Zubeen Garg Death Case : ઝુબીન ગર્ગ મોત કેસમાં નવો વળાંક, હત્યાનો આરોપ
Zubeen Garg Death Case : બોલિવૂડ લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બર 2025ના રોજ સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગ દરમિયાન થયેલું મૃત્યુ હવે માત્ર અકસ્માત નથી રહ્યું. આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, જેણે રહસ્યને વધુ ઘેરું બનાવ્યું છે.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ માહિતી આપી છે કે ઝુબીન ગર્ગનો વિસરા રિપોર્ટ 10 ઓક્ટોબર 2025 સુધીમાં આવવાની સંભાવના છે.

તેમણે સ્પષ્ટ કર્યું છે કે પોલીસ સંપૂર્ણ પારદર્શિતાથી તપાસ કરી રહી છે અને તમામ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. તેમણે રાજ્યના લોકોને સિંગાપોરમાં હાજર મુખ્ય શંકાસ્પદોની ભારત વાપસી માટે દબાણ કરવા અપીલ કરી છે, જેથી તપાસને ગતિ આપી શકાય.
કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામીએ પોલીસ પૂછપરછમાં સનસનાટીભર્યા દાવા કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે સિંગરને ઝેર આપવામાં આવ્યું હતું અને તેમના મૃત્યુને અકસ્માત તરીકે દર્શાવવાનું ષડયંત્ર રચાયું હતું.
તેણે વધુમાં જણાવ્યું કે ઝુબીન ગર્ગ સમુદ્રમાં જવા તૈયાર નહોતા. તેમને બળજબરીથી ડાઇવિંગ માટે દબાણ કરાયું હતું. આ દરમિયાન સિંગરે કથિત રીતે કહ્યું હતું કે, જાબો દે, જાબો દે (છોડી દો, છોડી દો). આ માટે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને મેનેજરે ઇરાદાપૂર્વક સિંગાપોરની પસંદગી કરી હતી.
આ કેસમાં અત્યાર સુધીમાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝર શ્યામકનુ મહંતા, મેનેજર સિદ્ધાર્થ શર્મા, બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામી અને અભિનેત્રી અમૃતપ્રવા મહંતા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ઝુબીન ગર્ગનું મોત માત્ર એક દુર્ઘટના હતું કે પછી તે કોઈ સુનિયોજિત કાવતરું હતું.
ઝુબીન ગર્ગના ચાહકો અને દેશ હવે વિસરા રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે, જે કદાચ આ રહસ્ય પરથી પડદો ઉંચકી શકે.












Click it and Unblock the Notifications
