અમેરિકાના ડેનવર એરપોર્ટ પર ફ્લાઈટમાં ટેકઓફ પહેલા આગ લાગી, મોટી દુર્ઘટના ટળી
શનિવારે અમેરિકાના ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી. અહીં મિયામી જઈ રહેલી અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA3023ના ટેકઓફ પહેલાં જ તેના પૈડામાં અચાનક આગ લાગી હતી.
આ ઘટનાને કારણે એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ ફાયર ડિપાર્ટમેન્ટ અને એરલાઇન્સની ત્વરિત કાર્યવાહીથી 173 યાત્રીઓ અને 6 ક્રૂ સભ્યોનો આબાદ બચાવ થયો છે.

શનિવારે બપોરે લગભગ 2:45 વાગ્યે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ AA3023 ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે 34L પરથી મિયામી માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી.
ટેકઓફના બરાબર પહેલાં વિમાનના પાછળના પૈડાં (રિયર લેન્ડિંગ ગિયર) માંથી અચાનક ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી અને વિમાનને રોકી દીધુ.
આગ લાગવાની જાણ થતા જ તાત્કાલિક ઇમરજન્સી ઇવેક્યુએશન (ઇમરજન્સી નિકાસ) પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તમામ 173 યાત્રીઓ અને 6 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ડેનવર ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનામાં માત્ર એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી, જેને સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય યાત્રીઓની સ્થળ પર જ તપાસ કરીને તેમને રજા આપવામાં આવી હતી. બાદમાં તમામ યાત્રીઓને મેડિકલ તપાસ પછી બસ દ્વારા ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ આ ઘટનાને સંભવિત લેન્ડિંગ ગિયર ખામી ગણાવી છે અને તેના કારણોની વિગતવાર તપાસ શરૂ કરી દીધી છે. અમેરિકન એરલાઇન્સે પણ પુષ્ટિ કરી કે આ ઘટના ટાયરમાં આવેલી ટેકનિકલ ખામીને કારણે થઈ હતી, જેના કારણે સુરક્ષા પ્રોટોકોલ હેઠળ તાત્કાલિક વિમાનને રોકીને ઇમરજન્સી પ્રક્રિયા અપનાવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
