વડોદરાની દિકરી ભારતીય ક્રિકેટમાં થઇ સામેલ, બોલી- પપ્પા હુ વર્લ્ડકપ લઇને જ પાછી આવીશ
ICC વિમેન્સ વન - ડે ક્રિકેટ વર્લ્ડ કપ વર્ષ 2022માં ન્યુઝીલેન્ડમાં આગામી માર્ચ અને એપ્રિલ મહિનામાં રમાશે. વર્લ્ડ કપની ભારતીય ટીમમાં વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટીયાનો સમાવેશ થયો છે. બરોડા ક્રિકેટ એસોસિયેશનના ઈતિહાસમાં વિમેન્સ ODI વર્લ્ડ કપ ટીમમાં પસંદ થનાર યાસ્તિકા પ્રથમ ક્રિકેટર બની છે.
21 વર્ષની યાસ્તિકાએ ગત વર્ષે ઇન્ટરનેશનલ વન - ડે , ટી 20 અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. યાસ્તિકા છેલ્લાં કેટલાક સમયથી બરોડા ક્રિકેટ એસો.નું પ્રતિનિધિત્ત્વ છે. યાસ્તિકા BCA અન્ડર -23ની કેપ્ટન પણ રહી ચુકી છે. યાસ્તિકા લેફટ હેન્ડ બેટિંગ અને સ્લો લેફટ આર્મ ઓર્થોડક્સ બોલિંગ કરે છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે ફેમસ છે.
ભારતીય મહિલા ટીમમાં જોડાયા પહેલા કહ્યું હતું કે 'ભારત વર્લ્ડ કપ જીતે તે માટે હું કમરતોડ મહેનત કરીશ. મારું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે કોઈ કસર નહીં રાખું. યાસ્તિકા વડોદરા એરપોર્ટ પર પહોંચી ત્યારે ભારતીય મહિલા ટીમના પૂર્વ મેનેજર અને BCAના ચીફ સીલેકટર (મહિલા ટીમ) ગીતા ગાયકવાડે વિશ્વકપ માટેની શુભેચ્છા પાઠવી હતી. યાસ્તિકા ભાટિયાના પિતા હરીશ ભાટિયાએ જણાવ્યું હતું કે તે ખૂબ ઉત્સાહી છે અને જતાં પહેલાં મને કહ્યું હતું કે પપ્પા હું વર્લ્ડ કપ સાથે પાછી આવીશ.
ન્યુઝીલેન્ડમાં ભારતીય મહિલા ટીમ પાંચ વન-ડે અને ટી-20 મેચ રમશે તે પછી વર્લ્ડકપની શરૂઆત થશે. વર્લ્ડકપ પહેલા આ સીરિઝથી ખેલાડીઓને સારી મદદ મળી શકે છે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ગયેલી ભારતની ત્રણેય ફોર્મેટની ટીમમાં યાસ્તિકાનો સમાવેશ થયો હતો. યાસ્તિકાની આક્રામક બેટિંગના સૌ કોઈ દિવાના છે.