Bangladesh Protests : પુરા બાંગ્લાદેશમાં ફેલાઈ અનામતની આગ, 105 લોકોના મોત
Bangladesh Protests : સરકારી નોકરીઓમાં અનામત સિસ્ટમના વિરોધમાં પુરૂ બાંગ્લાદેશ સળગી રહ્યું છે. આ વિરોધમાં અત્યારસુધીમાં 105 લોકોના મોત થયા છે.
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ વધુને વધુ હિંસક બની રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન શેખ હસીનાએ સમગ્ર દેશમાં કર્ફ્યુ અને સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.

શેખ હસીનાના પ્રેસ સચિવ નઈમુલ ઈસ્લામ ખાને શુક્રવારે જણાવ્યું કે, કર્ફ્યુ સંબંધિત સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. બીજી તરફ બાંગ્લાદેશી મીડિયા અનુસાર, શુક્રવારે પોલીસે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શન પર કાર્યવાહી કરી હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા છે.
અહેવાલો અનુસાર, પોલીસે કેટલાક વિસ્તારોમાં દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. રાજધાની ઢાકામાં ઘણી જગ્યાએ છત પરથી જ્વાળાઓ ઉછળતી જોવા મળી છે અને ઘણી જગ્યાએ ધુમાડો આકાશમાં ઉછળતો જોવા મળ્યો. વિરોધ વચ્ચે ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પણ ખોરવાઈ છે. ઘણી ન્યૂઝ ચેનલો પણ બંધ કરી દેવામાં આવી છે.
બંગાળી અખબાર પ્રથમ આલોના અહેવાલ અનુસાર, વિરોધીઓએ રસ્તાઓ અવરોધિત કર્યા અને સુરક્ષા અધિકારીઓ પર ઇંટો ફેંકવાના કારણે સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.
ગુરુવારે બાંગ્લાદેશના 64માંથી 47 જિલ્લામાં હિંસામાં 27 લોકોના મોત થયા હતા અને 1,500 લોકો ઘાયલ થયા હતા. હોસ્પિટલોને ટાંકીને એએફપીએ અલગથી જણાવ્યું કે શુક્રવાર રાતના વિરોધ પ્રદર્શનમાં મૃત્યુની કુલ સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. જોકે પોલીસે મૃતકોની સંખ્યા જાહેર કરી નથી.
આ મુદ્દે ભારતનું કહેવું છે કે અશાંતિ બાંગ્લાદેશનો આંતરિક મામલો છે. જ્યાં સુધી ભારતીયોની વાત છે, તમામ 15,000 ભારતીયો બાંગ્લાદેશમાં સુરક્ષિત છે. બાંગ્લાદેશમાં અભ્યાસ કરતા ભારતીયો રોડ માર્ગે પરત ફરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
