• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે શરદ પવારે મહારાષ્ટ્રમાં સત્તાપલટો કર્યો હતો

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

એક તરફ કોરોનાની આફત તો બીજી તરફ રાજકીય ઉથલપાથલ. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડીની સરકાર માટે આજકાલ અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે.

પછી ભલે તે બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર મૂકવાના કામમાં જેમની ભૂમિકા હોવાનું કહેવાઈ રહ્યું છે તેવા પોલીસ અધિકારી સચિન વાઝેના કારણે સર્જાયેલા વિવાદની વાત હોય કે પછી મુંબઈ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘના લેટર બૉમ્બ બાદ સર્જાયેલો વિવાદ હોય.

હાલ મહારાષ્ટ્ર સરકાર અનેક મોરચે પડકારોનો સામનો કરી રહી છે. તેવી પરિસ્થિતિમાં અમદાવાદ ખાતે અમિત શાહ સાથે નૅશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારે બેઠક યોજી હોવાની વાતથી મહારાષ્ટ્રનું રાજકારણ ફરી વખત ગરમાયું છે.

નોંધનીય છે કે હાલ મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીવાળી નૅશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (NCP) અને કૉંગ્રેસના ગઠબંધનવાળી સરકાર અસ્તિત્વમાં છે. ભૂતકાળમાં શિવસેનાના ઘણા નેતા ભાજપ પર પ્રદેશમાં પોતાની સરકાર અસ્થિર કરવા માટે પ્રયત્નો કરી રહ્યો હોવાનો આરોપ લગાવી ચુક્યા છે.

હવે અમિત શાહ અને શરદ પવારની મુલાકાતના સમાચારને કારણે મહારાષ્ટ્ર સરકારના ભવિષ્ય અંગે ફરીથી અટકળો લાગવાનું શરૂ થઈ ચુક્યું છે.

હવે જ્યારે મહારાષ્ટ્રનું રાજકારણ ફરી વખત રાષ્ટ્રીય ફલક પર ચર્ચામાં છે અને તેનો સીધો સંબંધ શરદ પવારની પ્રવૃત્તિઓ સાથે છે ત્યારે એ ઘટનાને યાદ કરવી વધુ પ્રાસંગિક બની જાય છે જ્યારે શરદ પવારે મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તાપલટો કરીને સત્તાની ધુરા પોતાના હાથમાં લઈ લીધી હતી.

વાંચો આ અંગે બીબીસીની ખાસ રજૂઆત.

શરદ પવારની બગાવત

https://youtu.be/oEAQlAcaAJM

આવી જ ઘટનાઓ મહારાષ્ટ્રના રાજકારણમાં 1978માં બની હતી.

શરદ પવારે કૉંગ્રેસમાંથી બળવો કર્યો હતો અને તત્કાલીન મુખ્ય મંત્રી વસંતદાદા પાટિલની સરકારથી જુદા થઈ ગયા હતા.

તેમણે પ્રૉગેસિવ ડેમૉક્રેટિક ફ્રન્ટ તૈયાર કર્યો હતો અને નાની ઉંમરે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બની ગયા હતા.

મહારાષ્ટ્રમાં જ્યારે પણ આ ઘટનાનો ઉલ્લેખ થાય છે, ત્યારે કહેવાતું હોય છે કે પવારે વસંતદાદા પાટિલને દગો કર્યો હતો.

શનિવારે અજિત પવાર ઉપમુખ્ય મંત્રી બન્યા ત્યારે આ ઘટનાને સૌ ફરીથી યાદ કરવા લાગ્યા હતા.

શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું, "અજિત પવારે મહારાષ્ટ્રની પીઠમાં ખંજર ભોંક્યું છે."


નાની ઉંમર, મોટી પરિપક્વતા

શરદ પવાર

પ્રૉગેસિવ ડેમૉક્રેટિક ફ્રન્ટની રચના કરીને શરદ પવારે પ્રથમ વાર મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બનાવી હતી.

