જૂનાગઢ: કમોસમી વરસાદને કારણે ગિરનારની લીલી પરિક્રમા કરાઈ સ્થગિત, તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય
Junagadh News: સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની અસરને કારણે જૂનાગઢ ખાતે આગામી 2 નવેમ્બરથી શરૂ થનારી સુપ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા ને સ્થગિત કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર અને સાધુ-સંતોની હાજરીમાં આ નિર્ણય લેવાયો છે, કારણ કે પરિક્રમાના માર્ગ પર વરસાદને લીધે કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.

કાર્તિકી પૂનમના પાવન અવસરે યોજાતી 36 કિલોમીટરની આ પદયાત્રા આ વર્ષે રદ થતા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાને અસર થશે. જોકે, આ પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ-સંતો પ્રતીકાત્મક પરિક્રમા કરશે.
કેમ પરિક્રમા રદ કરવાનો નિર્ણય લેવાયો?
- રૂટ પર કાદવ-કીચડ: છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે 36 કિલોમીટરના પરિક્રમા રૂટ પર ભારે કાદવ અને કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.
- પગપાળા ચાલવું મુશ્કેલ: બોરદેવી જેવા મુખ્ય પડાવથી પરત ફરતી વખતે પણ રસ્તાઓ પર પગપાળા ચાલવું અત્યંત મુશ્કેલ બન્યું છે.
- ધોવાણ અને વાહન પ્રતિબંધ: ગિરનાર ક્ષેત્રના ડીસીએફ અક્ષય જોશીએ માહિતી આપી હતી કે વરસાદના લીધે પરિક્રમા રૂટનું ધોવાણ ચાલુ થઈ ગયું છે. અભયારણ્ય વિસ્તારમાં આવેલો 80 ટકા રૂટ જે માટીકામથી તૈયાર થયો હતો, તે ધોવાઈ જવાની ભીતિ છે, જેના કારણે હાલમાં વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરાયો છે.
🔸ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પરના રસ્તાઓની હાલની પરિસ્થિતિ…@CMOGuj @sanghaviharsh @arjunmodhwadia @revenuegujarat @InfoGujarat @InfoJunagadhGoG pic.twitter.com/2SuriAPeZ2
— Collector Junagadh (@collectorjunag) October 30, 2025
જિલ્લા કલેકટર દ્વારા આ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જનહિત અને યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
ગિરનારની લીલી પરિક્રમાનું મહત્ત્વ
ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોવાનું માનવામાં આવે છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી (આ વર્ષે 2 થી 5 નવેમ્બર) આ પવિત્ર પરિક્રમા યોજાય છે.
- માન્યતા: એવી લોકવાયકા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ સૌપ્રથમ વખત આ 'હિમાલયના દાદા' ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે ભાવિકો આ પરિક્રમા કરે છે, તેઓ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે.
- પરિક્રમા વિધિ: ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજી અને ભવનાથ મહાદેવના દર્શન કરી ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે અને અગિયારસની રાત્રીએ પરિક્રમાનો આરંભ થાય છે.
પરિક્રમા સ્થગિત થવાના કારણે શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા હવામાન સુધરતા જ માર્ગનું સમારકામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
