કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થશે? આજે થશે નિર્ણય
Lok sabha Election 2024: લોકસભા ચૂંટણીના કારણે રાજકારણમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ હતી. જેમાં સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ઉમેદવારી નોંધાવી હતી.
હાલ ચર્ચા ચાલી રહી છે કે, તેઓનું ઉમેદવારી ફોર્મ રદ્દ થઇ જશે. જોકે, નિલેશ કુંભાણી અને કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે, ફોર્મ રદ્દ નહીં કરવામાં આવ્યું, પરંતું કોઇ સમસ્યા છે. ભાજપ દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, મારા સમર્થકોનું અપહરણ કરવામાં આવ્યું છે, જે અંગે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ રિટર્નિંગ ઓફિસરને પત્ર લખીને જણાવ્યું છે કે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના સમર્થકો લાયક નથી. નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મમાં ટેકેદારોએ કરેલી સહીઓ નકલી છે. આ અંગે રિટર્નિંગ ઓફિસરે નિલેશ કુંભાણી પાસે ખુલાસો માંગ્યો છે.

નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, ભાજપે મારા સમર્થકોનું અપહરણ કર્યું છે. સમર્થકોના ફોન સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યા છે. રમેશભાઈ, જગદીશભાઈ અને ધીરુભાઈનો સંપર્ક થઈ શક્યો નથી, તેમની સહીઓ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના સમર્થકોએ તેમની સહી ન હોવાની ફરિયાદ કરી હતી.
નિલેશ કુંભાણીએ પોતાના વકીલો ઝમીર શેખ, બાબુભાઈ માંગુકિયા અને અજયકુમાર ગોંડલિયાની નિમણૂક કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારના વકીલની નિમણૂક સ્વીકારી હતી.
નિલેશ કુંભાણીના ફોર્મ સંદર્ભે વકીલ ઝમીર શેખે સુરત લોકસભા ચૂંટણી અધિકારીને જણાવ્યું હતું કે, અમારા અસીલના સમર્થકોને તમારી સમક્ષ બોલાવીને પૂછપરછ કરવામાં આવે. નામાંકન પર હસ્તાક્ષર કરનારા સમર્થકોનો સંપર્ક કરવામાં આવતો નથી, તેથી તમારા દ્વારા તેમનું અપહરણ થવાની સંભાવના છે, પોલીસે તરત જ સમર્થકોને શોધી કાઢવી જોઈએ અને હસ્તાક્ષર નિષ્ણાત પાસે સહીઓ તપાસવી જોઈએ. તેથી, અમને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ અને ચૂંટણી અધિકારીની હેન્ડબુકની જોગવાઈઓ હેઠળ કાનૂની સલાહ અને બચાવ માટે 24 કલાકનો સમય મળવો જોઈએ.
કોંગ્રેસના ઉમેદવાર અને વકીલ ઝમીર શેખની દલીલો સાંભળ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે આજે 21 એપ્રિલે સવારે 9 કલાકે સુનાવણી નક્કી કરી છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ્દ થયું હોવાની અફવા છે. રવિવારના રોજ સુનાવણી બાદ સવારે 11 કલાકે કુંભાણીના ફોર્મ અંગે નિર્ણય લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