તેઓ માત્ર 38 વર્ષની ઉંમર મુખ્ય મંત્રી બન્યા હતા.

તે વખતે પણ આવી રીતે જ નાટકીય ઘટનાઓ અને ચઢાવઉતાર બાદ પવાર મુખ્ય મંત્રી તરીકે શપથ લઈ શક્યા હતા.

પવારે મહારાષ્ટ્રના રાજકારણના મોટા ગજાના નેતા વસંતદાદાને દગો દીધો, તે આરોપ હંમેશાં તેમના પર લાગતો રહ્યો.

રાજકારણના કેટલાક જાણકારો કહે છે કે વસંતદાદા પાટિલની સરકાર ઊથલાવીને પોતાની સરકાર બનાવીને શરદ પવારે નાની ઉંમરમાં જ રાજકીય પરિપક્વતાના અણસાર આપી દીધા હતા.

પ્રૉગેસિવ ડેમૉક્રેટિક ફ્રન્ટના પ્રયોગથી શરદ પવાર પ્રથમ વાર મુખ્ય મંત્રી બન્યા હતા.

તે માટે કટોકટી, 1977માં યોજાયેલી મહારાષ્ટ્ર ચૂંટણીનાં પરિણામ અને તે પછીની રાજકીય અસ્થિરતાની સ્થિતિ જવાબદાર હતી.

12 જૂન, 1975ના રોજ અલાહાબાદ હાઈકોર્ટે તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો.

1971ની ચૂંટણીમાં સરકારી તંત્રનો દુરુપયોગ કરવાનો આરોપ તેમના વિરુદ્ધ હતો તે સાબિત થયો હતો. તેને કારણે તેમની ચૂંટણીને રદ કરી દેવામાં આવી હતી.

ઇંદિરા ગાંધી પર છ વર્ષ માટે ચૂંટણી લડવાનો પ્રતિબંધ પણ મૂકી દેવાયો હતો. અલાહાબાદ હાઈકોર્ટના આ ચુકાદા પછી ઇંદિરા ગાંધી સામે જાહેરમાં વિરોધ પણ થવા લાગ્યો હતો.

1977ની ચૂંટણી

સમગ્ર દેશમાં ઇંદિરા ગાંધી વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું હતું. જયપ્રકાશ નારાયણ (જેપી)એ આંદોલનનું નેતૃત્વ સંભાળી લીધું હતું.

જુદાજુદા રાજકીય પક્ષો જેપીની લોકસંઘર્ષ સમિતિના નેજા હેઠળ એક થઈ ગયા હતા.

આવી સ્થિતિ વચ્ચે ઇંદિરા ગાંધીએ 25 જૂન, 1975ના રોજ કટોકટી લાગુ કરવાની જાહેરાત કરી દીધી હતી.

કટોકટી જાહેર થવા સાથે જ દેશના રાજકીય અને સામાજિક રીતે ભૂકંપ આવી ગયો હતો. 21 માર્ચ, 1977ના રોજ કટોકટી ઉઠાવી લેવામાં આવી.

તે પછી લોકસભાની ચૂંટણી યોજવામાં આવી. 1977ની એ લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ મહારાષ્ટ્રમાંથી માત્ર 22 બેઠક જીતી શકી હતી.

કટોકટી વખતે મહારાષ્ટ્રમાં શંકરરાવ ચવ્હાણ મુખ્ય મંત્રી હતા. કટોકટી પછી વસંતદાદા પાટિલ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા હતા.

https://youtu.be/HxXOKmqnRPg

મહારાષ્ટ્રના સિનિયર પત્રકાર અરુણ ખોરે કહે છે, "કટોકટી પછી કૉંગ્રેસ તૂટી ગઈ હતી અને તેની અસર મહારાષ્ટ્રના રાજકારણ પર પણ થઈ હતી."

"સમગ્ર દેશમાં જે રીતે ઇંદિરા ગાંધીનો વિરોધ થઈ રહ્યો હતો, તેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં પણ હલચલ મચી હતી."

