India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રંગભેદ આફ્રિકા: 'જ્યારે હું મારા પિતાના હત્યારાને ભેટી પડી'

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

નવ વર્ષીય કૅન્ડિસ મામાએ છુપાઈને એક પુસ્તકનું એવું પાનું ખોલીને જોયું જે તેણે નહોતું જોવું જોઈતું.

આ પાના પર રહેલા ફોટોના કારણે એક હકીકતથી તેનો સામનો થયો- તે હત્યા કરાયેલા તેમના પિતાની તસવીર હતી. પરંતુ આ ઘટનાનાં વર્ષો બાદ કૅન્ડીસ ન માત્ર તેમના પિતાના હત્યારાને મળ્યા, પરંતુ તેમને માફ પણ કરી દીધા. તે વ્યક્તિ હતી, 'પ્રાઇમ ઇવિલ' તરીકે જાણીતા યુજીન ડી કોક.

"વેર ડીડ ધ ગર્લ ગો ફ્રૉમ સોએટો, વેર ડીડ ધ ગર્લ ગો ફ્રૉમ સોએટો..."

જ્યારે પણ ક્લેરન્સ કાર્ટરનું આ ગીત રેડિયો પર આવે ત્યારે 29 વર્ષીય કૅન્ડિસના ચહેરા પર સ્મિત છવાઈ જાય છે, કારણ કે તેમને ખબર છે કે આ તેમના પિતાનું મનપસંદ ગીત હતું.

જોકે આ ગીત ગાતાં કે તેની ધૂન પર નાચતાં તેમણે પોતાના પિતાને ક્યારેય જોયા નહોતા.

તેમના પિતા ગ્લેનેક મસિલો મામા જ્યારે કૅન્ડિસ માત્ર આઠ મહિનાના હતાં ત્યારે ગુજરી ગયા હતા. તેથી તેઓ અન્ય લોકો પાસેથી સાંભળેલાં તેમનાં સંભારણાં થકી પોતાના પિતાની છબિ મનમાં ઘડતાં હતાં.

ક્રૅન્ડિસ કહે છે કે, "તેઓ જીવનને પ્રેમ કરનાર વ્યક્તિ હતી. તેઓ ગમે ત્યાં હોય એ વાતની ફિકર કર્યા વગર તેઓ કોઈ ગીત સાંભળતાંની સાથે જ કૂદીને નાચવા લાગતા."

કૅન્ડિસ વર્ષ 1991માં સાઉથ આફ્રિકામાં જન્મ્યાં હતાં. તે સમયે વંશીય ભેદભાવને બળ પૂરો પાડતી રંગભેદની નીતિનો સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો.

તેમનાં માતા, સૅન્ડ્રા મિક્સ્ડ રૅસની વ્યક્તિ હતાં. જ્યારે તેમના પિતા ગ્લેનેક એક અશ્વેત હતા. તેઓ પૅન આફ્રિકનિસ્ટ કૉંગ્રેસના સભ્ય હતા.

નોંધનીય છે કે આ ગ્રૂપ પણ આફ્રિકન નૅશનલ કૉંગ્રેસ (ANC)ની સાથે મળીને રંગભેદની નીતિ વિરુદ્ધ લડી રહ્યું હતું. જોકે ANCની જેમ તેઓ દક્ષિણ આફ્રિકાના તમામ નાગરિકો માટે સમાન હકોની તરફેણમાં નહોતા.


યાતનાનો દસ્તાવેજ એક પુસ્તક

કૅન્ડિસની માતાપિતા સાથેની બાળપણની તસવીર

કૅન્ડિસને હંમેશાંથી એ વાતની ખબર હતી કે તેમના પિતાની હત્યા થઈ હતી. તેમને હત્યારાનું નામ પણ ખબર હતું. તે હતા યુજીન ડી કોક વ્લાકપ્લાસ પોલીસ યુનિટના વિવાદાસ્પદ કમાંડર.

