Wrestlers Protest : જંતર-મંતર જઈ રહેલા પહેલવાનોની અટકાયત કરાઈ, મહાપંચાયતનું કરાયુ છે એલાન
એક તરફ દિલ્હીમાં લોકશાહીના નામે નવા સંસદ ભવનનું ઉદ્ગાટન થવા દઈ રહ્યું છે તો બીજી તરફ લોકશાહીને લઈને સરકારની નિયતને ઉજાગર કરતા પહેલવાનોના ધરણા ચાલુ છે. રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજ ભુષણના વિરોધમાં થઈ રહેલી સંસદ માર્ચ રોકીને પોલીસે પહેલવાનોની ધરપકડ કરી છે.
મહિલા પહેલવાનોના જાતીય શોષણનો આરોપ છે તે રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહની દાદાગીરી અને કેન્દ્ર સરકારના નબળા રવૈયાને કારણે તપતી ગરમીમાં પહેલવાનો ન્યાય માટે ભટકી રહ્યા છે. હવે સંસદનું ઉદ્ધાટન થઈ રહ્યુ છે ત્યારે પહેલવાનોએ માર્ચ યોજીને પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

દેશની નવી સંસદના લોકાર્પણ વચ્ચે પહેલવાનોએ મહાપંચાયત બોલાવી છે. નવી સંસદ સામે આ મહાપંચાયત યોજવા જઈ રહેલા પહેલવાનોને પોલીસે રોક્યા હતા અને અટકાયત કરી છે. અહીં પોલીસ અને પહેલવાનો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.
સંસદ જઈ રહેલા પહેલવાનોએ પોલીસ બેરિકેડ વટાવવાનો પ્રયાસ કરતા પોલીસે તમામની અટકાયત કરી હતી. બીજી તરફ પહેલવાનોએ ગુસ્સો વ્યક્ત કરતા બજરંગ પુનિયાએ કહ્યું કે, મને ગોળી મારી દો.
પોલીસે રોક્યા બાદ રેસલરો કેરળ હાઉસ પાસે ધરણા પર બેઠા હતા. સંસદ અહીંથી થોડે દૂર છે. આ પહેલા રેસલરો બે બેરિકેડ પાર કરીને અહીં પહોંચ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, પહેલવાનોએ જાતિય શોષણ કરનારા રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ વિરૂદ્ધ મહિલા સન્માન મહાપંચાયત બોલાવી છે. પહેલવાનોએ આના માટે સંસદના લોકાર્પણનો દિવસ એટલે આજનો દિવસ નક્કી કર્યો છે.
એક તરફ લોકશાહીના નામે નવી સંસદનું ઉદ્ધાટન થઈ રહ્યુ છે તો બીજી તરફ લોકશાહી રીતે ન્યાયની માંગણી કરનારા દેશના પહેલવાનોની વાત સાંભળનારૂ કોઈ નથી. હવે જોવાનું એ રહે છે કે આગળ પહેલવાનો શું રણનીતિ અપનાવે છે.












Click it and Unblock the Notifications