"ઇંદિરા ગાંધીના નેતૃત્વ સામે કૉંગ્રેસમાં આંતરિક ઘમસાણ મચ્યું હતું."

"પક્ષ અંદરથી વિભાજિત થઈ ગયો હતો. બે જૂથો બની ગયાં હતાં. એક ઇંદિરા ગાંધીનું સમર્થક અને બીજું મૂળ કૉંગ્રેસનું સમર્થક જૂથ."

"રાષ્ટ્રીય સ્તરે ઇંદિરા ગાંધીને પડકારીને શંકરરાવ ચવ્હાણ અને બ્રહ્માનંદ રેડ્ડીએ 'રેડ્ડી કૉંગ્રેસ' બનાવી હતી."

"શંકરરાવ ચવ્હાણની નિકટ હોવાથી શરદ પવાર પણ રેડ્ડી કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા."

રાષ્ટ્રીય સ્તરે ઇંદિરા કૉંગ્રેસ અને રેડ્ડી કૉંગ્રેસ એમ બે જૂથો થયાં, તેની અસર રાજ્યોમાં પણ દેખાવા લાગી.

મહારાષ્ટ્રમાં પણ કૉંગ્રેસમાં બે જૂથો સ્પષ્ટ દેખાવા લાગ્યાં હતાં.

વસંતદાદા પાટિલ અને શરદ પવાર જેવા નેતા શંકરરાવ ચવ્હાણની સાથે રહ્યા અને રેડ્ડી કૉંગ્રેસની છાવણીમાં જતા રહ્યા હતા.

તેની સામે નાશિકરાવ તિરપુડે જેવા નેતાઓએ ઇંદિરા કૉંગ્રેસમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

રેડ્ડી કૉંગ્રેસ અને ઇંદિરા ગાંધી કૉંગ્રેસનું ગઠબંધન

અરુણ ખોરે કહે છે, "રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસ પક્ષમાં જે થઈ રહ્યું હતું તેની સીધી અસર 1978માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ પર થઈ."

રાજ્યમાં કૉંગ્રેસનું વિભાજન થયું તે પછી શું થયું, તે અંગેના સવાલના જવાબમાં 'મહારાષ્ટ્ર ટાઇમ્સ'ના મદદનીશ તંત્રી વિજય ચોરમારે કહે છે:

"1978માં વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના બંને જૂથો અલગઅલગ લડ્યાં."

"કટોકટીને કારણે ઇંદિરા ગાંધી સામે નારાજગી હતી. તેની અસર કૉંગ્રેસને થઈ. સાથે જ રેડ્ડી કૉંગ્રેસ પણ જનતાના રોષમાંથી બચી શકી નહોતી."

"તેના કારણે જનતા પાર્ટી 99 બેઠકો સાથે સૌથી આગળ નીકળી ગઈ. રેડ્ડી કૉંગ્રેસને 69 અને ઇંદિરા કૉંગ્રેસને 62 બેઠક મળી હતી."

અરુણ ખોરે કહે છે, "તે ચૂંટણીમાં શેતકરી કામદાર પક્ષને 13 અને અપક્ષોને 36 બેઠક મળી હતી. કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી."

"તેથી ત્રિશંકુ જેવી સ્થિતિમાં જનતા પાર્ટીને આગળ વધતી રોકવા માટેનો પડકાર પણ ઊભો થયો હતો."


1978માં શું થયું હતું?

અરુણ ખોરે કહે છે, "જનતા પાર્ટીને આગળ વધતી રોકવા માટે રેડ્ડી કૉંગ્રેસના નેતા વસંતદાદા પાટિલે પ્રયાસો શરૂ કરી દીધા."

"દિલ્હી જઈને તેમણે શંકરરાવ ચવ્હાણ, બ્રહ્માનંદ રેડ્ડી અને ચંદ્રશેખર સાથે વાતચીત શરૂ કરી."

"ઇંદિરા ગાંધીએ કહ્યું કે બ્રહ્માનંદ રેડ્ડી અને યશવંતરાવ ચવ્હાણ બંને સાથે મળીને સરકાર બનાવે. તેઓ આ માટે એક કદમ પાછળ ખસવા માટે પણ તૈયાર થઈ ગયા."