આ દળ રંગભેદની નીતિ દૂર કરાવવાની દિશામાં કાર્ય કરી રહેલા અશ્વેતોને ત્રાસ આપવા અને તેમની હત્યા માટે જવાબદાર હતું. પરંતુ કૅન્ડિસનાં માતાએ કેટલીક ભયાનક હકીકતો તો તેમને જણાવી જ નહોતી.

જ્યારે તેઓ નવ વર્ષનાં હતાં ત્યારે તેમણે જાતે આ અંગે કેટલીક હકીકતો જાણી. તેમણે એક વાત નોટિસ કરી હતી કે ઇનટુ ધ હાર્ટ ઑફ ડાર્કનેસ - કન્ફેશન ઑફ અપાર્ટહેડ્સ એસાસિન્સ નામના પુસ્તકની તેમનાં માતાના મુલાકાતીઓ પર પ્રબળ અસર પડતી. આ પુસ્તક પરથી જ તેમને એ ભયાનક હકીકતોનો થોડો ખ્યાલ આવ્યો હતો.

કૅન્ડિસ એ અનુભવોને યાદ કરતાં કહે છે કે, "જ્યારે પણ લોકો ઘરે આવતા ત્યારે મારાં માતા મને એ પુસ્તક લાવવાનું કહેતાં. લોકો રડતાં. મને ચીસો સંભળાતી."

"મેં આ પ્રકારની અજીબ પ્રતિક્રિયાઓ જોઈ અને સાંભળી. તે સમયે તો આ બધું મારા માટે અજીબ જ હતું."

તેઓ આ અનુભવો વિશે વધુ વાત કરતાં જણાવે છે કે, "હું મારી જાતને પૂછતી કે મને ખ્યાલ છે કે આ પુસ્તકમાં મારા પિતા છે, પરંતુ મારે એ જાણવું છે કે તેઓ આવી પ્રતિક્રિયાઓનું કારણ કેમ બની રહ્યા હતા?"

એક દિવસ કૅન્ડિસ તેમનાં માતા અને અમુક લોકો વચ્ચેની વાતચીત પરથી આ પુસ્તકના એક પાના વિશે સાંભળ્યું.

તેઓ કહે છે કે, "ઠીક છે. મને જ્યારે પણ તક મળશે ત્યારે હું એ પાનું શોધીને તેમાં શું છે એ જોઈશ."

એક અઠવાડિયા બાદ જ્યારે તેમનાં માતા ખરીદી કરવા માટે બહાર ગયાં હતાં. ત્યારે કૅન્ડિસે માતાના બેડરૂમમાં જઈને કબાટમાં ઊંચે મૂકેલું એ પુસ્તક ખુરશીની મદદથી નીચે ઉતાર્યું.

તે દિવસે આ પુસ્તકના જે પાના વિશે તેમણે ચર્ચા સાંભળી હતી તેમણે એ પાનું ખોલીને જોયું. તેમાં તેમને સળગી ગયેલા માનવદેહની દર્દનાક તસવીર દેખાઈ. આ તસવીર તેમના પિતાની હતી. તેમના હાથમાં કારનું સ્ટિયરિંગ વ્હીલ હતું.


પિતા વિશે જાણવાની ધખના

તેઓ આ અનુભવ વિશે વાત કરતાં કહે છે કે, "મને ખબર પડી ગઈ કે આ મારા પિતા છે. અને તેઓ આવી રીતે ગુજરી ગયા છે. તેમજ આ વ્યક્તિ (યુજીન ડી કોક) તેમના હત્યારા છે. હું અંદરોઅંદર જાણતી હતી કે તે વખતે મેં જે કર્યું એ ખોટું હતું, કારણ કે મને એ પુસ્તક ખોલવાની પરવાનગી નહોતી. તેથી મેં આ વાત કોઈને ન કરી."

પોતાનાં માતાને આ વિશે કશું જ ન કહેવાને કારણે તેમની અંદરની ખફગી "વધીને કંઈક બીજું સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી." સાથે જ તેમના પિતા વિશે વધુ જાણવાની તેમની ઇચ્છામાં વધારો થયો.

