સિંહણના હુમલામાં બાળકીનું મોત, છેલ્લા 24 કલાકમાં ત્રીજો હુમલો
ગીરના જંગલ વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટનામાં એક સિંહણે બે વર્ષની બાળકી પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સિંહ દ્વારા મનુષ્યો પર હુમલાની આ ત્રીજી ઘટના નોંધાઈ છે.
આ કરૂણ ઘટના ગીરના કોડીનાર તાલુકાના પિછવી ગામમાં બની હતી. આરાધ્યા હરસુખભાઈ મકવાણા નામની બે વર્ષીય બાળકી માલધારી પરિવારની હતી. તે તેના ઘરના બગીચામાં પરિવાર સાથે હતી ત્યારે અચાનક એક સિંહણ જંગલમાંથી બહાર આવી અને બાળકીને ઉપાડી જંગલમાં ખેંચી ગઈ હતી.

આ ભયાવહ દ્રશ્ય બાળકીની માતાની નજર સામે બન્યું હતું. થોડા સમય પછી બાળકીનો મૃતદેહ તેમના ઘરથી લગભગ એક કિલોમીટર દૂર મળી આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ છે.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે, છેલ્લા ૨૪ કલાકમાં સિંહણ દ્વારા મનુષ્યો પર હુમલાની આ ત્રીજી ઘટના છે. અગાઉ, અમરેલીમાં બે અલગ-અલગ બનાવો બન્યા હતા. પ્રથમ ઘટનામાં, બગસરામાં પાંચ વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
બીજી ઘટના ખંભા તાલુકાના ગીદાદરી ગામમાં બની હતી, જ્યાં એક ખેડૂત તેના ખેતરમાં પાણી વાળી રહ્યો હતો ત્યારે સિંહણે તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ખેડૂતનો જીવ બચી ગયો હતો, પરંતુ તેની પીઠ પર ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
