For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈરાનમાં પ્રદર્શનના 100 દિવસ : ‘પાઘડી ઉછાળવા’ના આંદોલનથી લઈને ફાંસી અને યાતના સુધી

ઈરાનમાં પ્રદર્શનના 100 દિવસ : ‘પાઘડી ઉછાળવા’ના આંદોલનથી લઈને ફાંસી અને યાતના સુધી

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
ઈરાનમાં સરકારવિરોધી પ્રદર્શન

ઈરાનમાં હિજાબ વિરુદ્ધ લોકોના ગુસ્સાથી પ્રસરેલું આંદોલન રોકાવાનું નામ નથી લઈ રહ્યું. સમગ્ર દેશમાં વિરોધપ્રદર્શનોનો સિલસિલો 100 દિવસ બાદ પણ ચાલુ છે.

દેશમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદ શરૂ થયેલ આ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન છે અને આ આંદોલને સત્તાના પાયા હચમચાવી દીધા છે. પરંતુ જનતાએ પણ સામે તેની ભારે કિંમત ચૂકવવી પડી છે.

હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી (એચઆરએએનએ) પ્રમાણે દેશના અલગ અલગ ભાગોમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનો દરમિયાન અત્યાર સુધી 500 પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

જેમાં 69 બાળકો પણ સામેલ છે.

ઉપરાંત સરકાર બે પ્રદર્શનકારીઓને ફાંસી પણ આપી ચૂકી છે.

આ સિવાય વધુ 26 લોકો આ ખતરાનો સામનો કરી રહ્યા છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે આ કેસોને 'બેશરમ સુનાવણી’ ગણાવ્યા છે.

ઈરાનમાં પહેલાં પણ સરકાર વિરુદ્ધ પ્રદર્શનો થઈ ચૂક્યાં છે. વર્ષ 2017માં શરૂ થયેલ આંદોલન 2018ની શરૂઆત સુધી ચાલ્યું હતું.

નવેમ્બર 2019માં પણ આંદોલનો થયાં હતાં. પરંતુ હાલનું પ્રદર્શન અનોખું છે. પ્રદર્શનને દરેક વર્ગના લોકોનો સાથે મળી રહ્યો છે.

ગ્રે લાઇન

મૃત્યુની ધમકીઓ

અમુક ઈરાની સેલિબ્રિટીઓ પણ પ્રદર્શનકારીઓનો સાથ આપી રહી છે અને તેઓ અડગ છે. તેમની કાં તો ધરપકડ કરાઈ રહી છે કાં તો તેમને દેશનિકાલ અપાઈ રહ્યો છે.

જાણીતાં અભિનેત્રી તરાનેહ અલીદુસ્તીને કુખ્યાત એવિન જેલમાં રખાયાં છે.

તેમણે એક યુવાન પ્રદર્શનકારીને મૃત્યુદંડ અપાયો તેની નિંદા કરી હતી. આ પહેલાં તેમણે હિજાબ વગરનો પોતાનો ફોટો પણ જાહેર કર્યો હતો.

ઑસ્કર ઍવૉર્ડવિજેતા ફિલ્મ 'ધ સ્ટેટ્સમૅન’માં તેમને નિર્દેશિત કરી ચૂકેલ ડાયરેક્ટર અસગર ફરહાદીએ પણ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “મેં તરાનેહ સાથે ચાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને પોતાના દેશવાસીઓના વાજબી સમર્થન અને અન્યાયપૂર્ણ સજાઓના વિરોધના આરોપમાં જેલમાં બંધ કરાયાં છે.”

“જો આ પ્રકારે સમર્થન વ્યક્ત કરવું એ અપરાધ છે તો આ દેશમાં લાખો લોકો અપરાધી છે.”

ઈરાન છોડી ચૂકેલાં એક અભિનેત્રી પેગાહ અહનગરાનીએ બીબીસી પર્શિયનને કહ્યું, “બંને તરફના લોકો અતિવાદ પર ઊતરી પડ્યા છે. સત્તા લોકોને કચડવાના મામલે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો તેનો જવાબ આપવા મામલે.”

