Surat News: સુરતના તમામ BRTS રૂટ હવે દોડશે ઈલેક્ટ્રીક બસો, બન્યું દેશનું પ્રથમ શહેર
Surat News: સુરત શહેરના લાખો મુસાફરો માટે પરિવહનનું મહત્વનું માધ્યમ ગણાતી BRTS બસ સેવા હવે તમામ 13 રૂટ પર ઇલેક્ટ્રિક બસો સાથે કાર્યરત થશે.
બુધવારથી, સુરત BRTS કોરિડોરમાં 100 ટકા ઇલેક્ટ્રિક બસોનો ઉપયોગ હાંસલ કરનારું દેશનું પ્રથમ શહેર બનશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2020માં BRTS અને સિટી બસ સેવાઓમાં ઇલેક્ટ્રિક બસો ઉમેરવાનું શરૂ કરવામાં આવ્યું હતુ, અને ચાર વર્ષના પ્રયત્નો પછી, BRTS તેના 13 રૂટ પર 352 ઇલેક્ટ્રિક બસોનો ઉપયોગ કરશે.
સમગ્ર દેશના શહેરી વિસ્તારોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું આહ્વાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તેના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકાએ 2024ના બજેટમાં સુરત-નેટ ઝિરો એમિશન મિશન હેઠળ જરૂરી રોડમેપ તૈયાર કરવાનું આયોજન કર્યું છે.

કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આ અભિયાનમાં નોંધપાત્ર પ્રગતિ કરવામાં આવી છે. અત્રે નોંધનીય બાબત છે કે, લગભગ 2 લાખ લોકો દરરોજ 45 સિટી બસ રૂટ અને 13 BRTS રૂટ પર જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરે છે.
બીઆરટીએસ રૂટ પર ચાલતી 352 બસો પૈકી રૂટ નંબર 14 (ઓએનજીસી કોલોનીથી કોસાડ ઇડબ્લ્યુએસ આવાસ સુધી) 18 ઇલેક્ટ્રિક અને 11 ડીઝલ બસો સાથે દોડતી હતી.
ઉલ્લેખનીય છે કે, આ 11 ડીઝલ બસોને બુધવારથી સેવામાંથી હટાવી દેવામાં આવશે, અને આ રૂટ પર તેમની જગ્યાએ ઈલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવશે.
હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન 450 ઇલેક્ટ્રિક બસો ચલાવે છે, જ્યારે બાકીની બસો સિટી બસ રૂટ પર દોડે છે. સિટી બસના રૂટ પર કુલ 347 ડીઝલ અને ઈલેક્ટ્રીક બસો કાર્યરત છે. સિટી બસ સેવામાંથી બાકી રહેલી ડીઝલ બસો પણ તબક્કાવાર હટાવવામાં આવશે.
એવું નોંધવામાં આવ્યું છે કે, SMC નેટ ઝીરો એમિશન મિશન હેઠળ 2025 સુધીમાં 1,100 ઇલેક્ટ્રિક બસો ખરીદશે, 2024-25માં 450 ઇલેક્ટ્રિક બસો ખરીદવાની યોજના છે.
ઉલ્લેખનીય છે કે, અડાજણ-પાલ ખાતેના હાલના બીઆરટીએસ બસ ડેપોને પણ રૂપિયા 2 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક બસ ડેપોમાં રૂપાંતરિત કરવાની તૈયારી છે.












Click it and Unblock the Notifications
