Valsad : છ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા
વલસાડ જિલ્લાના વાપીમાં છ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ઘૃણાસ્પદ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને ફાંસીની સજા સંભળાવી છે, જે સમાજમાં આવા જઘન્ય કૃત્યો કરતા તત્વો માટે કાયદાનો કડક સંદેશ છે.

આ ગંભીર અને અમાનવીય ઘટના 23 ઓક્ટોબર 2023ના રોજ બની હતી. વાપીના વિસ્તારમાં રહેતા 42 વર્ષીય આરોપી રઝાક સુભાન ખાન નામના નરાધમે માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપીને એક ઝાડીવાળી જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં કોઈ સાક્ષી ન રહે તે હેતુથી તેની હત્યા કરી નાખી હતી.
આ ઘટનાની જાણ થતાં જ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી રઝાક ખાનને ઝડપી પાડ્યો હતો. આ કેસની ગંભીરતાને જોતા પોલીસે માત્ર 19 દિવસના રેકોર્ડ સમયગાળામાં તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.
વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસની સુનાવણી ઝડપથી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા નક્કર પુરાવાઓ અને સાક્ષીઓના આધારે કોર્ટે આરોપી રઝાક સુભાન ખાનને આ જઘન્ય અપરાધ માટે દોષિત જાહેર કર્યો છે.
તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં લીધા બાદ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારવાનો નિર્ણય લીધો. કોર્ટનો આ ચુકાદો એ દર્શાવે છે કે બાળકો સામેના અપરાધોમાં કાયદો કોઈ પણ પ્રકારની નરમાશ દાખવશે નહીં. આ ચુકાદો દુષ્કર્મ અને હત્યાના ગુનેગારોને કાયદાની ગંભીરતાનો આકરો પાઠ ભણાવે છે.












Click it and Unblock the Notifications
