બલૂચિસ્તાનમાં પાકિસ્તાનની ટ્રેન પર આતંકવાદી હુમલો, 450 પેસેન્જરને બંધક બનાવાયા
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં મંગળવારે આતંકવાદીઓએ લગભગ 450 મુસાફરોને લઈ જતી પેસેન્જર ટ્રેન પર હુમલો કર્યો. આ હુમલામાં ટ્રેન ડ્રાઈવર ઘાયલ થયો હતો અને મોટી સંખ્યામાં મુસાફરો ગભરાઈ ગયા હતા.
સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, બલૂચ લિબરેશન આર્મી (BLA) નામના અલગતાવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
આતંકવાદીઓએ દાવો કર્યો છે કે તેમણે ટ્રેન પર સંપૂર્ણ કબજો કરી લીધો છે અને મહિલાઓ અને બાળકો સહિત 450 થી વધુ મુસાફરોને બંધક બનાવ્યા છે. એટલું જ નહીં, આતંકવાદીઓનું કહેવું છે કે હુમલામાં 6 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે અને વહીવટીતંત્ર પર હુમલા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન બલુચિસ્તાનના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો.

બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. તે એક અલગતાવાદી સંગઠન છે જે બલુચિસ્તાન માટે વધુ સ્વાયત્તતાની માંગ કરે છે.
સંગઠને એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (ATF) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના અધિકારીઓનો સમાવેશ થાય છે જેઓ પંજાબ જઈ રહ્યા હતા.
BLA એ એક નિવેદન બહાર પાડીને કહ્યું, "અમારા લડવૈયાઓએ બલુચિસ્તાનના મશ્કાફ, ધાધર, બોલાન વિસ્તારોમાં એક સુનિયોજિત કાર્યવાહી હાથ ધરી. અમે રેલ્વે ટ્રેકને ઉડાવી દીધો, જેના કારણે જાફર એક્સપ્રેસ ટ્રેન અટકી ગઈ. આ પછી, અમારા લડવૈયાઓએ ટ્રેનનો કબજો લઈ લીધો અને તમામ મુસાફરોને બંધક બનાવી લીધા."
રેલ્વે અને પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં ટ્રેન ડ્રાઈવર ઘાયલ થયો છે. આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે આ ટ્રેન ક્વેટાથી પેશાવર જઈ રહી હતી. બચાવ ટીમો અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આતંકવાદીઓને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે.
બીએલએએ દાવો કર્યો હતો કે તેમણે પાકિસ્તાની સેનાના ભૂમિ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અને 100 થી વધુ સૈનિકોને કબજે કર્યા હતા. તેમણે પાકિસ્તાની સેનાને ચેતવણી આપી હતી કે જો તે હવાઈ હુમલા બંધ નહીં કરે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે.












Click it and Unblock the Notifications