કૅન્ડિસ કહે છે કે, "મને આલબમમાં તેમની એક તસવીર મળી. મેં તેમની તસવીરો, તેમનું વ્યક્તિત્વ અને આ પુસ્તક પર તેમના દ્વારા ચોંટાડાયેલાં કથનો જોયાં. તેઓ તેમની પરિસ્થિતિના અનુસંધાને ઘણા જ્ઞાની દેખાઈ રહ્યા હતા."

આ વિશે તેઓ વધુ વાત કરતાં કહે છે કે, "તેમણે એક એવી વાત કહેલી : 'તમે અશ્વેત છો એટલા માત્રથી તમે જીવનમાં આગળ નહીં વધી શકો એવું નથી.' મને એ જાણીને ખૂબ આશ્ચર્ય થતું કે આ વ્યક્તિ માત્ર 25 વર્ષની ઉંમરે આટલી જ્ઞાની હતી. તેઓ આગળ જઈને શું બને છે તે જોવાનું મેં ઇચ્છ્યું હોત."

પરંતુ કૅન્ડિસ જે દુ:ખ અને ગુસ્સો પોતાની અંદર દબાવી રાખી રહ્યાં હતાં તેની અસર જલદી જ તેમના સ્વાસ્થ્ય પર પડવા લાગી.

16 વર્ષની વયે તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવાં પડ્યાં. તેમને છાતીમાં એટલો તીવ્ર દુખાવો થઈ રહ્યો હતો કે એવું લાગી રહ્યું હતું કે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો છે.

કૅન્ડિસ તે બનાવ વિશે વાત કરતાં જણાવે છે કે, "બીજા દિવસે ડૉક્ટરે મને અને મારાં માતાને જણાવ્યું કે આપને ખબર છે કે તે હૃદયરોગનો હુમલો નહોતો. પરંતુ મારી 20 વર્ષ કરતાં વધારે વર્ષની કારકિર્દીમાં મેં ક્યારેય તમારા જેટલી ઉંમરની વ્યક્તિની અંદર સ્ટ્રેસનાં આવાં ગંભીર લક્ષણો જોયાં નથી."

કૅન્ડિસ એ બનાવ વિશે વાત કરતાં કહે છે કે, "ડૉક્ટરે આ બધાં લક્ષણો, મારા શરીર પર થતાં ફોડલાં પર મારું ધ્યાન દોર્યું અને કહ્યું કે મારું શરીર મને મારી રહ્યું છે. જો હું જલદી કંઈ નહીં બદલું તો કંઈ પણ થઈ શકે છે."

કૅન્ડિસ તે તકલીફને સ્વીકારતાં કહે છે કે, "હું ખુશ કે સ્વસ્થ નહોતી. ખરેખર તો હું જીવતી પણ નહોતી."


હકીકતનો સામનો

તેઓ પોતાના ઉપચાર માટે રસ્તા શોધવા લાગ્યાં. તેમને પોતાની આવી પરિસ્થિતિનું કારણ પોતાના પિતાની આવી અવસ્થામાં જોયેલી તસવીર હોવાનું લાગ્યું.

તેમણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો જ હતો. તેની શરૂઆત તેમણે પોતાના પિતાના હત્યારા વિશે વધુ જાણકારી મેળવવાથી કરી.

દક્ષિણ આફ્રિકામાં પ્રથમ લોકતાંત્રિક ચૂંટણીઓ થઈ અને ANC અને તેમના નેતા નેલ્સન મંડેલાના હાથમાં સત્તા આવ્યાના બીજા વર્ષે સત્ય અને સમાધાન પંચની સ્થાપના કરવામાં આવી.

આ પંચ દ્વારા રંગભેદની નીતિ અમલમાં હતી તે સમયે માનવહકોના હનન વિશેની જુબાની સાંભળવામાં આવતી. તે અંતર્ગત તમામ લખાણોને ભાવિ પેઢી માટે ઑનલાઇન મૂકવામાં આવતાં. આમ કૅન્ડિસે યુજીન ડી કોકનું નામ શોધીને તેમના વિશેના દસ્તાવેજો વાંચવાનું શરૂ કર્યું.

