Video: જ્યારે રસ્તા પર દોડતી ગાડીઓ વચ્ચે ક્રેશ થયું વિમાન..
કેલિફોર્નિયામાં રસ્તા પર દોડતી ગાડીઓ વચ્ચે વિમાન ક્રેશ થવાની ઘટના ઘટી હતી. ચમત્કારિક રીતે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. આ ઘટનાનો વીડિયો જુઓ અહીં..
કેલિફોર્નિયાના રસ્તા પર એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર એક પછી એક ગાડીઓ લયમાં પસાર થઇ રહી હતી, ત્યાં અચાનક જ એક ક્રેશ થયેલું વિમાન ગાડીઓ વચ્ચે આવી પડ્યું હતું. જોત-જોતમાં આ વિમાનમાં આગ લાગી ગઇ હતી. સદભાગ્યની વાત એ છે કે, આટલા મોટા અકસ્માત છતાં આ વિમાનને કારણે કોઇ ગાડીને કોઇ નુકસાન નહોતું પહોંચ્યું.

ઉપલબ્ધ જાણકારી અનુસાર, બે યાત્રીઓને લઇને જઇ રહેલ એક એરક્રાફ્ટ પરથી પાયલટનું નિયંત્રણ જતાં ક્રેશ થઇ ગયું હતું. આ ઘટના કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટિની છે. ઓરેન્જ કાઉન્ટિના જૉન વેન એરપોર્ટ પાસે વિમાનમાંથી અચાનક જ ધુમાડો નીકળવા માંડ્યો હતો અને વિમાન અનિયંત્રિત થઇ રસ્તા પર જતી ગાડીઓ વચ્ચે પટકાયું હતું અને તેમાં આગ લાગી ગઇ હતી.
આ એરક્રાફ્ટમાં એક પુરૂષ અને એક મહિલા મુસાફરી કરી રહ્યાં હતા, બંન્નેની ઉંમર 60 વર્ષની આસપાસ હતી. બંન્નેએ પોતાની જાત બચાવવાનો પ્રયત્ન કર્યો, તેઓ બચી તો ગયા પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ઓરેન્જ કાઉન્ટિના ફાયર ઓથોરિટી કેપ્ટન લૈરી કુર્ત્જે જણાવ્યું કે, આ ઘટનામાં કોઇ ગંભીર રીતે ઘાયલ નથી થયું. વિમાન અચાનક કઇ રીતે ક્રેશ થયું, એ અંગે હાલ કંઇ કહી શકાય એમ નથી. આ ઘટનાને નજરો-નજર જોનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, વિમાન એક ગાડીની એકદમ બાજુમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં કોઇ જાનહાનિ નથી થઇ, પરંતુ રસ્તા પર વિમાન પટકાતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો.
આ ગંભીર ઘટનામાં કોઇને નુસાકન નથી પહોંચ્યું, એ ખરેખર એક ચમત્કાર જ કહી શકાય. અચાનક વિમાન ક્રેશ થવાની ઘટનાનો વીડિયો જુઓ અહીં..












Click it and Unblock the Notifications