તેમણે હિજાબવિરોધી કુર્દિશ ઈરાની મહિલા મહસા અમીનના મૃત્યુનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “ઈરાન હવે મહસા અમીનીના સમય પહેલાંના સમયમાં નહીં પહોંચી શકે.”

16 સપ્ટેમ્બરના રોજ હિજાબનો વિરોધ કરતાં પોલીસ કડકાઈને કારણે તેમના મૃત્યુ બાદ સમગ્ર ઈરાનમાં લોકો પ્રદર્શન કરવા લાગ્યા હતા.

ઈરાનમાં મહિલાઓ પ્રદર્શન દરમિયાન આઝાદીના નારા લગાવી રહી છે

જાણીતા ઈરાની અભિનેતા હમીદ ફારુકનજાદ આ મહિલાની શરૂઆતમાં અમેરિકા જતા રહ્યા હતા. તેમણે ઈરાનના સર્વોચ્ચનેતા અલી ખોમૈનીને 'તાનાશાહ’ ગણાવી તેમની તુલના ફ્રેંકો, સ્ટાલિન અને મુસોલિની સાથે કરી હતી.

દુબઈમાં રહી રહેલા સેલિબ્રિટી ફૂટબૉલ ખેલાડીઓ પૈકી એક અલી કરીમીએ પણ પ્રદર્શનકારીઓનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું હતું કે ઈરાની ગુપ્તચર એજન્સીના એજન્ટોએ તેમને મારી નાખવાની ધમકી આપી હતી. આના કારણે જ તેમણે અમેરિકા નાસી છૂટવું પડ્યું હતું.

વધુ એક દિગ્ગજ ફૂટબૉલ ખેલાડી અલ દેઈની જ્વેલરીની દુકાન અને રેસ્ટોરાં ઈરાનની અદાલતે બંધ કરાવી દીધી છે.

દેઈએ દેશમાં ચાલી રહેલી હડતાળ અને વિરોધપ્રદર્શનનું સમર્થન કર્યું હતું. તે બાદ તેમના વિરુદ્ધ આ કાર્યવાહી કરાઈ હતી.

ગ્રે લાઇન

મોલોટોવ કૉકટેલથી લઈને પાઘડી ઉછાળવા સુધી

પહેલાંનાં પ્રદર્શનોથી હાલનું પ્રદર્શન એ રીતે પણ અલગ છે કે આ વખત પ્રદર્શનકારીઓ કૉકટેલ (એક પ્રકારનો દેશી બૉમ્બ)નો ઉપયોગ કરી રહ્યા છે.

મોલોટેવ કૉકટેલનો ઉપયોગ બાસિઝ મિલિશિયાનાં ઠેકાણાં અને હવઝા વિરુદ્ધ થયું છે. એ શિયા મુસ્લિમ મૌલવીઓની ધાર્મિક સ્કૂલ છે.

ઈરાનની જનરેશન ઝેડ (યુવાન પેઢી) આ પ્રદર્શનોની આગેવાની કરી રહી છે. આ યુવાન કડક ધાર્મિક નિયમોને નથી ગણકારી રહ્યા. આ લોકોએ એક નવું ચલણ શરૂ કરી દીધું છે. તેમણે માથા પર બાંધેલા સ્કાર્ફને બાળવાનું શરૂ કરી દીધું.

વધુ એક નવું ચલણ સામે આવ્યું. પ્રદર્શનકારીઓ શિયા મૌલવીઓની પાછળ જઈને તેમની પાઘડી ઉછાળે છે અને ભાગી જાય છે.

આ આરોપમાં એક 16 વર્ષના છોકરા આર્શિયા ઇમામ ગોલીજાદાની ઈરાનના પશ્ચિમ શહેર તબરીઝમાં ધરપકડ કરાઈ હતી.

https://twitter.com/Omid_M/status/1591819096047636483

તેમને એ દિવસ પૂરતા જેલમાં રાખીને છોડી દેવાયા. બે દિવસ બાદ તેમણે આત્મહત્યા કરી લીધી.