નવી ફૉર્મ્યુલા તૈયાર થઈ તે પ્રમાણે રેડ્ડી કૉંગ્રેસ અને ઇંદિરા કૉંગ્રેસે સાથે મળીને સરકાર બનાવી.

7 માર્ચ, 1978ના રોજ વસંતદાદા પાટિલે સંયુક્ત સરકારના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.

ઇંદિરા કૉંગ્રેસના નેતા નાશિકરાવ તિરપુડે ઉપમુખ્ય મંત્રી બન્યા હતા. આ સંયુક્ત સરકારમાં શરદ પવાર ઉદ્યોગમંત્રી બન્યા હતા.

વિજય ચોરમારે કહે છે, "મહારાષ્ટ્ર માટે ઇંદિરા કૉંગ્રેસ નવો પક્ષ હતો. તેને મજબૂત બનાવવા માટે તિરપુડે મહેનત કરતા રહ્યા."

"પોતાના પ્રયાસોમાં તેઓ યશવંતરાવ ચવ્હાણ, વસંતદાદા પાટિલ અને શરદ પવારને નિશાન બનાવતા હતા. નાશિકરાવ ઇંદિરા ગાંધીના કટ્ટર સમર્થક હતા."

"સરકારમાં રહીને તેઓ વારંવાર ઇંદિરા ગાંધી માટેની પોતાની ભક્તિ દેખાડ્યા કરતા હતા."

"નાશિકરાવની એ ટેવને કારણે મુખ્ય મંત્રી વસંતદાદા પાટિલ માટે વારંવાર મુશ્કેલી ઊભી થતી હતી."


મહારાષ્ટ્રની પ્રથમ ગઠબંધન સરકાર

ચોરમારે આગળ જણાવે છે, "રેડ્ડી કૉંગ્રેસના શરદ પવાર જેવા નેતાઓને તિરપુડેનું આવું વર્તન અને સરકારના કામમાં દખલગીરી જરાય ગમતી નહોતી."

"બીજી બાજુ વસંતદાદા પાટિલ માટે પણ આવા અવરોધો વચ્ચે સરકાર ચલાવવી મુશ્કેલ હતી."

"આ જ કારણસર શરદ પવારે પોતાનો અલગ રસ્તો લીધો અને વસંતદાદાની સરકારમાંથી બહાર નીકળી ગયા."

"જુલાઈ 1978માં મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું હતું."

"તે જ વખતે શરદ પવારે 40 જેટલા ધારાસભ્યને પોતાની સાથે લઈને બળવો કરવાનું નક્કી કર્યું."

"સુશીલકુમાર શિંદે, દત્તા મેઘે અને સુંદરરાવ સોલંકે જેવા મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં."

"આ બળવાને કારણે સરકાર લઘુમતીમાં આવી ગઈ અને મુખ્ય મંત્રી વસંતદાદા અને ઉપમુખ્ય મંત્રી નાશિકરાવે રાજીનામાં આપી દીધાં."

"મહારાષ્ટ્રની પ્રથમ ગઠબંધન સરકાર ફક્ત ચાર મહિનામાં પડી ગઈ હતી."

શું પવારને યશવંતરાવનું સમર્થન હતું?

શરદ પવારના બળવા પાછળ યશવંતરાવ ચવ્હાણ હતા કે કેમ તે મુદ્દે આજે પણ મહારાષ્ટ્રમાં રાજકીય ચર્ચા થતી હોય છે.

મહારાષ્ટ્રના જાણીતા પત્રકાર ગોવિંદ તલવલકરના સ્મરણમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શરદ પવારે પોતે જ કહ્યું હતું :

"મને યાદ છે કે 1977-78માં સરકારમાં બહુ વિવાદો હતા. આ વિશે તલવલકરે એક તંત્રીલેખ લખ્યો હતો."

