Junagadh Rain Update : પૂર પ્રકોપ વચ્ચે જૂનાગઢમાં મકાન ધરાશાયી, 4 દટાયા
Junagadh Rain Update : જૂનાગઢમાં ભારે વરસાદને કારણે પૂર પ્રકોપ વધી રહ્યો છે. આવામાં ભારે વરસાદને કારણે જૂનાગઢમાં તારાજી સર્જાઇ છે. ઘણા લોકો ઘર વગરના થઇ ગયા છે.
આ વચ્ચે જૂનાગઢમાં એક બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં 4 લોકો દટાયા હોવાની આશંકા છે. આ અકસ્માત જૂનાગઢના દાતાર રોડ પર બન્યો હતો.

એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે, જેમાં 4 લોકો દટાયા છે. ઉલ્લેખનીય છે કે, ઘરની નીચે શાકભાજીની દુકાનો હતી. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સ્થળ પર હાજર ટીમ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં લાગેલી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા મુશળધાર વરસાદે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં ભારે તારાજી સર્જાઇ છે.
જૂનાગઢમાં શનિવારના રોજ 15 ઈંચ, જ્યારે નવસારીમાં 13 ઈંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢમાં તો વાહનો અને પશુઓ પણ ધોવાઇ ગયા હતા. રાજ્યમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 10 રાજ્ય ધોરીમાર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
આ અગાઉ જૂનાગઢની સ્થિતિના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવા પડ્યા હતા. લગભગ 3,000 લોકોને ત્યાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
જૂનાગઢ, વલસાડ, ગીર સોમનાથ, પોરબંદર અને અન્ય જિલ્લાના ડેમ ભરાઈ ગયા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની નવ ટીમોને સૌથી વધુ અસરગ્રસ્ત સ્થળોએ મોકલવામાં આવી છે.












Click it and Unblock the Notifications
