આગને હવાલે કરી દેવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ તેને હિંદુત્વ તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું. અડવાણી અને વાજપેયી બંનેએ એ હિંદુત્વનો બચાવ કર્યો હતો."

"શું તે હિંદુત્વ હતું? તે વિશુદ્ધરૂપે ફાસીવાદ હતો. હિંદુ ફિલોસૉફીના આધારમાં સહનશીલતા અને તમામને માટે શાંતિ છે. ભાજપનું હિંદુત્વ કોમવાદ, ફાસીવાદ અને નિર્દોષોની હત્યા છે. તેમની હિંદુત્વની ફિલોસૉફી માત્ર મત છે."

એ ઇન્ટરવ્યૂમાં તેમણે બાબરી વિધ્વંસના કાવતરાંખોરો તરીકે 1992માં સર સંઘસંચાલક રજ્જુ ભૈયા, તત્કાલીન સરસંઘ સંચાલક કે. એસ. સુદર્શન, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, ડૉ. મુરલી મનોહર જોશી, વિહિપના અશોક સિંઘલ તથા ગિરિરાજ કિશોરનાં નામ આપ્યાં હતાં.

તેમણે આ બધું બાબરી વિધ્વંસી તપાસ કરવા માટે નિમાયેલા લિબ્રાહનપંચ સમક્ષ નિવેદન તરીકે નોંધાવવાની તૈયારી પણ દાખવી હતી.


"ભાજપ પ્રત્યે પ્રેમ અને તકરાર"

1999માં તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જાહેરમાં ટીકા કરવા બદલ કલ્યાણસિંહને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. સિંહે ભાજપ પર નેતાઓને 'વાપરો અને ફેંકો'ની નીતિ અપનાવવાનો આરોપ મૂક્યો હતો.

2002ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું, જેમાં તેમને માત્ર ચાર બેઠક મળી. ચૂંટણીમાં તેમને ખાસ લાભ તો ન થયો, પરંતુ ભાજપને નુકસાન થયું.

2003માં તેઓ સમાજવાદી પાર્ટી સાથે જોડાઈ ગયા અને તેમના પુત્ર રાજબીરસિંહ તથા તેમનાં સાથી કુસુમ રાયને પ્રધાન બનાવવામાં આવ્યા.

2004ની લોકસભા ચૂંટણી પહેલાં તેઓ ફરી ભાજપમાં જતા રહ્યા. અમુક વર્ષ ભાજપમાં રહ્યા બાદ તેઓ ફરી એક વખત સમાજવાદી પાર્ટીની પાસે પહોંચી ગયા. આ દરમિયાન તેમણે ભાજપના નેતાઓને ખૂબ ભાંડ્યા.

એક વખત તો તેમણે કહ્યું હતું, "ભાજપ મરેલો સાંપ છે અને હું તેમને ગળે નહીં વળગાડું." આ સિવાય 'ઍક્સ્પાયરી ડેટ થયેલી દવા' પણ કહ્યો હતો.

2009માં લોકસભા ચૂંટણી દરમિયાન બીબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં કલ્યાણસિંહે કહ્યું હતું, "યુપી વિધાનસભામાં ભાજપની માત્ર બે બેઠક હતી, મેં રાજ્યભરમાં ફરીફરીને પાર્ટીને બે વખત સત્તા સુધી પહોંચાડી. અટલ બિહારી વાજપેયી પ્રથમ વખત વડા પ્રધાન બન્યા ત્યારે ભાજપે ઉત્તર પ્રદેશમાંથી 65 બેઠક જીતી હતી, પરંતુ ભાજપે હંમેશાં મારી સાથે દગો કર્યો."

https://www.youtube.com/watch?v=KVokk0obN6w

કલ્યણસિંહે ઉમેર્યું હતું, "મેં 'રાષ્ટ્રીય ક્રાંતિ દળ'નું ગઠન કર્યું, તે પછી વિધાનસભામાં ભાજપની બેઠક ઘટીને અડધી થઈ ગઈ. ભારત મને બોલાવીને પરત લઈ ગઈ, પરંતુ હું માનું છું કે ભાજપમાં પરત ફરવું એ મારી મોટી ભૂલ હતી. હવે નક્કી કર્યું છે કે આજીવન ભાજપમાં પરત નહીં ફરું. ભાજપનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે અને તે અટકશે નહીં."

આ ઇન્ટરવ્યૂના ચાર મહિના પહેલાં જાન્યુઆરી-2009માં તેમણે ભાજપના ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું. એક વર્ષ બાદ 2010માં પોતાના 77મા જન્મદિવસે કલ્યાણસિંહે 'જન ક્રાંતિ પાર્ટી'ના નામથી નવા પક્ષનું ગઠન કર્યું અને પોતાના પુત્ર રાજબીરસિંહને તેના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા.

15મી લોકસભા ચૂંટણી દરમિયાન એટાની બેઠક પરથી સંસદસભ્ય બન્યા હતા, આ માટે મુલાયમસિંહની સમાજવાદી પાર્ટીએ તેમને ટેકો આપ્યો હતો. 2009ના એ ઇન્ટરવ્યૂનાં ચાર વર્ષની અંદર ફરી એક વખત રાજકીય પરિદૃશ્ય બદલાઈ ગયું અને તેમણે પોતાની પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ કરી દીધું.


'મારા મૃતદેહને ભાજપના ઝંડામાં લપેટજો'

અટલ બિહારી વાજપેયી સાથે કલ્યાણસિંહ

એ સમયે વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના મહાસચિવ હતા અને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી હતા. કહેવાય છે કે પાર્ટીમાં કલ્યાણસિંહના પુનરાગમનમાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને યુપીમાં 72 બેઠક મળી હતી, જેની મદદથી વધુ એક વખત ભાજપને કેન્દ્રની સત્તા મેળવવામાં સફળતા મળી અને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી 30 વર્ષ બાદ કોઈ એક પક્ષની સંપૂર્ણ બહુમતી સાથે સત્તારૂઢ થયા.

કેન્દ્રમાં ભાજપની સરકારના આગમન બાદ રાજ્યપાલોનાં રાજીનામાં આપવાનો અને લેવાનો ક્રમ શરૂ થયો, જે પછી કલ્યાણસિંહને રાજસ્થાનના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.

ટીકાકારોનો એક વર્ગ એવું માને છે કે કલ્યાણસિંહને 'બંધારણીય સંરક્ષણ' મળી રહે તે માટે આમ કરવામાં આવ્યું હતું. કારણ કે, બંધારણ મુજબ કોઈ પણ રાજ્યપાલની સામે કોર્ટ કેસ ચાલી નથી શકતો અને તેમને સજાનો અમલ નથી થઈ શકતો. લખનઉની વિશેષ અદાલતમાં બાબરી વિધ્વંસનો કેસ ચાલી રહ્યો હતો, જેમાં કલ્યાણસિંહ પર પણ આરોપ લાગ્યા હતા.

https://www.youtube.com/watch?v=oGsuQ7Yiu_c&t=3s

ઑગસ્ટ-2019માં સુપ્રીમ કોર્ટના પાંચ જજની બંધારણીય ખંડપીઠે અયોધ્યાની વિવાદાસ્પદ જમીન હિંદુ પક્ષકારોને ફાળવવામાં આવી. મુસ્લિમ પક્ષકારોને અયોધ્યામાં જ પાંચ એકરની જમીન ફાળવવાના આદેશ આપવામાં આવ્યા.

ઑગસ્ટ-2020માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું. 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા અને 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાવુક હિંદુ મતદારોને પોતાની તરફ ખેંચવા માટે ભાજપ પ્રયાસ કરશે એમ માનવામાં આવે છે.

2013માં કલ્યાણસિંહને પાર્ટીમાં ફરી આવકારવા માટે ભાજપ દ્વારા લખનઉ ખાતે 'અટલ શંખનાદ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું.

એ સમયે કલ્યાણસિંહ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા.

તેમણે કહ્યું હતું, "સંઘ અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર મારા લોહીનાં એક-એક ટીપાંમાં સમાયેલાં છે. એટલે મારી ઇચ્છા છે કે હું આજીવન ભાજપમાં જ રહું. અને હવે જ્યારે જિંદગી પૂરી થવા પર છે, ત્યારે મારી ઇચ્છા છે કે મારા મૃતદેહને ભારતીય જનતા પાર્ટીના ઝંડામાં વીંટાળીને સ્મશાનભૂમિ તરફ લઈ જવામાં આવે."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=PQOwz7hXhI4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
What did Kalyan Singh do during those hours that made him a 'Hindu heart emperor'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X