MGVCL ની મોટી કાર્યવાહી, સાવલી નગરપાલિકાનું વીજ જોડાણ કપાયું
મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા સાવલી નગરપાલિકા વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા વિજ બિલ ચૂકવવામાં નિષ્ફળ જતા MGVCLએ નગરપાલિકાનું વીજ જોડાણ કાપી નાખ્યું, જેના કારણે શહેરના રસ્તાઓ પર અંધકાર છવાઈ ગયો.
સાવલી નગરપાલિકા દ્વારા લાંબા સમયથી વિજ બિલ ભરવામાં આવતું ન હોવાથી MGVCL એ આ પગલું ભર્યુ. નગરપાલિકા પર કુલ 3.43 કરોડ રૂપિયાનું બિલ બાકી છે.

- 83 લાખ રૂપિયા સ્ટ્રીટલાઇટના
- 1.9 કરોડ રૂપિયા વોટરવર્ક્સ વિભાગનું બિલ
- 69 લાખ રૂપિયા વાણિજ્ય વિભાગનું બિલ
સાવલી નગરપાલિકા છેલ્લા ચાર વર્ષથી નાણાંકીય સંકટનો સામનો કરી રહી છે. 2019 થી 2023 દરમિયાન નગરપાલિકા દ્વારા માત્ર 7.9 લાખ રૂપિયા જ ચૂકવવામાં આવ્યા છે, જે બાકી રકમની સરખામણીમાં ઘણા ઓછી છે. MGVCL દ્વારા વારંવાર રીમાઈન્ડર્સ આપ્યા પછી પણ બાકી રકમ ચૂકવવામાં આવી નહોતી, જેના કારણે અંતે કડક પગલાં ભરવામાં આવ્યા.
MGVCLની કાર્યવાહી બાદ સાવલી નગરપાલિકા દ્વારા એક સપ્તાહમાં તમામ બિલ ચૂકવી દેવાની ખાતરી આપવામાં આવી. આ ખાતરી મળ્યા બાદ MGVCLએ વીજ પુરવઠો ફરી શરૂ કર્યો. જો નગરપાલિકા ફરીથી ચુકવણીમાં વિલંબ કરશે તો MGVCL દ્વારા કડક પગલાં ભરવાની શક્યતા છે.
આ ઘટના સ્થાનિક શાસન માટે એક મોટી ચેતવણીરૂપ છે. નગરપાલિકાએ નાણાંકીય વ્યવસ્થાપન અને જવાબદારી માટે વધુ સતર્ક થવું પડશે, જેથી ભવિષ્યમાં આવો સંકટ ઊભુ ન થાય. આ સાથે નાગરિકોને પણ સુધારણા માટે સત્તાધીશો પર દબાણ લાવવું જરૂરી છે, જેથી તેમના પ્રાથમિક સેવાઓ પર કોઇ અસર ન પડે.












Click it and Unblock the Notifications