ઈરાની અધિકારીએ ન માત્ર વિરોધીઓને કચડવાનું શરૂ કરી દીધું છે, બલકે આ કાર્યવાહીમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહનો પણ તેમના પરિવારજનો સાથે સોદાબાજી કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે. તેમને કહેવાઈ રહ્યું છે કે તેમને મૃતદેહ ત્યારે જ મળશે જો તેઓ ચૂપ રહેશે.

બીબીસી ફારસીને એક સૂત્રે જણાવ્યું કે આ દબાણમાં માર્યા ગયેલ એક પ્રદર્શનકારીના ભાઈએ તેમના મૃતદેહને શબગૃહથી ચોરી લીધો છે. ગાડીમાં લાશ મૂકીને તેઓ કલાકો સુધી શહેરમાં ગાડી દોડાવતા રહ્યા.

બીબીસી ગુજરાતી

ફાંસી અને યાતના

પ્રદર્શનમાં ભાગ લેવાના આરોપમાં ઈરાનના અસ્પષ્ટ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અંતર્ગત બે લોકોને ફાંસી આપી દેવાઈ છે.

માનવાધિકાર સંગઠનોએ આને 'ન્યાયની હત્યા’ ગણાવી છે. જે લોકોને મૃત્યુની સજા સંભળાવીને જેલમાં બંધ રાખવામાં આવ્યા છે તેમને ઘણી યાતનાઓ અપાઈ રહી છે.

બિનસરકારી સંગઠન કુર્દિશ હ્યુમન રાઇટ્સ નેટવર્કે કહ્યું કે મંગળવારે સમન યાસીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. સમન કુર્દિશ-ઈરાની રૅપર છે. જેમને મૃત્યદંડ અપાયો છે. માનવાધિકાર સંગઠને કહ્યું હતું કે યાસીનને યાતના અપાઈ હતી.

બીબીસી પર્સિયનને મળેલ એક ઑડિયોમાં એક 26 વર્ષના બૉડીબિલ્ડર સહાંદ નૂર મોહમ્મદજાદાએ આરોપ લગાવ્યો છે કે તેમને લઈને ઘણી વાર ફાંસી આપવાનું રિહર્સલ કરાયું.

સહાંદ નૂર મોહમ્મદજાદા

નૂર મોહમ્મદજાદાને નવેમ્બરમાં સજા અપાઈ હતી. તેમની 'અલ્લાહ વિરુદ્ધ દુશ્મનાવટ’ના આરોપમાં ધરપકડ કરાઈ હતી. (ઈરાની કાયદામાં હથિયાર લઈને 'લોકોમાં અસુરક્ષા ફેલાવાના આરોપમાં આ સજાની જોગવાઈ છે.’)

મોહમ્મદજાદા પર 23 સપ્ટેમ્બરે તેહરાનમાં એક વિરોધપ્રદર્શન દરમિયાન ટ્રાફિક રોકવાનો આરોપ લગાવાયો હતો. જોકે તેમણે આ આરોપોથી ઇનકાર કર્યો હતો.

બીબીસી પર્સિયનને એક એક્સરે ઇમેજ મળી છે, જેમાં દેખાડાયું છે કે જેલમાં બંધ એખ રેડિયોલૉજિસ્ટની ત્રણ પાંસળીઓ તૂટેલી છે.

રેડિયોલૉજિસ્ટ હામિદ ગરે હસનલૂનની 'ધરતી પર ભ્રષ્ટાચાર’ના આરોપમાં ધરપકડ કરાઈ હતી. ઈરાનમાં આ ગુનામાં મૃત્યુદંડ અપાય છે.

આ મામલાના જાણકાર એક સૂત્રે જણાવ્યું કે ડૉ. ગરે હસનલૂને તેમણે ગુનો કબૂલવા માટે પ્રતાડિત કર્યા હતા.

રેડ લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.

રેડ લાઇન
English summary
100 days of protests in Iran: From 'turban toss' movement to executions and torture
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X