પરિક્રમા રૂટ પર ઠેર-ઠેર પાણીની ટાંકીઓ અને કચરા પેટી મુકાઈ
જૂનાગઢ તા.૧૯ ગિરનાર લીલી પરિક્રમા દેવ દિવાળી એટલે કે, કારતક સુદ-૧૧થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ માટે મોટાભાગની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટના માર્ગનું મરામત પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પરિક્રમા રૂટ પર પરિક્રમાર્થીઓ માટે માર્ગદર્શક અને દિશા સૂચક સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા છે. જેમાં પ્લાસ્ટિક કચરો જંગલમાં ન ફેકવો, ડિટરજન્ટ કે સાબુનો ઉપયોગ કરીને કુદરતી જળ સ્ત્રોતને પ્રદૂષિત કરવું નહીં, ગિરનારની જૈવિક વિવિધતાનું રક્ષણ કરવું ઉપરાંત પાણી પોઈંટ કેટલા અંતરે આવેલા તેના બોર્ડ મૂકવામાં આવ્યા છે. લીલી પરિક્રમા અભયારણ્ય વિસ્તારમાં થતી હોવાથી વન્ય સૃષ્ટિ અને પ્રકૃતિની વિશેષ કાળજી લેવી આવશ્યક છે. ખાસ કરીને લાખો ભાવિકો પરિક્રમા અર્થે આવે ત્યારે કચરાનો યોગ્ય નિકાલ થાય તે ખૂબ જરૂરી છે. આ માટે પરિક્રમાના રૂટ પર ઠેર-ઠેર મોટી કચરા પેટી લગાવવામાં આવી છે.
પરિક્રમાના રૂટ ઉપર રાવટીઓ ઉભી કરવાની સાથે પાણી ટાંકીઓ મૂકવામાં આવી છે. તેમજ લાઇટ સહિતની જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આમ, જિલ્લા પ્રશાસન અને વન વિભાગ દ્વારા યાત્રિકોને મુશ્કેલીઓ ન પડે તે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા અને તંત્રના સંબંધિત અધિકારીઓ સાથે સાધુ-સંતોએ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતું જેથી યાત્રાળુઓ માટે જરૂરી વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ કરી શકાય.












Click it and Unblock the Notifications