નેલ્સ્પ્રુઇટ એમ્નેસ્ટી નામક સુનાવણી વખતે ડી કોકે કૅન્ડિસના પિતા જે દિવસે મૃત્યુ પામ્યા હતા તે દિવસના બનાવો વિશે વિગતવાર વાત કરી છે.

તેઓ પોતાનાં પ્રસિદ્ધ થયેલાં સંસ્મરણો લખે છે કે એ વખતે તેમને ખૂબ જ ડરનો અહેસાસ થયો. આ દસ્તાવેજ વાંચવાની સાથે તેઓ ગુસ્સાના કારણે ધ્રુજી રહ્યા હતા. તેઓ કહે છે કે તેમને એ નહોતું સમજાઈ રહ્યું કે કોઈ માણસ આવી રીતે કઈ રીતે વર્તી શકે.

પરંતુ તેમણે કોઈ અન્ય વ્યક્તિ વિચારી પણ ન શકે તેવું કરવાનું હતું. તેઓ પોતાના પિતાના હત્યારાને માફ કરવાનાં હતાં.

તેઓ કહે છે કે, "આ બધું એક બદલાની ભાવના સાથે શરૂ થયું. મને એવું લાગતું કે એ વ્યક્તિ મને કંટ્રોલ કરે છે. તેના કારણે મને પૅનિક ઍટેક આવે છે. મને એવું લાગતું કે હું મારી ભાવનાઓ પર કાબૂ નથી રાખી શકી રહી. હું વિચારતી કે તેમણે મારા પિતાને તો પહેલાંથી જ મારી નાખ્યા છે હવે તેઓ મને પણ મારી રહ્યા છે. તેથી મારા માટે તેમને માફ કરવું મહત્ત્વપૂર્ણ હતું."

તેઓ હજુ એક કિશોરી હતાં, પરંતુ તેમણે પોતાની ભાવનાઓ પર કાબૂ મેળવી લીધો.

તેઓ આગળ કહે છે કે, "જ્યારે મેં યુજીન અને બની ચૂકેલી ઘટના અંગેની લાગણીઓને મારા મનમાંથી દૂર કરી ત્યારે મને અહેસાસ થયો કે હું માત્ર એક માણસને માફ કરી રહી છું. તેથી માફી મારા માટે આઘાતની લાગણીજન્ય પ્રતિક્રિયા ન બની."

તેમને આ અહેસાસ ખૂબ જ સ્વતંત્રતા પ્રદાન કરતો લાગ્યો.

તેઓ આ વિશે વાત કરતાં કહે છે કે, "હાશ, હવે મને હળવું લાગી રહ્યું છે, હું ખુશી મહેસૂસ કરી શકતી હતી. હું ખુશ રહી શકતી હતી. આ એ બધું હતું જેના વિશે હું ક્યારેય વિચાર નહોતી કરતી. વિપરીત વાત તો એ હતી કે યુજીનને માફી આપવાની અણી સુધી હું જ્યારે આવી પહોંચી ત્યાં સુધી મને આ તમામ વસ્તુઓની જરૂરી છે તેનો અહેસાસ પણ મને નહોતો થયો."


મળવું કે નહીં?

વર્ષ 2014માં કૅન્ડિસનાં માતાનો નૅશનલ પ્રૉસિક્યૂટિંગ ઑથરિટી દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો. ઑથૉરિટી દ્વારા તેમનો સંપર્ક એ પૂછવા માટે સાધવામાં આવ્યો હતો કે તેમનો પરિવાર પીડિત અને ગુનેગારના સંવાદમાં ભાગ લઈને યુજીન ડી કોકને મળવા વ્યક્તિગતપણે મળવા માગે છે કે કેમ?

તે સમયે કૅન્ડિસ 23 વર્ષનાં હતાં, જ્યારે તેમનાં માતાએ કૅન્ડિસને આ વિશે પૂછ્યું. તો તેમણે તરત જવાબ આપ્યો કે, "હા, આપણે તેમને મળવું જોઈએ."

