બીએપીએસ સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટને દંડ ફટકારાયો, જમીનના ગેરકાયદેસર ઉપયોગનો આરોપ
રાજકોટના ગોંડલ હાઈવે પર આવેલી BAPS સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટ પર રાજકોટ જિલ્લા કલેક્ટરે દંડનીય કાર્યવાહી કરી છે.
જમીનના બિન-અધિકૃત બાંધકામ અને વ્યાપારીક ઉપયોગ બદલ સંસ્થાને 13.13 લાખનો દંડ ભરવા આદેશ કરવામાં આવ્યો છે. આ દંડ આગામી 15 દિવસમાં જમા કરાવવાનો રહેશે. જો દંડ નહીં ભરાય તો વધુ કાર્યવાહી હાથ ધરાશે.

વાવડી ખાતે આવેલી પ્રેમવતીમાં રેસ્ટોરન્ટ, હોટેલ, બગીચો, સ્વિમિંગ પૂલ, મંદિર અને ઓફિસ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
જો કે, આ જમીન મૂળરૂપે ઔદ્યોગિક હેતુ માટે ફાળવવામાં આવી હતી અને તેના હેતુફેર માટે કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. આ ઉપરાંત મિલકત માટે જરૂરી ફાયર સેફ્ટી એનઓસી (NOC) પણ મેળવવામાં આવી ન હતી.
કોંગ્રેસના નેતા સંજય લાખણી અને કૃષ્ણદત્ત રાવલે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જમીનના બિનખેતી (NA) ઉપયોગના નિયમોના ભંગ અને ગેરકાયદેસર બાંધકામના આક્ષેપો કર્યા હતા. આ ફરિયાદ બાદ મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમોના ભંગની પુષ્ટિ થઈ હતી.
કેસની સુનાવણી દરમિયાન કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જમીનનું 65 પૈસા પ્રતિ ચોરસ મીટરના દરે બિનખેતી આકારણી ચાર્જ ગણીને પાંચ વર્ષ માટે કુલ 13.13 લાખનો દંડ ફટકાર્યો છે.
કલેક્ટરે બીએપીએસ સંસ્થાને જરૂરી મંજૂરીઓ મેળવવાનો પણ નિર્દેશ આપ્યો છે અને ગેરકાયદેસર બાંધકામ તથા ફાયર એનઓસીના અભાવ અંગે કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પણ આદેશની નકલ મોકલી છે.
આ પ્રેમવતી રેસ્ટોરન્ટ છેલ્લા લગભગ પાંચ વર્ષથી કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા કે NHAI પાસેથી ફરજિયાત મંજૂરીઓ લીધા વિના જ કાર્યરત હતી.












Click it and Unblock the Notifications
