Breaking: ગ્રીષ્માને મળ્યો ન્યાય, ફેનિલને ફાંસીની સજા ફટકારાઈ, જજે ગણાવ્યો રેરેસ્ટ ઑફ રેર કેસ
સુરતઃ સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે ફેનિલને પાંચ હજારનો દંડ અને ફાંસીની સજાનો ચુકાદો સંભળાવ્યો છે. તમને જણાવી દઈએ કે 12 ફેબ્રુઆરીના રોજ સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળુ કાપી કરવામાં આવેલી હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે 302 સહિતની અલગ-અલગ કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો. સતત સવા મહિના સુધી કોર્ટમાં ટ્રાયલ ચાલી બતી. જે ટ્રાયલ દરમિયાન કુલ 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.
સુરતના પાસોદરામાં ગઈ 12 ફેબ્રુઆરીના રોજ જાહેરમાં ગ્રીષ્મા વેકરિયાની કરાયેલી હત્યા કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટમાં ફેનિલના ચહેરા પર ડર બિલકુલ દેખાતો નહોતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યા હતા. જજે આ કેસને રેરેસ્ટ ઑફ રેર કેસ માન્યો છે. જજે મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરુઆત કરી હતી. જજે કહ્યુ કે દંડ આપવો સરળ નથી પરંતુ આ રેરેસ્ટ ઑફ રેર કેસ છે. ત્યાબાદ જજે હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારવાનો ચુકાદો આપ્યો.
અદાલતમાં બંને પક્ષના વકીલો હાજર રહ્યા હતા. 506 પાનાંનુ જજમેન્ટ આપવામાં આવ્યુ હતુ. જજે ચુકાદો વાંચવાનો શરુ કર્યા બાદ કહ્યુ હતુ કે મારી 28 વર્ષની કારકિર્દી છે. દંડ આપવો સરળ નથી. હત્યા વખતે ગ્રીષ્મા નિઃસહાય હતી. આરોપીને પસ્તાવો કે કાયદાનો કોઈ ડર દેખાયો નથી. આરોપીએ ઠંડા કલેજે 2 લોકોની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસને રેરેસ્ટ ઑફ રેર કેસ માનવામાં આવે છે. ગ્રીષ્મા માત્ર 20 વર્ષની હતી અને તેના પણ સપના હતા. જજનો ચુકાદો સાંભળીને તેના પરિવારજનો ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા હતા.
ગ્રીષ્માના પિતાએ ચુકાદા પછી કહ્યુ હતુ કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માંગો પૂર્ણ થઈ છે. અમને ન્યાય પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલિસથી લઈને મદદ કરનાર તમામ નેતાઓને આભાર માન્યો હતો. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યુ હતુ કે કોર્ટે ફેનિલ ગોયાણીને સજા સંભળાવી છે અને મૃત્યુદંડની સજા કરી છે. બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે. ભોગ બનનારને વળતર મળે તેવી પણ પ્રક્રિયા કરી છે.