તેઓ આ વિશે વાત કરતાં કહે છે કે, "મને ખબર નહીં મેં કેમ આવું કર્યું?"

2014માં નૅશનલ પ્રૉસિક્યૂટિંગ ઑથૉરિટીએ કૅન્ડીસનાં માતાનો સંપર્ક કરીને પૂછ્યું કે શું તેમનો પરિવાર પીડિત-ગુનેગાર વચ્ચે થનારી વાતચીતનો ભાગ બનશે અને યુજીન ડી કોકને સામસામે મળવા માટે તૈયાર છે?

કૅન્ડીસ એ સમયે 23 વર્ષનાં હતાં અને જ્યારે તેમનાં માતાએ આ વિશે પૂછ્યું તો તેમણે તાત્કાલિક જવાબ આપ્યો.

તેઓ કહે છે, "મેં હા પાડી. મને ખબર નથી કે કેમ."

"મને લાગ્યું કે જો મેં હા ન પાડી તો હું આખી જિંદગી પોતાને આ પ્રશ્ન પૂછતી રહીશ."

કૅન્ડીસ કહે છે, "એ રૂમમાં જવાનો અનુભવ સ્વપ્ન જેવો હતો. "

"અંદર જતાં જ એક લાંબું ડાઇનિંગ રૂમ ટેબલ હતું, તેના એક ખૂણા પર બિસ્કિટ મૂકવામાં આવ્યાં હતાં- એવું લાગતું હતું કે જાણે તમે પાડોશમાં તમારા માસીને ઘરે ગયા હો."

પરિવારના સભ્યો જેલના સુરક્ષાકર્મીઓ, કાઉન્સેલર અને પાદરી સાથે વાત કરવા લાગ્યા, પરંતુ એક એવી પળ આવી જ્યારે કૅન્ડીસ પાછળ ફર્યાં."

તેઓ કહે છે, "અને મેં તેને જોયો, મેં તેને ત્યાં બેઠો જોયો, જાણે એ અચાનક ક્યાંકથી ત્યાં પ્રકટ થયો હોય."

તેમને બે વસ્તુઓ બહુ આઘાતજનક લાગી.

કૅન્ડીસ કહે છે, "એને જોઈને એવું લગાતું હતું કે તે સમયમાં થીજી ગયો હોય. બાળપણમાં એ વ્યક્તિને મેં જેવી જોઈ હતી એ અત્યારે પણ એવી જ હતી, આ જાણે સત્યથી પરે કંઈક હતું. "

કૅન્ડીસને લાગ્યું હતું કે 65 વર્ષનાં પ્રાઇમ એવિલ નામના આ માણસનું ખાસ ઑરા (તેજોમંડળ) હશે જેમાં ક્રૂરતા ભરેલી હશે. પરંતુ તેમને આશ્ચર્ય થયું કે એવું નહોતું.

પાદરીએ પરિવારના સભ્યોની ઓળખાણ કરાવતા હતા ત્યારે યુજીન આગળ ઝૂકીને કહેતાં, "તમને મળીને ખુશી થઈ."

કૅન્ડીસનાં માતાએ સૌથી પહેલા તેમના પતિના મૃત્યુની વાત કરી, તેમણે પૂછ્યું કે 26 માર્ચ, 1992ના દિવસે શું થયું હતું જે દિવસે તેમનું મૃત્યુ થયું હતું.

યુજીને કહ્યું કે તેઓ અને તેમની ટીમે તેમનાં પતિના કૅમ્પમાં સૌથી કટ્ટરવાદી અને કુશળ કાર્યકરોની માહિતા મેળવવા માટે એક ઘૂસણખોર મોકલ્યો હતો.

કૅન્ડીસ કહે છે કે આ એવા લોકો હતા જે પૅન આફ્રિકન કૉંગ્રેસમાં સૌથી ખતરનાક લોકો માનવામાં આવતા હતા. તેમના પિતા અને ત્રણ અન્ય કાર્યકરોને પસંદ કરવામાં આવ્યા હતા.

