જૂનાગઢ ઝળહળ્યુ પણ હેરિટેજ બિલ્ડીંગમાં અંધારપટ
આજે સમગ્ર ભારતમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે. ત્યારે આખા જૂનાગઢને ભવ્ય રોશની અને રંગરોગાનથી સુશોભિત કરાયું છે. દરેક સરકારી કચેરી, અધિકારીઓના આવાસ, બંગલાઓને રોશનીથી શણગારાયા છે. રાષ્ટ્રવીર છેલભાઇ દવે પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે પરેડ અને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. પરંતું આ બધામાં એક ખાસ વાત ઉડીને આંખે વળગે એવી હોય તો તે છે હાલમાં જ હેરિટેજ બિલ્ડીંગ તરીકે ઘોષિત થયેલી બહાઉદ્દીની કોલેજની ઉપેક્ષા. શહેરની વચ્ચોવચ્ચ આવેલી ઐતિહાસિક કોલેજની શોભા વધારવા તંત્રએ વાળ જેટલુ પણ કામ કર્યુ નથી.
જી હા, જ્યારે આખુ જૂનાગઢ શહેર રોશનીઓથી ઝળહળતું હતુ ત્યારે હાલમાં જ હેરિટેજ બિલ્ડીંગ તરીકે ઘોષિત થયેલી બહાઉદ્દીન કોલેજમાં ઘોર અંધકાર જોવા મળ્યો હતો. શહેરના હાર્દ સમાન ઐતિહાસિક બિલ્ડીગને જ તંત્ર શણગારવાનું ભૂલી ગઇ હતી કે જાણી જોઇને આવું કરવામાં આવ્યું તે તો ચર્યાનો વિષય છે. મહત્વનું છે કે જે ઐતિહાસિક કોલેજ સાથે આટ આટલા ઐતિહાસિક સંસ્મરણો જોડાયેલા હોય તેની આવી ઘોર ઉપેક્ષા નિંદનીય છે. 121 વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજ આઝાદી વેળાના અનેક સંસ્મરણોની સાક્ષી છે. અરે... લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે ખુદ આ બિલ્ડીંગ પરથી જૂનાગઢની આઝાદીની ઘોષણા કરી હતી. આ કોલેજે અનેક બુદ્ધિરત્નો, સાહિત્યકારો, સમાજસેવકો આપ્યા છે. પરંતું આપણી કમનસીબી છે કે જે આપણો અમૂલ્ય વારસો છે તેને જ આપણે જાળવી નથી શક્યા.

ભારતીય પ્રજાની એ વિશેષતા રહી છે કે જે મૂલ્યવાન વસ્તુ તેઓની પાસે હોય તેની ક્યારેય કદર જ કરી નથી. તે પછી વ્યક્તિ હોય કે સ્થળ. જ્યારે જ્યારે વિશ્વ તેની નોંધ લે ત્યાર બાદ જ ભારતના લોકો તેને મહત્વ આપે છે. આ એક નરી વાસ્તવિક અને આપણી કમનસીબી છે. ઐતિહાસિક ઇમારતની વૈશ્વિક કક્ષાએ નોંધ લેવાઇ અને તેનું પ્રમાણપત્ર પણ આપ્યું પરંતું બુદ્ધિબઠ્ઠા સરકારી તંત્રને ભાન આવી નહિ. જો હેરિટેજ ઇમારતની જ આવી ઘોર ઉપેક્ષાઓ થતી હોય બીજા સ્મારકોની જાળવણી તો દૂરની વાત છે. ઉલ્લેખનીય છે કે બહાઉદ્દીન કોલેજના વિકાસ માટે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે, ત્યારે આ રકમ તંત્રના ખિસ્સામાં જાય છે કે હેરિટેજ ઇમારતના વિકાસમાં વપરાશે તે જોવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે 75મા સ્વતંત્રતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી આજે જૂનાગઢમાં થઈ રહી છે. ત્યારે સરદાર પટેલ દરવાજા, કલેક્ટર ઑફિસ સહિત જૂનાગઢ આખાને રોશનીથી ઝગમગાવી મૂક્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બિલખા રોડ પર આવેલ પરેડ ગ્રાઉન્ડમાં તિરંગો લહેરાવ્યો હતો જ્યાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની પણ હાજરી હોવાના કારણે 10000 બૉડી-વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાત પોલીસના સેંકડો જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ગુજરાત કેવેલરી, મરીન કમાન્ડો જામનગર, એસઆરપી ગ્રુપ ગોંડલ, રાજકોટ શહેરની મહિલા પોલીસ ટૂકડી, ડોગ સ્ક્વોડ, હોમ ગાર્ડ અને એનસીસી સહિત ગુજરાત પોલીસની 15 જેટલી ટૂકડીઓ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે.