સુરત: રક્ષાબંધન પહેલા જ ચાર ભાઇઓની એકની એક બહેનનું મોત, સાસરીયા પર આક્ષેપ
સુરતના સિંગણપોરમાં વિરપાર્ક સોસાયટીમાં રહેતી 24 વર્ષીય સિરતાબેન જયકુમાર પટેલ શુક્રવારે બપોરે પોતાના ઘરે સૂતા હતાં, બાદમાં સાંજ સુધી ઊઠ્યા ન હતાં. તેથી સાસરિયાવાળા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા પિયર પક્ષના લોકો નવી સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. તેમણે સાસરિયા પર દહેજમાં પૈસા માંગવાનો આક્ષેપ કર્યો હતો.

સાસરિયા પર દહેજ માટે મારપીટનો આક્ષેપ સરિતાના પરિવારે કર્યો છે. સાસરિયાના ત્રાસના કારણે સરિતાએ આત્મહત્યા કરી છે, તેથી સરિતાનું નવી સિવિલ હોસ્પિટલમાં પેનલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે, સિવિલ હોસ્પિટલના તબીબોએ જરૂરી વીસેરા સેમ્પલ લીધા છે. વીરેસા રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે. સમગ્ર કેસમાં પોલીસે જણાવ્યું કે મૂળ યુપીની જૌનપુરની વતની સરિતાના લગ્ન અઢી વર્ષ પહેલા વતનમાં જયકુમાર સાથે થયા હતાં. પતિ સંચાખાતામાં કામ કરે છે. સરિતાના ભાઇઓના આક્ષેપને કારણે સાસરિયા પર શારીરિક અને માનસિક ત્રાસ અને દુષ્પ્રરણાની ફરિયાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છેકે સરિતા ચાર ભાઇઓની એકની એક બહેન હતી. રક્ષાબંધનના તહેવાર પહેલા બહેનનું મોત થતા ચારેય ભાઇઓમાં દુ:ખની લાગણી હતી, અઢી વર્ષ આગાઉ જ પરિવારોની રાજી ખુશીથી લગ્ન કરવામાં આવ્યા હતા. શરૂઆત લગ્નજીવન સારૂ હતું પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી સરિતા વાંરવાર પિયર પક્ષને ફરિયાદ કરવા લાગી હતી કે સાસરી પક્ષમાં તકલીફ પડી રહી છે અને સરિતા પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. એવું ખુદ સરિતાના પરિવારના સભ્યોનું કહેવું છે. નણંદ સરિતાના લગ્ન અઢી વર્ષ પહેલાં જ વતન યુપીમાં થયા હતા. લગ્ન બાદ સરિતા સુરત પોતાના સાસરિયામાં આવી હતી. ચાર દિવસ પહેલા સરિતાનો ફોન આવ્યો હતો. મને અહીંયાંથી લઈ જાઓ મારી નણંદ, સાસુ અને પતિ મને માનસિક હેરાનગતિ કરે છે. ભાઈને કહો મને લઈ જાય ત્યારબાદ રામ પોતાની બહેન સરિતાને લઈ આવ્યા હતા અને સમજાવીને પરત મૂકી આવ્યા હતા.