વડોદરામાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો, ગાયે ટક્કર મારતા સિક્યુરિટી ગાર્ડનું મોત
ગુજરાતના તમામ મહાનગરોમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. એક તરફ તંત્ર ઉંઘમાં છે તો બીજી તરફ રખડતા ઢોર લોકોના જીવ લઈ રહ્યાં છે.
હવે આવી વધુ એક ઘટના વડોદરામાં સામે આવી છે. અહીં એક રખડતી ગાયની ટક્કરથી સિક્યુરિટી ગાર્ડનું મોત થયુ છે.

રખડતા ઢોરના ત્રાસથી સર્જાયેલી આ જીવલેણ ઘટનામાં હરણી-વારસિયા રિંગ રોડ પર મોપેડ લઈને જઈ રહેલા વૃદ્ધનું રખડતી ગાયની અડફેટે આવી જતાં મૃત્યુ થયું છે.
વારસિયા રિંગ રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે સિક્યુરિટી ગાર્ડ કામ પતાવીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની.
એસઆરપી પેટ્રોલ પંપ પાસે સામેથી એક રખડતી ગાયે તેને ટક્કર મારી હતી, જેના કારણે તે મોપેડ પરથી પડી ગયા.
ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન કર્યું હતું. સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો અને મોત થઈ ગયુ.
જણાવી દઈએ કે, ગુજરાતમાં રખડતા ઢોરના કારણે લોકોના મોત થયા હોવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ઘણા લોકોના જીવ ગયા છે. હવે જોવાનું એ રહે છે કે આ બાબતે તંત્ર ક્યારે કોઈ નક્કર પગલા ભરે છે.












Click it and Unblock the Notifications
