લોકસભામાં મહિલા અનામત બિલ પસાર, સમર્થનમાં 454 મત પડ્યા
ભારતની સંસદમા આખરે મહિલા અનામત બિલ પસાર થઈ ગયુ છે. આ બિલ પસાર થતાની સાથે જ હવે લોકસભાની 33 ટકા સીટો મહિલાઓ માટે અનામત થઈ જશે.
લાંબી ચર્ચા બાદ આખરે લોકસભામાં મહિલા અનામત બિલ પસાર થઈ ગયુ છે. આ બિલના સમર્થનમાં 454 સાંસદોના મત પડ્યા. તો બીજી તરફ બે સાંસદોએ તેના વિરોધમાં મત આપ્યા.

જણાવી દઈએ કે, ગઈકાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજુ કરાયુ હતુ અને આજે લાંબી ચર્ચા બાદ લોકસભામાંથી બિલ પસાર થયુ છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ બિલ પાસ થયા બાદ તેને વસ્તી ગણતરી બાદ લાગુ કરવામા આવશે. આવનારી લોકસભાની ચૂંટણી બાદ નવું સીમાંકન અને વસ્તી ગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ આ બિલને લાગુ કરાશે.
જણાવી દઈએ કે, બંધારણમાં સુધારો કરવા માટે ગૃહની સંખ્યાબળના બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. જ્યારે સામાન્ય બિલ પસાર કરવા માટે 50 ટકાથી વધુ સભ્યો ગૃહમાં હાજર હોવા જોઈએ. મહિલા અનામત બિલ બંધારણ સુધારણા બિલ હતું, તેથી કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષી દળોએ પણ સરકારને ટેકો આપ્યો છે. કેટલાક સાંસદોના વિરોધ વચ્ચે મોટા ભાગની પાર્ટીઓ સરકાર સાથે છે.
મહિલા આરક્ષણ બિલ મુદ્દે બોલતા અમિત શાહે કહ્યું કે, નવુ સીમાંકન અને વસ્તી ગણતરી ચૂંટણી પછી તરત જ કરવામાં આવશે. આ બિલને લટકાવવાનો સવાલ જ નથી. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, આ બંધારણીય સુધારો પાંચમી વખત રજૂ કરવામાં આવ્યો છે. આ પહેલા 4 વખત રજૂ કરવામાં આવ્યો પરંતુ પછી એવું શું થયું કે આ બિલ પાસ થઈ શક્યું નહીં.
દેવેગૌડાજીથી લઈને મનમોહન સિંહજી સુધીના પ્રયાસો થયા, પરંતુ તે પાર ન પડ્યુ, તેનું કારણ શું હતું? શું ઈરાદો અધૂરો હતો કે કેટલાક લોકોએ તેને પસાર થવા ન દીધુ?












Click it and Unblock the Notifications