એ દિવસે, તેઓ જોહનિસબર્ગથી 350 કિલોમિટર પૂર્વમાં સ્થિત નેલસ્પ્રુઇટ જવાના હતા.

કૅન્ડીસ કહે છે, "એમને ખબર નહોતી કે યુજીન ડી કોક અને તેમની ટીમે છાપો મારવાની તૈયારી કરી રાખી હતી."

"મારા પિતા બ્રિજની નીચેથી ગાડી ચલાવીને જઈ રહ્યા હતા, ત્યારે જ મિનિબસ પર આ ટીમે હુમલો શરૂ કરી દીધો."

"જ્યારે બ્રિજથી યુજીન ડી કોકે જોયું કે મિનિબસ રોકાઈ નથી રહી ત્યારે તેઓ બ્રિજની પાળે પહોંચ્યા અને બંદૂકની મૅગઝિન કાર્ટરિજ મારા પિતા પર ખાલી કરી નાખી અને તેમને લાગ્યું કે ગાડીમાં હજી કોઈ જીવિત છે તો તેમણે તેના પર ઈંધણ છાંટ્યું અને આગ ચાંપી દીધી."

કૅન્ડીસ કહે છે કે અમે પોતાને એ જ કહીએ છીએ કે આવી ક્રૂરતા સામાન્ય માનવ ન કરી શકે પરંતુ અત્યાર સુધી કૅન્ડીસ સમજી ગયાં હતાં કે યુજીન ડી કૉક એક સામાન્ય વ્યક્તિ હતા જેમણે અસાધારણ ક્રૂરતા આચરી હતી.

"જ્યારે હું તેમના સ્થાને પોતાને મૂકીને જોવું છે ત્યારે મને લાગે છે, જો હું એ પરિસ્થિતિમાં હોત, જો મારા પિતા અને પરિવાર પણ ઉગ્રવાદી હોત, પોલીસ ઍકેડેમી ગઈ હોત, એવા વાતાવરણમાં રહી હોત જ્યાં એવું શીખવવામાં આવતું હોત કે આ લોકો દુશ્મન છે અને હુમલો કરવું બરાબર છે. મારા મિત્રો તેની ઉજવણી પર કરતા હોત અને હું આ પ્રકારના હુમલામાં શ્રેષ્ઠ હોત તો હું પણ એવી જ બની હોત."

"મને નથી લાગતું, આ પરિસ્થિતિઓમાં હું યુજીન કરતા અલગ હોત."


તમે પોતાને માફ કરી શકો છો?

આ મુલાકાતમાં કૅન્ડીસના પરિવારને યુજીનને કોઈ પણ પ્રશ્ન પૂછવાનો મોકો આપવામાં આવ્યો હતો.

કૅન્ડીસના મનમાં પ્રશ્ન તૈયાર હતો.

"મેં કહ્યું, યુજીન, હું તમને કહેવા માગું છું કે મેં તમને માફ કર્યા પરંતુ તેની પહેલાં મારે એક વસ્તુ જાણવી છે."

તેમણે કહ્યું, 'જરૂર, શું જાણવા માગો છો?'

"મેં પૂછ્યું, શું તમે પોતાને માફી કરી શકો છો?"

"આ મુલાકાતમાં પહેલી વખત તેઓ સ્તબ્ધ દેખાયા. તેમણે કહ્યું, જ્યારે પણ કોઈ પરિવાર અહીંયાં આવે છે, હું પ્રાર્થના કરું છું કે એ લોકો મને આ સવાલ ન પૂછે."

"તેમણે મોઢું ફેરવી લીધું, આંખની કિનારીએ આવેલા આંસુ લૂછ્યાં. મારી તરફ જોઈને કહ્યું, મેં જે કર્યું એવું કોઈ કરે તો એ કેવી રીતે પોતાને માફી કરી શકે."