"તેમણે લખ્યું હતું કે આ સરકાર પડી ભાંગવી જોઈએ એવી જ ઇશ્વરની ઇચ્છા છે. તે પછી એ રીતે જ આગળની ઘટનાઓ બની."

હકીકતમાં ગોવિંદ તલવલકર અને યશવંતરાવ ચવ્હાણ સારા મિત્ર હતા.

તે વખતે તલવલકરના તંત્રીલેખ પરથી એવો જ અર્થ કાઢવામાં આવ્યો હતો કે ખુદ યશવંતરાવ જ આ સરકાર પડી જાય તેમ ઇચ્છે છે.

https://youtu.be/OdpJQjMVBWg

વસંતદાદા પાટિલે અલગ થઈને સમાજવાદી કૉંગ્રેસની સ્થાપના કરી, તેમણે પણ સરકાર બનાવવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા હતા.

રાજકીય માહોલ ગરમ થઈ ગયો હતો. જનતા પાર્ટી સાથે શરદ પવારની નિકટતા વધવા લાગી.

આબાસાહેબ કુલકર્ણી, એમ. એમ. જોશી અને કિસન વીર જેવા મોટા નેતાઓ પણ શરદ પવારની સાથે જોડાઈ ગયા.

18 જુલાઈ, 1978માં મહારાષ્ટ્રમાં પ્રથમ વાર બિનકૉંગ્રેસી સરકારની આખરે રચના થઈ.

આ સરકારમાં પવારનો સમાજવાદી પક્ષ, જનતા પાર્ટી, સામ્યવાદી પક્ષ અને શેતકરી કામદાર પક્ષ જોડાયા હતા.

આ મોરચાનું નામ પ્રૉગેસિવ ડેમૉક્રેટિક ફ્રન્ટ રાખવામાં આવ્યું હતું.

શરદ પવારે 38 વર્ષે મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા તે સાથે તેઓ ભારતમાં તે વખતના સૌથી નાની ઉંમરના મુખ્ય મંત્રી પણ બની ગયા હતા.

જોકે તેમની આ સરકાર પણ 18 મહિના જ ચાલી શકી હતી.


કેન્દ્રમાં સત્તાપરિવર્તન સાથે પવાર સરકાર બરખાસ્ત

વસંતદાદા પાટિલની સરકારથી રાજ્યનો કર્મચારી વર્ગ નારાજ હતો.

મુખ્ય મંત્રી બનવા સાથે જ પવારે રાજ્યના કર્મચારીઓનાં ભથ્થાંમાં વધારો કરવાનું નક્કી કર્યું હતું.

તેમણે એવી રીતે ગોઠવણ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીનો પગાર વધે તે સાથે રાજ્ય સરકારના કર્મચારીઓનો પગાર પણ વધે.

ચોરમોરે કહે છે, "આ દરમિયાન દિલ્હીમાં પણ રાજકીય સ્થિતિ બદલાઈ ગઈ હતી. ઇંદિરા ગાંધી ફરીથી વડાં પ્રધાન બન્યાં હતાં."

"જનતા પાર્ટી વિખેરાવા લાગી હતી. દેશમાં ફરીથી અસ્થિરતાનો માહોલ બન્યો હતો."

"17 ફેબ્રુઆરી, 1980ના રોજ શરદ પવારની સરકારને બરખાસ્ત કરતો હુકમ રાષ્ટ્રપતિએ આપી દીધો."

"મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગી ગયું. 1980માં ફરીથી ચૂંટણી થઈ અને ઇંદિરા કૉંગ્રેસને સારી બેઠકો મળી. પવારની સમાજવાદી કૉંગ્રેસને પછડાટ મળી હતી."

"એ. આર. અંતુલે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા. છ વર્ષ સુધી શરદ પવારની સમાજવાદી કૉંગ્રેસ વિપક્ષમાં બેઠી."

"1987માં તેઓ આખરે રાજીવ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસમાં પરત ફર્યા હતા."

https://www.youtube.com/watch?v=51H-Mp-RldY

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
When Sharad Pawar overthrew the government in Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X