ગુજરાતના ગૌરવ સમા સિંહો પર સંકટ, ભેદી રોગચાળાથી સિંહોના ટપોટપ મોત
ગુજરાત એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર છે, ત્યાં ફરી એકવાર સિંહો પર જોખમ તોળાઈ રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, રાજ્યમાં છેલ્લા દોઢ મહિનામાં 8 થી વધુ સિંહબાળ સહિત કુલ 15 સિંહોના ભેદી સંજોગોમાં મૃત્યુ થયા છે, જે વન વિભાગ અને પર્યાવરણપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
ખાસ કરીને છેલ્લા બે દિવસમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ, રાજુલા, ખાંભા અને સાવરકુંડલા આસપાસના વન વિસ્તારોમાં ત્રણ સિંહબાળના મૃત્યુ નોંધાયા છે, જેના કારણે કોઈ અજાણ્યા રોગચાળાની આશંકા વધુ પ્રબળ બની છે.

સિંહોના આ અસામાન્ય મૃત્યુદરને કારણે ભેદી રોગચાળાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. સિંહોમાં ફેલાયેલા રોગની ઓળખ અને તેના નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં ભરવા અનિવાર્ય બન્યા છે.
છેલ્લી 16મી સિંહ વસ્તી ગણતરી મુજબ, ગુજરાતમાં હાલ 891 એશિયાઈ સિંહો વસવાટ કરે છે. આ આંકડા મુજબ, 196 નર સિંહ, 330 માદા સિંહ, 140 પાઠડા (ઉછરતા સિંહ) અને 225 સિંહના બચ્ચા છે. આ સિંહો ગુજરાતના ગૌરવ અને પર્યાવરણ સંતુલનનો અભિન્ન અંગ છે. આવા સમયે સિંહોના મૃત્યુ દરનું વધવું એ રાજ્ય માટે મોટી ચિંતાનો વિષય છે.
સિંહો પરના આ સંકટને પહોંચી વળવા માટે વન વિભાગ અને સરકારે સઘન પ્રયાસો કરવા પડશે. રોગચાળાને કાબૂમાં લેવા, સિંહોના સ્વાસ્થ્ય પર નજર રાખવા અને તેમને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે તાત્કાલિક અને લાંબા ગાળાના પગલાં લેવા અત્યંત જરૂરી છે. સિંહોનું સંરક્ષણ એ માત્ર વન વિભાગની જ નહીં, પરંતુ દરેક ગુજરાતીની જવાબદારી છે.












Click it and Unblock the Notifications
