PM નરેન્દ્ર મોદીની વડોદરાની મુલાકાત દરમિયાન સ્થાનિકોનો રોષ, જાણો કારણ
PM Modi in Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના PM પેડ્રો સાન્ચેઝે વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન પહેલા બંને દેશોના વડાપ્રધાનનો વડોદરા એરપોર્ટથી રોડ શો યોજાયો હતો.
આ રોડ શોમાં બંને દેશોના PMનું અભિવાદન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, ત્યારે હવે મળતા માહિતી મુજબ, વડોદરામાં વિરોધ કરી રહેલા અનેક લોકોને નજર કેદ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ,વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક નેતાગીરીના સામે લોકોમાં ભારે રોષ છે. ત્રણ ત્રણ વખત પૂર આવ્યા પછી લોકો તંત્રની નિષ્ફળતાથી તોબા પોકારી ગયા છે. કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સ્થાનિક તંત્રની નિષ્ફળતા અંગે જાહેરમાં ચાબખા મારવામાં આવ્યા હતા.
બંને દેશોના વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા વડોદરામાં અનેક સ્થળો પર વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો જેના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
લોકોનું કહેવું હતું કે, આના કરતા તો રાજા મહારાજાઓ સારા હતા.અત્યારના નેતાઓ તો કરદાતાના પૈસે વીઆઈપી સાહ્યબી ભોગવે છે અને કરદાતાઓને જ હેરાન કરે છે.

બંને દેશના વડાપ્રધાન જે રૂટ પર રોડ શૉ કરવાના હતા તે રોડ આવેલી સોસાયટીના લોકોને ગઈકાલથી જ નજર કેદ કરી દેવામાં આવ્યા હતા અને આ રૂટ પરની સોસાયટીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. એટલુ જ નહીં, આ સોસાયટીના ગેટની બહાર પોલીસ કર્મચારીઓને ખડકી દેવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મી઼ડિયા પ્લેટફોર્મ X પર લખ્યુ હતુ કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ ગુજરાત પધારો છો ત્યારે આપના સ્વાગત સાથે જણાવું છું કે આપની પોલીસ વડોદરામાં કેટલાય જાગૃત નાગરિકોને ગઈકાલ થી હાઉસ એરેસ્ટ કરીને બેઠી છે . વિશ્વામિત્રીનું પાણી વડોદરામાં આવ્યું અને જે વિનાશ થયો ત્યારે આપ પધાર્યા હોત તો સાચી ખબર પડી હોત . કુદરતી પાણીના નિકાલના રસ્તાઓ ઉપર દબાણ દૂર કરાવશો અને યોગ્ય વળતર માટે આદેશ કરશો તેવી વિનંતી . આજે ખેડૂત ખુબ મોટી મુશ્કેલીમાં છે .
તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, ખેડૂત આત્મહત્યા માટે મજબૂર બનેલ છે ત્યારે યોગ્ય વળતર આપવામાં આવે તે જરૂરી છે . ૩૫૦ કરોડની ઓગસ્ટ મહિનામાં જે જાહેરાત કરી હતી એમાં પણ ખેડૂતો સાથે બનાવટ કરવામાં આવી છે. હું માંગ કરું છું કે, સરકાર ઉદાર હાથે ખેડૂતોને , વેપારીઓને , જુપડપટ્ટીમાં રહેતા શ્રમજીવીઓ તથા ઘરોમાં નુકસાન થયેલ નાગરિકોને સહાય કરે અને નુકસાન સામે યોગ્ય વળતર આપે. પાકવીમાના નામે પણ ખુબ નુકશાન થયું છે. શા માટે પી.એમ. કિસાન યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યું છે ?












Click it and Unblock the Notifications
