Vadodara: વડોદરામાં બનશે રિંગરોડ, મુખ્યમંત્રીએ ફાળવ્યા 316.78 કરોડ
Vadodara: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરા મહાનગરમાં રિંગરોડ નિર્માણ માટે 316.78 કરોડ રૂપિયાની ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કરવામાં આવી છે.
વડોદરા મહાનગર અને તેના આસપાસના ઐદ્યોગિક વિસ્તારોના સતત વધતા જતા વિકાસ વ્યાપને પગલે ટ્રાફિકનું ભારણ હળવું કરવા સાથેના સુઆયોજીત વિકાસ માટે વુડાએ રિંગરોડ બનાવવાની જરૂરીયાત દર્શાવતું પ્રેઝન્ટેશન અને દરખાસ્ત GUDM માં કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ દરખાસ્ત રજૂ થતાં તેમણે વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ વુડાને રિંગરોડ નિર્માણ માટે આ 316.78 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

વડોદરા મહાનગરમાં આ રિંગરોડ સમગ્રતયા 66 કિલોમીટર લાંબો અને 75 મીટર પહોળાઈ સાથે નિર્માણ થવાનો છે. તેના પ્રથમ તબક્કામાં 45 મીટર પહોળાઈ સાથેના 27.58 કિલોમીટર લંબાઈના રિંગરોડ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રકમ ફાળવી છે.
આ 27.58 કિલોમીટરના રિંગરોડના પ્રથમ તબક્કા માટે નાણાં ફાળવણી થતાં હવે નિર્માણ કાર્ય વેગવંતુ બનશે. આના પરિણામે પૂર્વ વિસ્તારમાં 10.70 કિલોમીટર અને પશ્ચિમ વિસ્તારમાં 16.84 કિલોમીટરનું કામ હાથ ધરાશે.
આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિ-એક્તા નગર તરફ જતા રસ્તા પરનું ટ્રાફિક ભારણ ઓછું થશે અને મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-8 પરના વાહન વ્યવહારનો ટ્રાફિક પણ હળવો થશે.
પશ્ચિમ વિસ્તારમાં જે 16.84 કિલોમીટરના રિંગરોડનું નિર્માણ થશે, તેના કારણે ટ્રાફિક ભારણ ઘટવા સાથે રિંગરોડ ફરતે અને આસપાસના વિસ્તારોમાં વિકાસને નવી ગતિ મળશે.












Click it and Unblock the Notifications