કૅન્ડીસ રડવાં લાગ્યાં, તેઓ પોતાના કે પોતાના પિતા માટે નહોતાં રડતાં, પરંતુ તેમને એ વિચારીને રડવું આવ્યું હતું કે ડી કૉક ક્યારેય શાંતિથી નહીં રહી શકે.

તેઓ કહે છે, "બે તૂટેલાં લોકો એકબીજાની સામે બેઠાં હતાં. એ પળ પરિવર્તનની પળ હતી."

મુલાકાતના અંતે કૅન્ડીસ પહેલાં ઊભા થઈ ગયાં અને યુજીન ડી કૉકની પાસે ગયાં, તેમણે પૂછ્યું કે શું તેઓ યુજીનને ગળે લગાવી શકે છે.

"તેઓ ઊભા થયા અને મને બાથમાં લીધી. તેમણે કહ્યું મેં જે કર્યું તેના માટે ખૂબ દિલગીર છું અને તમારાં પિતાને તમારા પર ખૂબ ગર્વ થયો હોત."

2015માં યુજીનને પૅરોલ આપવામાં આવી હતી. કૅન્ડીસનું કહેવું છે કે તેમણે તથા તેમના પરિવારે યુજીનને પૅરૉલ આપવાનું સમર્થન કર્યું હતું.

તેમને એ વાત ખબર હતી કે યુજીન નૅશનલ પ્રૉસિક્યૂટિંગ ઑથૉરિટીને વર્ષોથી લાપતા લોકોના મૃતદેહો શોધવામાં મદદ કરીને પીડિત પરિવારોને દિલાસો આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

"એ લોકોએ મને જણાવ્યું કે આ કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે યુજીન અમને જે જગ્યાઓની જાણ કરે છે એ જગ્યાઓ સુધી તેમના વગર પહોંચવું શક્ય નથી. એટલે મને થયું કે જો તેઓ જેલની બહાર થોડા પરિવારોને મદદરૂપ થઈ શકે છે, તો મને લાગ્યું કે તેમનાં જેલમાં રહેવા કરતા વધારે સારું રહેશે. તેઓ એવા લોકોને મદદરૂપ થઈ શક્યા હોત જે પોતાના પરિવારોજનોને હજી સુધી દફનાવી નથી શક્યા.


આઘાતમાંથી આઝાદી

યુજીનની ક્રૂરતાનો ભોગ બનેલા કેટલાય લોકો માટે તેમને માફ કરવું શક્ય નહોતું. પરંતુ કૅન્ડીસ માટે યુજીનને માફ કરી દેવાનો અનુભવ એ આઘાતમાંથી આઝાદ થવાનો અવસર બની ગયો હતો, જે તેમણે નવ વર્ષની ઉંમરે અનુભવ્યો હતો જ્યારે તેમણે પોતાની નજર સામે ક્રૂરતાની એ અવિશ્વસનીય તસવીર જોઈ હતી.

કૅન્ડીસ કહે છે, "જ્યારે તમારી ભૂલ ન હોય પરંતુ તમને એક જબરદસ્ત આઘાત લાગ્યો હોય તો, પ્રશ્ન થઈ શકે કે 'જ્યારે મેં કંઈ કર્યું નથી તો હું માફ કરવા વિશે કેમ વિચારું?"

પરંતુ હું કહીશ કે જ્યારે તમે એ ઘટના કે વ્યક્તિને શક્તિ આપો છો ત્યારે તમે પોતાને જ ઇજા પહોંચાડો છો, તમે વારંવાર પોતાને આઘાત આપો છો. તમે વારંવાર તમારા પોતાના જીવન પરનું નિયંત્રણ એ વ્યક્તિના હાથમાં આપી દો છો."

કૅન્ડિસે પોતાના જીવન પર એક પુસ્તક લખ્યું છે "ફરગિવનૅસ રીડિફાઇન્ડ" એટલે કે "માફીની નવી પરિભાષા."


https://www.youtube.com/watch?v=qvO1b2rdx-4

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Apartheid Africa: 'When I Met My Father's Killer'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X