રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો, માસ્ટરમાઈન્ડની ધરપકડ
રાજકોટની શક્તિ સિલ્વર પેઢીમાંથી અંદાજે 120 કિલો ચાંદીની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરીને સફળતા મેળવી છે.
ક્રાઈમ બ્રાન્ચે પ્રદીપ પ્રજાપતિ નામના યુવકને ઝડપી પાડ્યો છે. જેની પાસેથી ચોરી કરવામાં આવેલી ચાંદીની કડલીઓ અને વિંછિયા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે.

આ સમગ્ર ચોરીનો મુખ્ય માસ્ટરમાઈન્ડ મુકેશ પ્રજાપતિ હોવાનું ખુલ્યું છે. મુકેશે તેના પિતરાઈ ભાઈ પ્રદીપને 40 કિલો ચાંદી સાચવવા માટે આપી હોવાનું સામે આવ્યું છે.
મુખ્ય આરોપી મુકેશ અગાઉ ડ્રાઇવિંગ કરતો હોવાથી તેને પેઢીમાં રહેલા માલની જાણ હતી. તેણે અન્ય ત્રણ-ચાર સાગરિતો સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુકેશ પ્રજાપતિ અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાયો છે. હાલમાં તે 80 કિલો ચાંદીના જથ્થા સાથે ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
મુકેશ વડોદરાનો રહેવાસી છે અને સુરતમાં તેનું સાસરું હોવાથી ત્યાં પણ શોધખોળ શરૂ છે. પોલીસને આશંકા છે કે બાકીની ચાંદી કોઈ વેપારીને વેચાઈ હોઈ શકે છે.
ક્રાઈમ બ્રાન્ચે હાલ મુખ્ય આરોપી અને તેના સાથીદારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા પ્રદીપની પૂછપરછમાં અન્ય મહત્વના ખુલાસા થવાની પણ શક્યતા છે.












Click it and Unblock the Notifications
